Science & Technology

આઈફોન અને એન્ડ્રોઈડ માટે જીબોર્ડ અને સ્વિફ્ટકી કીબોર્ડ

By GS TEAM
29 Jun 20252 mins read
આઈફોન અને એન્ડ્રોઈડ માટે જીબોર્ડ અને સ્વિફ્ટકી કીબોર્ડ

ઉપર જે વાતો કરી છે કે આઇફોનમાં પહેલેથી સામેલ, એપલના જ કીબોર્ડની વિવિધ જાણી-અજાણી ખૂબીઓની વાત થઈ. તમને એટલાથી સંતોષ ન હોય કે તમે તમારા એન્ડ્રોઇડ ફોનમાં પણ લગભગ આ જ પ્રકારની સગવડો ઇચ્છતા હો તો ગૂગલના જીબોર્ડ કે માઇક્રોસોફ્ટના સ્વિફ્ટકી કીબોર્ડ તરફ નજર દોડાવી શકો (આ બંને એપ આઇફોન માટે પણ ઉપલબ્ધ છે). અલબત્ત, ખૂબીઓ થોડી વધુ-ઓછી હોઈ શકે છે.

હવે એન્ડ્રોઇડના સ્ટોક કીબોર્ડ એટલે કે મૂળ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં જ સામેલ કીબોર્ડમાં આવી સગવડો મળવા લાગી છે. એ સાથે, મોટા ભાગની સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપની તેમના તરફથી ‘કસ્ટમાઇઝ્ડ’ કીબોર્ડ આપે છે તેમાં પણ આવી ખૂબીઓ સામેલ હોય છે.

મૂળ મુદ્દો એ છે કે આપણે પોતાના સ્માર્ટફોનમાં પહેલેથી સામેલ કીબોર્ડ ઉપરાંત, મનગમતું બીજું કોઈ કીબોર્ડ પણ ઉમેરી શકીએ છીએ અને તેની વિવિધ સગવડ પર આંગળી અજમાવી શકીએ છીએ.

ગૂગલના જીબોર્ડની વાત કરીએ તો તેમાં કીબોર્ડમાં જ ગૂગલ સર્ચની સુવિધા છે, સાથોસાથ જિફ અને ઇમોજી સર્ચ કરી શકાય છે. આઇફોનના કીબોર્ડની જેમ તેમાં ગ્લાઇડ ટાઇપિંગની સુવિધા છે. તમને ફોનને વિવિધ રીતે સજાવવાનું ગમતું હોય તો જીબોર્ડમાં કસ્ટમાઇઝેબલ થીમની સુવિધા છે. એટલે કે તમે કીબોર્ડની કીઝને જાતભાતના રંગો કે સ્ટાઇલથી સજાવી શકો, અથવા, અત્યારે હજી વરસાદ વ્હાલો લાગે છે ત્યારે, કીબોર્ડમાં વરસાદનાં ટીપાંનો તમારો કોઈ મનગમતો ફોટોગ્રાફ બેકગ્રાઉન્ડ તરીકે સેટ કરી શકો છો.

બીજી બાજુ માઇક્રોસોફ્ટે ૨૦૧૬માં ખરીદેલું સ્વિફ્ટકી કીબોર્ડ તેના ઇન્ટેલિજન્ટ પ્રીડિક્શન ફીચરને કારણે આઇફોનના કીબોર્ડ કે ગૂગલના જીબોર્ડથી અલગ પડે છે. સ્વિફ્ટકી બીજી ખાસિયત એ છે કે તે સમય સાથે આપણી ચોક્કસ લેખનશૈલી સમજી શકે છે. તમે કોઈ ખાસ શબ્દોનો વધુ ઉપયોગ કરતા હો, ફ્રેન્ડ્સ માટે ખાસ નીકનેમ્સ ટાઇપ કરતા હો તો એ પણ બરાબર પારખીને, સ્વિફ્ટકી કીબોર્ડ આપણું મન કળી લેતું હોય એ રીતે આગળના શબ્દો સૂચવે છે.