આંગળીના ઇશારે ઇંગ્લિશના વિવિધ શબ્દો જાણો
ઇંગ્લિશ શીખવતી એપ્સ તો ઘણી મળશે, અહીં જાણો, ખાસ પ્રયાસ વિના શબ્દભંડોળ વધારવાની વિવિધ રીતો
પ્રેમની કોઈ ભાષા હોતી નથી, કબૂલ, મંજૂર, પણ પ્રગતિની તો છે - ઇંગ્લિશ! ભારત સરકારે પણ નવી શિક્ષણ નીતિમાં માતૃભાષામાં શિક્ષણ પર ભાર મૂક્યો છે એ વાત સાવ સાચી, પરંતુ ગુજરાતી તરીકે આપણને ન ગમે, છતાં સ્વીકારવી પડે એવી બે વાત છે - એક, આપણું ઇંગ્લિશ કાચું હોય છે, અને બીજી વાત, નવા સમય સાથે તાલ મિલાવવા માટે જેટલું કન્ટેન્ટ, રિસોર્સિઝ ઇંગ્લિશમાં ઉપલબ્ધ છે, એટલા ગુજરાતીમાં નથી.
એટલે જ, મા ગુજરાતી માટે પૂરો પ્રેમ અને આદર જાળવીને રાખીને પણ, આપણે ઇંગ્લિશ આંટી સાથે મનમેળાપ કરવો જ પડે. સદનસીબે, એમાં પણ આપણો જેની સાથે કાયમી હસ્તમેળાપ થઈ ગયો છે એ સ્માર્ટફોન કામ લાગી શકે છે. અંગ્રેજી ભાષાની સમજ છેક પાયાથી કેળવવી હોય તો એ માટે ઘણી એપ્સ અને વેબસાઇટ્સ મળી આવે, આ લેખ પૂરતું ફોકસ જરા જુદું છે. તમે ઇંગ્લિશની ઠીક ઠીક સમજ ધરાવતા હો અને એથી આગળ વધીને પ્રભુત્વ (પ્રોફિસિયન્સી!) કેળવવા માગતા હો તો કામ લાગે એવી બાબતો તરફ આંગળી ચીંધી છે. અહીં જણાવેલી રીતો મુખ્યત્વે ઇંગ્લિશ વોકેબ્યુલરી વિક્સાવવા વિશેની છે. આપણું અંગ્રેજી શબ્દભંડોળ બહોળું હોય તો કોઈનું બોલેલું કે લખેલું ઇંગ્લિશ સમજવું અને પોતે ઇંગ્લિશ બોલવું પણ સહેલું થઈ જાય છે.
આમાં મજા એ છે કે અહીં આપેલી રીતે ઇંગ્લિશની સમજ કેળવવા માટે આપણે ટાઇમટેબલ બનાવવાની કે નિયમિત રીતે કોઈ એપ કે વેબસાઇટ પર જવાની જરૂર નથી. આપણા રોજબરોજના કામકાજ સાથે જ, તેમાંથી જરા જેટલો વધારાનો સમય કાઢીને, ઇંગ્લિશની બારીક ખૂબીઓની સમજ કેળવવામાં આ બધું ઉપયોગી થશે. એ માટે તમારે જે કામ કરવા માટે સ્માર્ટફોન હાથમાં લીધો હોય એ કામ કરતાં કરતાં જ જરા વધારાનું સર્ચ કે સર્ફ કરવાનું છે.
અહીં જણાવેલ મોટા ભાગના રસ્તા ગૂગલના સર્ચ એન્જિન અને તેના બ્રાઉઝરને લગતા છે. આ સિવાય પણ ઇન્ટરનેટ પર ઇંગ્લિશ શીખવાને સંબંધિત અસંખ્ય સ્રોત છે, પણ તેના સુધી પહોંચવા અને એ બધું પચાવવા માટે પહેલાં, આ પગથિયાં ચઢવાં જરૂરી છે.
‘‘ઇંગ્લિશમાં શબ્દોના કોઈ ઠેકાણા નથી - પીયુટી એટલે પુટ, પણ બીયુટી એટલે બટ, એ વળી કેવું?!’’ એવી દલીલબાજીમાં પડવાને બદલે ઇંગ્લિશની ઊંડી સમજ કેળવ્યા વિના આજે કોઈને, ખાસ કરીને વિદ્યાર્થીને સહેજ પણ ચાલે તેમ નથી. ખાતરી કરવી હોય તો ઇંગ્લિશ મીડિયમમાં ભણતાં બાળકોનાં, ગુજરાતીમાં ભણેલાં મોમ-ડેડને પૂછી જુઓ!
તો હવે જ્યારે તમે વિવિધ જરૂરિયાતો માટે ગૂગલને શરણે જાઓ ત્યારે ક્યારેક થોડો સમય ચોરીને, ગૂગલ પાસેથી ઇંગ્લિશ પણ શીખી જુઓ!
