Gmail Users on High Risk: ગૂગલના જીમેલને હાલમાં હેકર્સ દ્વારા ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યું છે. જીમેલ યુઝર્સને ટાર્ગેટ કરીને તેમની સાથે સ્કેમ કરવામાં આવી રહ્યું છે. આ વાતને ગૂગલે સ્વીકારતાં યુઝર્સને ચેતી રહેવાની સલાહ આપી છે. સોફ્ટવેર ડેવલપર નિક જોહ્નસન દ્વારા આ અંગે સોશિયલ મીડિયા પર જણાવવામાં આવતાં ગૂગલનું ધ્યાન આ તરફ ગયું. તેમને એક ખોટો ઈમેલ આવ્યો હતો, જે ઓફિશિયલ ઈમેલ પરથી આવ્યો હોય એવું દેખાતું હતું. આ ઈમેલ દ્વારા કંપની ડોમેન કી ઇન્ડેન્ટિફાઇડ મેઇલને પણ પાસ કરી હોવાથી તે જીમેલમાં એક સામાન્ય ઈમેલ જેવો દેખાતો મેલ લાગે છે.
ગૂગલની સિક્યોરિટી સાથે છેડછાડ
નિક જોહ્નસનના જણાવ્યા અનુસાર આ ફિશિંગ અટેક કરનારે ગૂગલની સિક્યોરિટી સાથે છેડછાડ કરી છે. સ્કેમ ઈમેલનું એડ્રેસ ગૂગલના ઈમેલ જેવું જ દેખાતું હતું. એ ઈમેલ અનુસાર નિકનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ ફિશિંગ અટેક માટે જે ડોમેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, એનાથી નિકને જાણ થઈ હતી. ગૂગલ દ્વારા accounts.google.com નો ઉપયોગ કરવામાં આવે છે અને સ્કેમર્સ દ્વારા sites.google.comનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એના પર ક્લિક કરતાંની સાથે જ એક ખોટું સપોર્ટ પોર્ટલ ખૂલે છે. આ પોર્ટલ પર માહિતી દાખલ કરતાં યુઝર્સ પોતાનો પાસવર્ડ હેકર્સને આપી દે છે.
ગૂગલ દ્વારા સ્કેમને અટકાવવા માટે સુરક્ષા વધારી
ગૂગલ દ્વારા આ સિક્યોરિટી ઇશ્યુને સુધારી દેવામાં આવ્યું છે. આ અંગે ગૂગલના પ્રવક્તાએ જણાવ્યું કે ગૂગલ આ વિશે જાણ ધરાવે છે અને આ પ્રકારના અટેકને અટકાવવા માટે પગલાં લેવામાં આવ્યા છે. ગૂગલ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આ પ્રકારની છેતરપિંડીથી દૂર રહેવા માટે ગાઇડલાઇન પણ જાહેર કરવામાં આવી છે. ગૂગલના પ્રવક્તાએ કહ્યું કે ‘ગૂગલ ક્યારેય યુઝર પાસેથી પાસવર્ડની માગણી કરતું નથી. એમાં વન-ટાઇમ પાસવર્ડ અને પુશ નોટિફિકેશનનો પણ સમાવેશ થાય છે. ગૂગલ કોઈપણ પ્રકારની ડેટાની માંગણી નથી કરતું, અને ક્યારેય કોલ પણ નથી કરતું.’

ફિશિંગ અટેક ઓળખવામાં પડતી મુશ્કેલીઓ
ફિશિંગ અટેકને ઓળખવામાં હવે ઘણું મુશ્કેલ થયું છે. આ પાછળનું કારણ સ્કેમ કરનારા દ્વારા ઓરિજિનલ જેવી URLનો ઉપયોગ કરવામાં આવતું હોવાથી થાય છે. આ ઉપરાંત, ડોમેન નામમાં સામ્યતા હોવાને કારણે યુઝર્સને ઓળખવામાં મુશ્કેલી આવે છે. નિક દ્વારા લોકોને જણાવવામાં આવ્યું હતું કે આ નાના તફાવતને કારણે લોકો બૅન્ક એકાઉન્ટ સંબંધિત માહિતી હેકર્સને આપી શકે છે. ટૂ-ફેક્ટર વેરિફિકેશન અને પાસકી ધરાવતા યુઝર્સ સૌથી વધુ ટાર્ગેટ છે.
આ પણ વાંચો: ભારતમાં ગૂગલને લઈને મોટો નિર્ણય: એન્ડ્રોઇડ ટીવી માટેના નિયમોમાં બદલાવ અને 20 કરોડનો દંડ
ગૂગલે આપી ચેતવણી
ગૂગલ દ્વારા યુઝર્સને ચેતી રહેવા માટે સલાહ આપવામાં આવી છે. કોઈપણ ઈમેલ પર ક્લિક કરતાં પહેલાં બે વાર વિચારવું જોઈએ. ઉપરાંત, એકાઉન્ટ સંબંધી મુદ્દાને લઈને જ્યારે પણ ઈમેલ આવે ત્યારે દરેક માહિતી સમજવી અને સાચવીને વાંચવી જોઈએ. ગૂગલ દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ સરકારી એજન્સી યુઝરની માહિતી માગે છે, ત્યારે તેઓ સૌથી પહેલા યુઝર્સને ઈમેલ દ્વારા જાણ કરતાં હોય છે.


