આખરે 'ફેમિલી ' એપ વોટ્સએપમાં પણ જાહેરાતોનું આગમન !
- ðkuxTMkyuÃk MxuxMk{kt ònuhkíkku yLku [uLkÕMk{kt ÃkuRz MkçkrM¢ÃþLkLke þYykík ÚkE
આપણી જૂની ઘણી હિન્દી ફિલ્મોમાં એક સિચ્યુએશન વારંવાર જોવા મળતી. હીરોઇન ઘર
છોડીને હીરો સાથે ભાગી છૂટે. હીરોના પિતા હાંફળાફાંફળા થતા હોય, ત્યાં બુઆજી આવીને બળતામાં ઘી હોમતાં કહે, આખરી વહી હુઆ ના, જિસકા હમે ડર થા! અત્યારે વોટ્સએપમાં આપણે કંઈક આવું જ બોલવું પડે તેવી સ્થિતિ આવી છે.
વોટ્સએપની માલિક કંપની મેટાના સ્થાપક માર્ક ઝકરબર્ગે હમણા વોટ્સએપ પરની પોતાની
ચેનલમાં એક ટૂંકી પોસ્ટ મૂકી. તેમણે કહ્યું કે રોજેરોજ ૧.૫ અબજથી વધુ લોકો વોટ્સએપના અપડેટ્સ ટેબની મુલાકાત લે છે. અમે આ
ટેબમાં બે નવી વાતોના પ્રયોગથી શરૂઆત કરી રહ્યા છીએઃ ચેનલ્સ માટે સબસ્ક્રિપ્શન્સ
અને સ્ટેટસમાં એડ્સ. આ બંને ટૂલ લોકો અને બિઝનેસને વોટ્સએપ પર કનેક્ટ થવાના વધુ
રસ્તા આપશે, જે તમારી પર્સનલ ચેટથી અલગ
રહેશે. તમારા પર્સનલ મેસેજિસ કાયમની જેમ એનક્રિપ્ટેડ રહેશે અને ચેનલ્સમાં
સબસ્ક્રિપ્શન્સ કે સ્ટેટસમાં એડ્સને પર્સનલાઇઝડ કરવા માટે તેનો ઉપયોગ થશે નહીં.
આનો સાદો અર્થ એ થયો કે આખરે મેટા કંપનીએ વોટ્સએપમાંથી કમાણી શરૂ કરવા માટે
તેમાં જાહેરાતો મૂકવાની શરૂઆત કરી છે. હાલમાં આ જાહેરાતો ફક્ત સ્ટેટસ સેકશનમાં
જોવા મળશે. આ જાહેરાત અત્યારે ઇન્સ્ટાગ્રામની સ્ટોરીઝને મળતી આવે છે. એ સાથે ભારત
અને લગભગ આખી દુનિયામાં સખત પોપ્યુલર
થયેલી આ ફેમિલી એપના કમર્શિયલાઇઝેશનની પણ શરૂઆત થઈ છે.
દસ-અગિયાર વર્ષ પહેલાં ફેબ્રુઆરી ૨૦૧૪માં એ સમયની ફેસબુક કંપનીએ વોટ્સએપ
સર્વિસ ખરીદી લીધી હતી. આ ડીલ ઓક્ટોબર
૨૦૧૪માં ફાઇનલ થઈ. રિપોર્ટ્સ કહે છે કે ફેસબુકે વોટ્સએપ માટે એ સમયે ૧૯ અબજ ડોલર
જેટલી તોતિંગ કિમત ચૂકવી હતી. તેના બે વર્ષ પહેલાં ૨૦૧૨માં ફેસબુકે ફક્ત ૧ અબજ
ડોલર ચૂકવીને ઇન્સ્ટાગ્રામ સર્વિસ ખરીદી હતી. આ બંને ડીલ બતાવે છે કે ફેસબુકના
સ્થાપક માર્ક ઝકરબર્ગ કેટલા દૂરંદેશી છે.
એ સમયે સોશિયલ મીડિયામાં ફેસબુકનો જબરો દબદબો હતો. પરંતુ સ્માર્ટફોનના વધતા
સતત ઉપયોગ સાથે માર્ક ઝકરબર્ગે પારખી લીધું હતું કે સ્માર્ટફોનમાં વર્ચસ જાળવી
રાખવા માટે ફેસબુકથી વિશેષ કશુંક જોઇશે. એ જ કારણે તેમણે પહેલાં, એ સમયે ફોટો શેરિંગ એપ તરીકે ખાસ્સી પોપ્યુલર થઈ રહેલી ઇન્સ્ટાગ્રામ એપ ખરીદી
અને પછી ફક્ત બે વર્ષમાં તેનાથી અનેક ગણી રકમ ચૂકવીને વોટ્સએપ સર્વિસ ખરીદી.