સર્ચ કરતાં કરતાં શબ્દોની રમત માંડો
ગૂગલા સર્ચ એન્જિનમાં ‘વર્ડ કોચ’ નામની એક ગેમ પણ છે, એ તમને ખબર છે? ક્યારેક કોઈ શબ્દ સર્ચ કરતી વખતે અણધારી આ ગેમ તમારી નજરે ચઢી હોય એવું બની શકે. આ ગેમની મદદથી આપણે વિવિધ શબ્દોની બારીક ખૂબી જાણી શકીએ છીએ.
જ્યારે તમે ગૂગલમાં કોઈ શબ્દ સંબંધિત સર્ચ કરી રહ્યા હો ત્યારે સર્ચ રિઝલ્ટ પેજ પર શરૂઆતમાં એક બોક્સમાં ‘વર્ડ કોચ’ શીર્ષક સાથે એક બોક્સ જોવા મળે છે (પીસી અને સ્માર્ટફોન બંનેમાં). અહીં એક પછી જોવા મળતાં પાંચ કાર્ડમાં આપણને વિવિધ શબ્દ સંબંધિત રસપ્રદ સવાલો પૂછવામાં આવે છે. જેમ કે ‘રેજ’ અથવા ‘મિરાજ’ શબ્દમાંથી ક્યો શબ્દ ‘ઇલ્યુઝન’ શબ્દને વધુ મળતો આવે છે? ક્યારેક બે ઇમેજ બતાવીને, કઈ ઇમેજ અમુક ચોક્કસ શબ્દને સંબંધિત છે એવું પણ પૂછવામાં આવે.
આવા અલગ અલગ પાંચ સવાલોના જવાબ આપ્યા પછી આપણો સ્કોર જાણવા મળે. તેની સાથોસાથ, દરેક સવાલના જવાબની વિસ્તૃત સમજ પણ મળે, જે આ ગેમનો સૌથી રસપ્રદ અને ઉપયોગી ભાગ છે. દરેક સવાલના સાચા જવાબની સમજ મેળવીને આપણે બીજા સવાલોના રાઉન્ડ માટે આગળ વધી શકીએ છીએ.
જો અમૂક રાઉન્ડ આપણે કોઈ ભૂલ વિના પાર કરી જઈએ તો નેકસ્ટ લેવલમાં જવાની પણ તક મળે છે અને આપણને પૂછવામાં આવતા સવાલો વધુ મુશ્કેલ બનતા જાય છે.
દેખીતું છે કે આ બધું સમજવા જેટલી ઇંગ્લિશ ભાષા પર આપણી પકડ હોવી જરૂરી છે, કારણ કે આ બધું પણ આખરે તો ઇંગ્લિશમાં જ છે, પણ ગૂગલની આ વર્ડ કોચ ગેમનો અવારનવાર ઉપયોગ કરીએ તો આપણે ઇંગ્લિશ પરનું આપણું પ્રભુત્વ ચોક્કસ વધી શકે.
તમે સર્ચ બોક્સમાં સીધું જ ‘ગૂગલ વર્ડ કોચ’ કે ‘વર્ડ કોચ’ લખીને પણ આ ગેમ સુધી પહોંચી શકો છો.
તેમ, પીસી અને મોબાઇલ બંનેમાં આ ગેમનો લાભ લઈ શકો છો. મોબાઇલમાં વર્ડ કોચના બોક્સમાં નીચે ડાબી તરફ તેનો શોર્ટકટ ફોનના હોમસ્ક્રીન પર ઉમેરવાની સગવડ મળે છે તેનો લાભ લેશો તો આ ગેમ મગજના કોઈ ખૂણામાં અલોપ થવાને બદલે, આપણી નજર સામે રહેશે, એ વધારાનો ફાયદો!
‘વર્ડ કોચ’ ગેમ ગૂગલ સર્ચમાં જ સામેલ છે, તેનાથી શબ્દોની બારીક સમજ કેળવાઈ શકે
‘વર્ડ કોચ’માં જેમ આગળ વધશો તેમ શબ્દો મુશ્કેલ થતા જશે, પણ સમજ પણ ઊંડી થતી જશે
‘વર્ડ કોચ’માં તમારો જવાબ સાચો હોય તો પણ તેના વિશેની વધુ સ્પષ્ટતા અચૂક વાંચવા જેવી છે
ફોનમાં ડિક્શનરી ઉમેરો
સ્માર્ટફોનમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં, પીસીની જેમ એક્સ્ટેન્શન ઉમેરવાની સગવડ નથી, પરંતુ એના ઉપાય તરીકે તમારા ફોનમાં ડિક્શનરી.કોમ જેવી કોઈ ડિક્શનરી એપ ઇન્સ્ટોલ કરી લો. એ પછી સ્માર્ટફોનમાં કોઈ લેખ વાંચતી વખતે કોઈ શબ્દનો અર્થ જાણવો હોય તો એ શબ્દને ક્લિક કરતાં, તેને કોપી કે શેર કરવા ઉપરાંત તેને ડિફાઇન કરવાનો વિકલ્પ પણ મળશે! તેને ક્લિક કરતાં, ફોનમાંની ડિક્શનરી એપમાં એ શબ્દનો અર્થ સમજાવતું પેજ ઓપન થશે.
