ફેસબુક હવે ટિકટોકની સ્પર્ધામાં આવી રહ્યા છે અવનવા ફેરફારો

Updated: Jul 9th, 2022


સંખ્યાબંધ ચાઇનીઝ એપ્સની સાથોસાથ ભારતમાં ટિકટોક એપ પર પ્રતિબંધ મૂકાયો, એ પહેલાં આપણા દેશમાં આ વીડિયો શેરિંગ એપનો રીતસર જુવાળ ઊઠ્યો હતો. એ સમયે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ જેવી એપને ટિકટોક તરફથી જબરજસ્ત ફરીફાઇ મળવા લાગી હતી. ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ મૂકાતાં ફેસબુક તથા યુટ્યૂબ જેવી સર્વિસને ઘણી રાહત થઈ હશે, પરંતુ આખી દુનિયામાં ટિકટોકનો વ્યાપ એક ધારી ગતિએ સતત વધી રહ્યો છે.

એટલી હદે કે હવે ફેસબુક અને તેની એપ્સમાં જુદી જુદી બાબતે ટિકટોકનાં વિવિધ ફીચર્સની કોપી થઈ રહી છે. થોડા સમયમાં ફેસબુકમાં નીચે મુજબના કેટલાક નવા ફેરફારો આપણને જોવા મળે તો નવાઈ નહીં.

ફેસબુકની ન્યૂઝફીડ ટિકટોક જેવી બનાવાશે

જે રીતે આખી દુનિયામાં ટિકટોકની પોપ્યુલારિટી વધી રહી છે તે જોતાં ફેસબુકને હવે ટિકટોક તરફથી સૌથી વધુ જોખમ દેખાઈ રહ્યું છે. એ કારણે ફેસબુક પર અત્યારે આપણને જે ન્યૂઝફીડ જોવા મળે છે તેમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે.

અત્યારે આપણે ફેસબુક પર લોગઇન થઇએ ત્યારે બ્રાઉઝરમાં કે એપમાં પોતાની ન્યૂઝફીડમાં આપણે જે લોકોને ફોલો કરી રહ્યા હોઇએ તેમની નવી પોસ્ટ કે આપણે જે પોસ્ટ પર કંઇક ઇન્ટરએકશન કર્યું હોય તેમાં આવેલી નવી બાબતો બતાવવામાં આવે છે. ન્યૂઝફીડમાં આપણને શું બતાવવું એનો નિર્ણય ફેસબુક જુદી જુદી ઘણી બધી ગણતરીઓને આધારે કરે છે, પરંતુ તેમાં મુખ્ય ભાર આપણે જેમના સંપર્કમાં હોઇએ તેમની પોસ્ટ બતાવવા પર છે.

હવે ફેસબુક આમાં મોટો ફેરફાર કરે તેવી શક્યતા છે. હવે ટિકટોકની જેમ આપણને જે પ્રકારનું કન્ટેન્ટ જોવામાં રસ પડી શકે એ બતાવવા પર ફોકસ રહેશે. પછી એ પોસ્ટ અપલોડ કરનાર વ્યક્તિ સાથે આપણે સીધા સંપર્કમાં હોઇએ કે ન હોઇએ!

