Get The App

માઈક્રોસોફ્ટ, ગૂગલ સામે લોન્ચ થાય છે યૂરો-ઓફિસ

Updated: Jun 7th, 2026

GS TEAM

Google News
Google News
માઈક્રોસોફ્ટ, ગૂગલ સામે લોન્ચ થાય છે યૂરો-ઓફિસ 1 - image

ઓફિસ પ્રોગ્રામ્સની વાત આવે ત્યારે આપણા મનમાં પહેલું નામ માઇક્રોસોફ્ટનું આવે. તેના વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ પ્રોગ્રામ્સે દુનિયાભરની ઓફિસિસની કમ્પ્યૂટર્સમાં રાજ કર્યું છે. ઇન્ટરનેટ આજના સમય જેટલું પ્રચલિત નહોતું થયું તે સમયે જે તે કમ્પ્યૂટરમાં ઇન્સ્ટોલ થયેલા પ્રોગ્રામમાં કામ કરવાનું ચલણ હતું. પછી ધીમે ધીમે ક્લાઉડ કમ્પ્યૂટિંગનો સમય આવ્યો. માઇક્રોસોફ્ટ ‘વનડ્રાઇવ’ નામે ક્લાઉડ સ્ટોરેજની સગવડ આપી. સાથોસાથ વર્ડ, એક્સેલ અને પાવરપોઇન્ટના ક્લાઉડ વર્ઝન પણ આપ્યાં. આપણે વેબ બ્રાઉઝરમાં માઇક્રોસોફ્ટ એકાઉન્ટની મદદથી આ પ્રોગ્રામ્સનો મફત ઉપયોગ કરી શકીએ છીએ.

માઇક્રોસોફ્ટ સામે ગૂગલે પણ ક્લાઉડ સ્ટોરેજ માટે ગૂગલ ડ્રાઇવની સગવડ આપી અને સાથોસાથ વર્ડ સામે ડોક્સ, એક્સેલ સામે શીટ્સ અને પાવરપોઇન્ટ સામે સ્લાઇડ્સ નામે ઓફિસ પ્રોગ્રામ્સ આપ્યા. આ પ્રોગ્રામ્સનો પણ આપણે ક્લાઉડમાં મફત ઉપયોગ કરી શકીએ છીએ.

આમ અત્યારે દુનિયાભરની વિવિધ ઓફિસનું કામકાજ મોટા ભાગે માઇક્રોસોફ્ટ અને ગૂગલના ઓફિસ પ્રોગ્રામ્સમાં વહેંચાયેલું છે. તેની સામે એપલની અલગ ઇકોસિસ્ટમ પણ ખરી. એ સિવાય પણ ઘણા નાના મોટા ઓફિસ પ્રોગ્રામ્સ સ્યૂટ્સ ઉપલબ્ધ છે, પરંતુ તે માઇક્રોસોફ્ટ કે ગૂગલના લેવલે પહોંચી શક્યા નથી.

હવે આ મહિનાથી, ૯ જૂનથી ‘યુરો-ઓફિસ’ નામે એક નવો ઓફિસ પ્રોગામ્સ સ્યૂટ લોન્ચ થઈ રહ્યો છે. યુરોપના દેશોમાં લોકો અને બિઝનેસિસ પોતાના ડેટાની સિક્યોરિટીને બહુ મહત્ત્વ આપે છે. પરિણામે માઇક્રોસોફ્ટ, ગૂગલ કે એપલ જેવી અમેરિકન કંપનીની સોફ્ટવેર સર્વિસિસનો ઉપયોગ કરતાં તેઓ સતત ખચકાય છે. તેના વિકલ્પરૂપે એક ઓપનસોર્સ પ્રોજેક્ટ તરીકે યુરો ઓફિસ પ્રોગ્રામ્સ ડેવલપ કરવામાં આવ્યા છે.

માઇક્રોસોફ્ટ અને ગૂગલની જેમ જ યુરો-ઓફિસમાં ડોક્યુમેન્ટ્સ, સ્પ્રેડશીટ્સ અને પ્રેઝન્ટેશન તૈયાર કરવાના સોફ્ટવેર મળશે. આ ત્રણેય પ્રકારના પ્રોગ્રામ લગભગ માઇક્રોસોફ્ટ અને ગૂગલના ઓફિસ પ્રોગ્રામ જેવા જ હશે. યુરોપની ક્લાઉડ અને કોલાબોરેશન પર કામ કરતી નામાંકિત કંપનીઓએ સાથે મળીને આ પ્રોગ્રામ ડેવલપ કર્યો છે.

શરૂઆતમાં યુરો ઓફિસ સમગ્ર વિશ્વના ડેવલપર્સમાં ફેવરિટ ‘ગીટહબ’ પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરી શકાશે. તમને કે તમારી ઓફિસની આઇટી ટીમને આ પ્રોગ્રામ્સને સેલ્ફ-હોસ્ટ કરતાં આવડે તો એ તમારે માટે તદ્દન ફ્રી રહેશે. બાકી તેના ‘ઉપયોગમાં સહેલા’ વર્ઝન માટે થોડા રૂપિયા ચૂકવવા પડે એવું બની શકે છે. તેનું ફોકસ મુખ્યત્વે યુરોપના દેશો છે, પણ સમગ્ર વિશ્વમાં તેનો ઉપયોગ કરી શકાય છે. માઇક્રોસોફ્ટ અને ગૂગલ ઓફિસ પ્રોગ્રામ્સના વિકલ્પ તરીકે યુરો-ઓફિસ કેટલું ગજું કાઢશે એ જોવાનું રહ્યું.