Google લઇને આવ્યું આ ખાસ ફિચર, હવે મોબાઈલ સ્વીચ ઓફ હશે તો પણ લાઈવ લોકેશન ટ્રેક કરી શકાશે
Image Envato |
How to Find Lost Phone : ગૂગલે લાંબા સમય બાદ આખરે Find My Device Network લોન્ચ કર્યું છે. જો કે, ગૂગલે ગયા વર્ષે જ Find My Device Networkની જાહેરાત કરી હતી અને ત્યારથી જ સતત તેનું પરીક્ષણ ચાલી રહ્યું છે. ગયા અઠવાડિયે આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, Find My Device Network ટુંક સમયમાં જ રિલીઝ કરવામાં આવશે. 'ફાઇન્ડ માય ડિવાઈસ નેટવર્ક' એપલની ફાઈન્ડ માય એપની જેમ કામ કરશે અને તેના દ્વારા મોબાઇલ સિવાય અન્ય સ્માર્ટ ગેજેટ્સને પણ ટ્રેક કરી શકાશે.
અબજો એન્ડ્રોઇડ યુઝર્સને થશે ફાયદો
ગૂગલે Find My Device Network ની માહિતી તેના બ્લોગ દ્વારા આપી છે. ગૂગલ ફાઇન્ડ માય ડિવાઇસ નેટવર્કની શરુઆત અમેરિકા અને કેનેડાથી થઈ છે અને તેનું અપડેટ અન્ય દેશોમાં પણ રિલીઝ કરવામાં આવી રહ્યું છે. આ સાથે Googleએ તેના બ્લોગમાં કહ્યું છે કે, Find My Device Network ની મદદથી તમે તમારા એન્ડ્રોઈડ ડિવાઈસને સરળતાથી અને સુરક્ષિત રીતે શોધી શકશો.
ઓફલાઇન મોડમાં પણ કરશે કામ
સામાન્ય રીતે દરેક યુઝર્સને સૌથી મોટી મુશ્કેલી ઑફલાઇન મોડમાં જ પડતી હોય છે. ગૂગલે આ સમસ્યાને Find My Device Network દ્વારા દૂર કરી દીધી છે. ગૂગલે કહ્યું છે કે 'ફાઇન્ડ માય ડિવાઈસ નેટવર્ક' થી કનેક્ટેડ ડિવાઈસને ટ્રેક કરવા માટે એ હવે ડિવાઈસનું ઈન્ટરનેટ કનેક્શન નહીં હોય તો પણ કામ કરશે. Pixel 8 અને Pixel 8 Pro યુઝર્સ ફોન બંધ થયા પછી પણ તેમના ફોનને ટ્રેક કરી શકશે. પિક્સેલ સિવાય તેનો સપોર્ટ ટૂંક સમયમાં અન્ય કંપનીઓના ફોન અને ગેજેટ્સમાં પણ મળી રહેશે.