ઇન્સ્ટાગ્રામમાં વીડિયોના સ્થાને રીલ્સ

ઇન્સ્ટાગ્રામ પર થોડા સમયમાં તેના પર અપલોડ થતા બધા વીડિયોને રીલ્સમાં ફેરવી નાખવામાં આવે તેવી શક્યતા છે. જો આમ થશે તો તમે ઇન્સ્ટાગ્રામ પર વિવિધ વીડિયો સીધેસીધા અપલોડ કરી શકશો નહીં. તમારે પહેલાં તેને રીલમાં ફેરવવા પડશે અને પછી, રીલ તરીકે જ અપલોડ કરી શકાશે. આમ જુઓ તો ઇન્સ્ટાગ્રામ પર વીડિયો અને રીલ્સમાં બહુ મોટો ફેર નથી. પરંતુ કંપની રીલ્સના ક્રિએટરને વીડિયોની સરખામણીમાં વધુ ટૂલ્સ આપે છે. ઇન્સ્ટાગ્રામમાં રીલ અપલોડ કરતી વખતે આપણને તેમાં ઉમેરવા માટે મ્યુઝિક લાયબ્રેરીની એક્સેસ મળે છે તેમજ વીડિયો કરતાં વધુ ફીલ્ટર્સ પણ એડ કરી શકાય છે. સામાન્ય વીડિયોમાં આપણે અન્ય ક્રિએટર્સના વીડિયો ઉમેરી શકતા નથી જ્યારે રીલ્સમાં એવું કરી શકાય છે. ટિકટોકમાં ‘ડ્યુએટ’ નામે એક ફીચર છે તે જ રીતે રીલ્સમાં રીમિક્સ ક્રિએટ કરી શકાય છે. જેની મદદથી કોઈ યૂઝર પોતાના રીલમાં બીજા યૂઝરના રીલ્સને ઉમેરી શકે છે.

હાલમાં ઇન્સ્ટાગ્રામ પર કેટલાક યૂઝર્સ સાથે આ ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ યૂઝર્સ જ્યારે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરવાનો પ્રયાસ કરે ત્યારે તેમને જણાવવામાં આવે છે કે વીડિયો પોસ્ટ હવે રીલ્સ તરીકે શેર કરવામાં આવશે.

ફેસબુકમાં ફરી સામેલ થશે મેસેન્જર

જો તમે ફેસબુક પર વર્ષોથી એક્ટિવ હશો તો તમે જાણતા હશો કે તેમાં મેસેજિંગ સર્વિસ મૂળ ફેસબુકનો જ એક ભાગ હતી. એ સમયે ફેસબુકનો સૌથી વધુ ઉપયોગ પીસી, લેપટોપ બ્રાઉઝરમાં જ થતો હતો. એ પછી આખી દુનિયા પર સ્માર્ટફોનનું સામ્રાજ્ય શરૂ થયું. આ નવી સ્પર્ધાનો સામનો કરવા માટે ફેસબુકે એની મુખ્ય સર્વિસમાંથી મેસેજિંગ સર્વિસને અલગ કરી અને મેસેન્જર તરીકે અલગ એપ આપી. આ ફેરફાર એ સમયે ઘણા લોકોને ગમ્યો નહોતો પરંતુ ધીમે ધીમે સૌને તેની આદત પડી ગઈ.

હવે ફેસબુક માટે તકલીફ એ છે કે ટિકટોકમાં ‘વન-ટુ-મેની પોસ્ટિંગ’ અને ‘વન-ટુ-વન મેસેજિંગ’ પણ થઈ શકે છે - બધું એક જ એપમાં! આથી હવે ફેસબુક તેનો જૂનો નિર્ણય ફેરવીને ફરીથી પોતાની મુખ્ય સર્વિસમાં મેસેન્જર એપને ભેળવી દે તેવી શક્યતા છે!

ફેસબુકમાં વીડિયો પર વધુ ફોકસ

અત્યાર સુધી ફેસબુક અને ટિકટોક અલગ અલગ પ્રકારનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રહ્યાં છે. ફેસબુક પર વીડિયો, ઇમેજ વગેરે બધું શેર થઈ શકે છે પરંતુ ટેક્સ્ટ આધારિત પોસ્ટની આપલેનો હજી ફેસબુક પર દબદબો છે. જ્યારે ટિકટોક લગભગ પૂરેપૂરી રીતે વીડિયો પ્લેટફોર્મ છે. ટિકટોકની લોકપ્રિયતાને પગલે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ વગેરે બધી સર્વિસ પર શોર્ટ વીડિયો ઓફર કરવામાં આવી રહ્યા છે અને હવે એવું લાગી રહ્યું છે કે ફેસબુક ટિકટોક સાથેની સીધી હરીફાઇમાં આગળ રહેવા માટે પોતાના પ્લેટફોર્મ પર સ્ટોરીઝ અને રીલ્સ પર વધુ ફોકસ કરશે. ટૂંકમાં ફેસબુક પણ વધુ પ્રમાણમાં વીડિયો હેવી સોશિયલ સર્વિસ બનશે!

    Sports

    RECENT NEWS