જો તમારે ફક્ત શબ્દના અર્થ સમજીને અટકવું ન હોય, પણ તેનો આપણી ભાષામાં અર્થ બરાબર સમજવો હોય તો ફોનમાં ગૂગલ ટ્રાન્સલેટ એપ પણ ઉમેરી દો. એ પછી, શબ્દને સિલેક્ટ કરતાં, તેને કોપી, શેર અને ડિફાઇન કરવા ઉપરાંત ટ્રાન્સલેટ કરવાનો વિકલ્પ પણ મળશે!
સ્માર્ટફોનમાં ડિક્શનરી એપ ઉમેરશો તો એ અલગ, આખી ડિક્શનરી તરીકે તો કામ
લાગશે જ, ઉપરાંત...
ગમે ત્યાં કોઈ પણ શબ્દ સિલેક્ટ કરી તેના અર્થ સહેલાઈથી જાણી શકાશે
ફોનમાં ગૂગલની ટ્રાન્સલેટ એપ પણ ઉમેરશો તો શબ્દ સિલેક્ટ કરી આપણી ભાષામાં અનુવાદ પણ થઈ શકશે.
સર્ચ એન્જિનમાંની ડિક્શનરીમાં ઊંડા ઊતરો
ઇંગ્લિશ પર પૂરી પકડ ત્યારે જમાવી શકાય ત્યારે આપણે તેના વધુ ને વધુ શબ્દોના અર્થ બરાબર જાણી શકીએ. આ કામમાં, દેખીતી રીતે, ડિક્શનરી બહુ ઉપયોગી થાય. પ્રિન્ટેડ ડિક્શનરીનો ઉપયોગ વધુ સારો કેમ કે તેમાં એક શબ્દનો અર્થ શોધવા જતાં, બીજા શબ્દો પર પણ ધરાર નજર જાય.
પ્રિન્ટેડ ડિક્શનરીને બદલે ગૂગલમાં જ સામેલ ડિક્શનરીનો ઉપયોગ કરી શકાય. તમે કોઈ પણ શબ્દનો અર્થ જાણવા માટે ગૂગલિંગ કરો તો એ શબ્દને સંબંધિત વિવિધ સાઇટ્સ સૂચવવા ઉપરાંત ગૂગલ પોતે આપણને એક બોક્સમાં એ શબ્દના ડિક્શનરી મુજબના વિવિધ અર્થ સમજાવે છે.
જ્યારે આપણે ગૂગલમાં કોઈ પણ શબ્દ માટે ‘વર્ડ મીનિંગ’ કે ‘ડિફાઇન વર્ડ’ લખીને કે પછી સીધો માત્ર શબ્દ લખીને સર્ચ કરીએ ત્યારે ગૂગલ આપણને વેબ પરથી અને તેની પોતાની ડિક્શનરીમાંથી એ શબ્દ સંબંધિત વિવિધ માહિતી આપે છે. તમે માત્ર ‘ડિક્શનરી’ શબ્દ સર્ચ કરીને પણ આ સર્વિસ ઓપન કરી શકો છો.
આ સર્વિસનો જાત અનુભવ કરવો હોય તો ગૂગલ સર્ચ બોક્સમાં Trial શબ્દ લખી જુઓ. રિઝલ્ટ પેજમાં સૌથી ઉપર જોવા મળતા બોક્સમાં ટ્રાયલ શબ્દનો ડિક્શનરી મુજબનો ઉચ્ચાર અને ઉચ્ચારની ઓડિયો ક્લિપ તેમ જ નાઉન, વર્બ, ફ્રેઝ વગેરે તરીકે ટ્રાયલ શબ્દની વ્યાખ્યા અને વિવિધ વાક્યમાં તેનો પ્રયોગ, એ શબ્દનું મૂળ, તેમ જ ઇન્ટરનેટ પર આપણે સર્ચ કરેલો શબ્દ વિશ્ર્વમાં કેટલોક ચલણી છે તે બતાવતો ચાર્ટ જોવા મળે છે.
ભાષાપ્રેમીઓને મજો મજો થઇ જાય એવી આ સર્વિસ છે અને હવે ગૂગલે આ ડિક્શનરી બોક્સની અંદર અલગથી સર્ચ બોક્સ પણ આપ્યું છે. ગૂગલ ડિક્શનરીમાં, જુદા જુદા શબ્દોનો ઉપયોગ સમય સાથે કેટલો વધ્યો કે ