બ્રહ્માંડમાં બે મહાકાય બ્લેકહોલ એકબીજામાં ભળી જતાં બિગ બેંગના 13.7 અબજ વર્ષ બાદ મહાવિસ્ફોટ
Science News : અનંત,અફાટ, રહસ્યમય અંતરિક્ષમાં અતિશક્તિશાળી વિસ્ફોટ સર્જાયો છે. આ અતિ શક્તિશાળી વિસ્ફોટ છે બે મહાકાય બ્લેકહોલ્સનો એકબીજાંમાં ભળી જવાની પ્રક્રિયાનો. નિષ્ણાત ખગોળશાસ્ત્રીઓના કહેવા મુજબ આ અતિ શક્તિશાળી વિસ્ફોટ બીગ બેન્ગ (આજથી 13.7 અબજ વર્ષ પહેલાં થયેલા બ્રહ્માંડના સર્જનનો મહાવિસ્ફોટ) બાદનો સૌથી મોટો વિસ્ફોટ છે. અજીબોગરીબ ઘટના છે.
બે મહાકાય બ્લેકહોલ્સની એકબીજામાં ભળી જવાની ભયાનક પ્રકિયાથી જે અતિ અતિ મોટું બ્લેકહોલ સર્જાયું તેનું દળ આપણા સૂર્યના કુલ દળની સરખામણીએ 225 ગણું વધુ છે.
બે બ્લેકહોલ્સ એકબીજાંમાં ભળી જવાની આ ભારે રહસ્યમય ઘટના આપણી મિલ્કી વે ગેલેક્સી(આપણી આકાશગંગાનું નામદૂધગંગા છે)ના થોડાક બહારના વિસ્તારમાં બની છે.
અંતરિક્ષની આ કલ્પનાતીત ઘટનાના સિગ્નલ્સ 2023ની 23, નવેમ્બરે લીંગો -વિર્ગો -કાગ્રા (એલવીકે) નામની સંયુક્ત વિજ્ઞાાન સંસ્થાને મળ્યા છે. એલવીકે મૂળ તો અમેરિકા, ઇટાલી,જાપાન એમ ત્રણ દેશનું ગુરુત્વાકર્ષણનાં મોજાં વિશે સંશોધન કરતું અને તેના સિગ્નલ્સ પકડતા ચાર ડિટેક્ટર્સનું સહિયારું ગૂ્રપ છે.
એલવીકે ગૂ્રપને જે સિગ્નલ્સ મળ્યા છે તેની સંજ્ઞાા : જીડબલ્યુ 231123 : છે.
આ સિગ્નલ્સ લેસર ઇન્ટરોફેરોમીટર ગ્રેવિટેશનલ - વેવ ઓબ્ઝર્વેટરી(લીગો- અમેરિકા)ના લુઇસિયાના અને વોશિંગ્ટનનાં અત્યાધુનિક ડિટેક્ટર્સમાં પસાર થતાં ઝડપાયાં છે. આ બંને ડિટેક્ટર્સ ચાર ચાર કિલોમીટરના વિશાળ પરિસરમાં ફેલાયાં છે.
એલવીકે ગૂ્રપના સભ્ય અને કાર્ડિફફ યુનિવર્સિટી(વેલ્સ : બ્રિટન)ના ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર માર્ક હેન્નમ અને તેની ટીમે એવી માહિતી આપી છે કે અગાઉ પણ એક બ્લેકહોલની આવી જ ઘટના બની હતી. જેનું દળ આપણા સૂર્યના દળ કરતાં 142 ગણું વધુ હતું. જોકે જીડબલ્યુ 231123 ની સંજ્ઞાાવાળા બ્લેકહોલ્સનું કુલ દળ તો સૂર્યના દળ કરતાં 225 ગણું વધુ છે. એટલે અત્યારસુધીનો રેકોર્ડ છે. ખગોળશાસ્ત્રીઓએ અત્યારસુધીમાં એકબીજામાં ભળી ગયાં હોય તેવાં કુલ 300 બ્લેકહોલ્સ વિશે સંશોધન કર્યું છે.
એલવીકે ગૂ્રપનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે બીગ બેન્ગ બાદનો આ સૌથી મહાભયાનક વિસ્ફોટ છે. સરળ રીતે સમજીએ તો બ્રહ્માંડનું સર્જન આજથી 13.7 અબજ વર્ષ પહેલાં થયું છે. ત્યારબાદ આ બંને મહાકાય બ્લેકહોલ્સની એકબીજાંમાં ભળી જવાની પ્રક્રિયા દ્વારા થયેલો મહાવિસ્ફોટ 13.7 અબજ વર્ષ બાદ થયો છે એમ કહી શકાય.
ટાટા ઇન્સ્ટિટયયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ (ટી.આઇ.એફ.આર. - મુંબઇ)ના સિનિયર ખગોળશાસ્ત્રી (નિવૃત્ત) અને અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનસ્ટ્રેશન (નાસા) અને ઇસરોના સહિયારા અનુરાધા પ્રોજેક્ટ (૧૯૮૫) ના વિજ્ઞાાની પ્રો.મયંક વાહિયાએ ગુજરાત સમાચારને કહ્યું હતું કે બ્લેકહોલનું ગુરુત્વાકર્ષણ બળ અતિ અતિ બળવાન હોય છે. પ્રકાશનું કિરણ પણ તેમાંથી છટકી શકતું નથી. આ જ પરિબળની જબરદસ્ત અસરથી સ્પેસ ટાઇમનું સ્વરૂપ પણ ખરાબ થઇ જાય. બ્લેકહોલ જેટલું વિશાળ અને શક્તિશાળી એટલો તેનો અંતરિક્ષ વિસ્તાર પણ મોટો. સાથોસાથ સ્પેસ ટાઇમ પણ વધુ પ્રમાણમાં અસ્તવ્યસ્ત થઇ જાય.
બ્લેકહોલ એટલે શું ? તેનું સ્વરૂપ કેવું હોય ?
આપણા સૂર્યના દળ કરતાં 10 ગણું વધુ દળ ધરાવતા તારા(સ્ટાર)નું મૃત્યુ થાય ત્યારે તેનું તબક્કાવાર સંકોચન થાય.
તારામાંનો હાઇડ્રોજન અને હિલિયમનો વિપુલ જથ્થો અને આયર્ન વગેરે તત્ત્વો સંપૂર્ણપણે ખતમ થઇ જાય. પરિણામે તે તારો અતિશય ઠંડોગાર થઇ જાય. તે તારામાંનું ગુરુત્વીય સંકોચન થાય અને તેનું સ્વરૂપ ટાંચણીની ટોચ જેવડું થઇ જાય.જે વિરાટકાય તારો અફાટ અંતરિક્ષમાં લાખો-કરોડો વરસ સુધી ઝળહળતો રહ્યો હોય તેનું અંતિમ મૃત્યુ અને ત્યારબાદનું સ્વરૂપ અજીબોગરીબ હોય છે. આ સમગ્ર પ્રક્રિયા ખરેખર કલ્પનાતીત કહી શકાય. તારાનું મૃત્યુ થાય એટલે તે બ્લેકહોલ બની જાય.
બ્લેકહોલ એટલે અફાટ અંતરિક્ષમાંનો મહાભયંકર અને અંધારિયો કૂવો. આ અંધારિયા કૂવાનું ગુરુત્વાકર્ષણ બળ એટલું શક્તિશાળી હોય કે તેમાંથી પ્રકાશનું કિરણ પણ બહાર ન નીકળી શકે.