અત્યારે બિઝનેસ માર્કેટિંગમાં ઇન્સ્ટાગ્રામે જે જબરી પહોંચ ઊભી કરી છે અને
ફેમિલી તથા પર્સનલાઇઝ્ડ બિઝનેસ કમ્યુનિકેશનમાં વોટ્સએપનું જે રાજ ઊભું થયું છે એ
બતાવે છે કે માર્ક ઝકરબર્ગનો જુગાર પૂરેપૂરો સફળ થયો છે.
ઇન્સ્ટાગ્રામ ઘણે અંશે ફેસબુક પ્રકારની સોશિયલ સર્વિસ છે. આથી તેમાંથી કમાણી
ઊભી કરવા માટે ફેસબુક કંપનીએ ખાસ કોઈ નવા રસ્તા શોધવાની જરૂર નહોતી. ઇન્સ્ટાગ્રામ
પર ઇન્ફલુઅંસર-કન્ટેન્ટ ક્રિએટર તથા બિઝનેસ કંપનીઝ બંને માટે ફેસબુકે કમાણીના અનેક
રસ્તા આપીને પોતે પણ તોતિંગ આવકનો સ્રોત ઊભો કર્યો.
પરંતુ વોટ્સએપમાં વાત જુદી હતી. વોટ્સએપ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંને કરતાં
બહુ અલગ પ્રકારની સર્વિસ છે. તેમાં બે પક્ષ કે ગ્રૂપની બધી વાતચીત એન્ડ-ટુ -એન્ડ
એન્ક્રિપ્ટેડ રહે છે. એટલે કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામની જેમ યૂઝરની પોસ્ટમાંથી
તેમની પસંદ-નાપસંદ જાણીને ટાર્ગેટેડ એડવર્ટાઇઝિંગ કરવાનું વોટ્સએપમાં શક્ય નહોતું.
આથી મેટા કંપનીએ શરૂઆતમાં વોટ્સએપમાં પર્સનલ અને ગ્રૂપ ચેટિંગ યથાવત રાખીને
બિઝનેસ એપ તથા બિઝનેસ એપીઆઇની મદદથી પેઇડ કમ્યુનિકેશન કરવાનો રસ્તો આપ્યો. તેનાથી
મેટા કંપનીને આવક શરૂ થઈ, પરંતુ વોટ્સએપમાં કરેલા
તોતિંગ રોકાણનું એટલાથી વળતર મળે તેમ નહોતું.
એટલે જ, લાંબા ગાળાના આયોજન સાથે
વોટ્સએપમાં સ્ટેટસ, ત્યાર પછી ચેનલ્સ અને
કમ્યૂનિટીઝ જેવાં ફીચર ઉમેરાયાં. સ્ટેટસમાં ઇન્સ્ટાગ્રામની સ્ટોરીઝની જેમ ફક્ત ૨૪
કલાક માટે એક્ટિવ રહે તે રીતે લોકો પોતાનું કન્ટેન્ટ શેર કરી શકે છે. જ્યારે
ચેનલ્સ કન્ટેન્ટ ક્રિએટર તથા બિઝનેસને એક સાથે અનેક લોકો સુધી પહોંચવાનો રસ્તો આપે
છે. કમ્યુનિટીઝમાં ગ્રૂપ ચેટિંગને હજુ વધુ
વિસ્તારવાની તક મળે છે.
વોટ્સએપમાં સ્ટેટસ અને ચેનલ્સ બંને અપડેટ્સ ટેબમાં રાખવામાં આવ્યાં છે. અત્યારે જે ચેનલ મેટાનું પેઇડ વેરિફિકેશન ધરાવતી
હોય માત્ર તેના સુધી જ સહેલાઈથી પહોંચી શકાય છે અને હવે ચેનલ્સ ક્રિએટર વોટ્સએપમાં
પેઇડ પ્રમોશન કરીને ચેનલનો ફેલાવો વધારી શકે છે! તેની સાથોસાથ ચેનલના સબસ્ક્રિપ્શન
માટે પણ ફી લેવાની સગવડ આપવામાં આવી છે. આ બંને વાત કન્ટેન્ટ ક્રિએટર તથા બિઝનેસ
માટે લાભદાયી થશે અને મેટા માટે આવકની મોટી સંભાવના ઊભી કરશે.
હાલ પૂરતું આપણે માટે આશ્વાસન એ વાતનું છે કે આપણું પર્સનલ ચેટિંગ યથાવત અને
ખાનગી રહેશે. પરંતુ આ આશ્વાસન કેટલો સમય ટકશે એ કહી શકાય તેમ નથી. પર્સનલ અને
ગ્રૂપ ચેટિંગમાં પણ આપણું મેસેજિંગ ખાનગી રહે, પરંતુ વચ્ચે વચ્ચે જાહેરાતો દેખાય એ દિવસો દૂર નથી.