એક દૃશ્યની કલ્પના કરોઃ સમુદ્રની ઊંડાઈમાં એક આઠ-પગો વિકરાળ રાક્ષસ રહે છે. આકાશમાં ઊંચે ઉડતા ડાયનાસોર સમુદ્ર સપાટી નજીક આવે છે કે તરત જ પેલા રાક્ષસની લાંબી-લાંબી ભુજાઓ સમુદ્રની બહાર નીકળે છે, ડાયનાસોરને જકડી લે છે અને પછી એને સમુદ્રના પાણીમાં ખેંચી લઈને ખાઈ જાય છે. ડરામણું લાગે એવું આ દૃશ્ય હોલિવુડની કોઈ બિગ બજેટ ફિલ્મનું VFX દ્વારા બનાવાયેલું સીન નથી, પણ દૂરના ભૂતકાળમાં ધરતી પર આકાર લેતી હકીકત છે.
તાજેતરમાં ચીનના વિજ્ઞાનીઓએ એવો ચોંકાવનારો દાવો કર્યો છે કે તેમણે 62 ફૂટ લાંબી ભુજાઓ ધરાવતા પ્રચંડ ઓક્ટોપસના પુરાવા શોધી કાઢ્યા છે, જેણે 10 કરોડ વર્ષ પહેલાં ક્રેટેસિયસ સમયગાળા દરમિયાન સમુદ્ર પર રાજ કર્યું હતું. એ માત્ર એક વિશાળ સમુદ્રી જીવ નહોતો, પરંતુ એક બુદ્ધિશાળી, હાડકાં કચડી નાખનાર બળવાન શિકારી હતો, જે ઉડતા ડાયનાસોરનો પણ શિકાર કરતો હતો.

10 કરોડ વર્ષ પહેલાંનો દરિયાઈ દૈત્ય
10 કરોડ વર્ષ જૂના 15 મોટા અશ્મિભૂત જડબાઓનું પરીક્ષણ કરીને ચીની વિજ્ઞાનીઓએ ક્રેટેસિયસ સમયગાળા દરમિયાન સમુદ્રમાં ફરતા વિશાળ ઓક્ટોપસની બે પ્રજાતિના પુરાવા શોધી કાઢ્યા છે. (ક્રેટેસિયસ સમયગાળો આજથી લગભગ 14.5 કરોડ (145 મિલિયન) વર્ષ પહેલાં શરૂ થઈને 6.6 કરોડ (66 મિલિયન) વર્ષ પહેલાં સમાપ્ત થયો હતો.) સેફાલોપોડ વર્ગમાં આવતા આ ઓક્ટોપસ અને ડાયનાસોરનો ખોરાક લગભગ એકસમાન હોવાથી બંને વચ્ચે સ્પર્ધા થતી. ઓક્ટોપસ ડાયનાસોરનો શિકાર કરીને તેમને ખાઈ જતા. તેમનું સૌથી પ્રિય ભોજન 'મોસાસોર' નામનું વિશાળ દરિયાઈ સરિસૃપ હતું.
આધુનિક વ્હેલને ટક્કર આપે એવું કદ હતું
આ પ્રચંડ જીવની લંબાઈ 62 ફૂટ (લગભગ 19 મીટર) હતી. તેમના કદની સરખામણી આજના સ્પર્મ વ્હેલ સાથે કરી શકાય છે, જે લગભગ 66 ફૂટ જેટલી હોય છે. આ કદ તેમને પૃથ્વી પર અત્યાર સુધી જીવતા સૌથી મોટા અપૃષ્ઠવંશી (કરોડરજ્જુ વિનાના) પ્રાણીઓ બનાવે છે. તેઓ આજના વિશાળ સ્ક્વિડ કરતાં પણ લગભગ 20 ફૂટ જેટલા લાંબા હતા.
શિકાર કરવા ભયાનક રીત અજમાવતા
સંશોધકોએ આ ઓક્ટોપસના જડબામાં ઘસારાના નિશાનો શોધી કાઢ્યા છે. આ વ્યાપક ઘસારો એ વાતનો પુરાવો છે કે તેઓ સખત હાડકાં અને કવચને કચડી નાખતા હતા. સંશોધકોના મતે, તેઓ પોતાની લાંબી અને લવચીક ભુજાઓ (ટેન્ટેકલ્સ) વડે શિકારને પકડતા અને પછી પોતાના મજબૂત જડબા વડે તેને સરળતાથી ચાવી જતા.
ઉત્ક્રાંતિનો અજોડ નમૂનો
વિજ્ઞાનીઓ માટે સૌથી રસપ્રદ બાબત આ ઓક્ટોપસની બુદ્ધિ છે. સામાન્ય રીતે કરોડરજ્જુ ધરાવતા શાર્ક અને મોસાસોર જેવા પ્રાણીઓ સમુદ્રમાં ટોચના શિકારી હોય છે, પરંતુ નરમ શરીર ધરાવતા આ ઓક્ટોપસે તે નિયમ તોડ્યો. શરીર પર સખત કવચ ન હોવાને કારણે તેઓ ખૂબ ગતિથી પાણીમાં આગળ વધી શકતા. તેમની નજર પણ બહુ તેજ હતી. શિકાર પકડવાની તેમની રીત પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ અત્યંત બુદ્ધિશાળી હતા. જડબાં એક જ બાજુથી ઘસાયા હોવાથી તેઓ એક તરફથી ચાવતા હતા, એવો નિષ્કર્ષ સંશોધકોએ તારવ્યો છે.
બે મુખ્ય પ્રજાતિઓની શોધ
ચીન અને (જાપાનની) હોક્કાઇડો યુનિવર્સિટીના વિજ્ઞાનીઓની ટીમે આ અશ્મિઓની પુનઃતપાસ કરીને બે નવી પ્રજાતિઓ ઓળખી કાઢી છે.
1. નાનાઈમોટેઉથિસ હેગાર્ટી (Nanaimoteuthis haggarti): આ પ્રજાતિ 62 ફૂટની લંબાઇ સુધી પહોંચતી હતી, જે આજ સુધીનો સૌથી મોટો અપૃષ્ઠવંશી છે.
2. નાનાઈમોટેઉથિસ જેલેટ્ઝકી (Nanaimoteuthis jeletzkyi): આ પ્રજાતિ સહેજ નાની હતી. એનું કદ 26 ફૂટ જેટલું હતું. તેઓ પણ સક્રિય શિકારી હતા.


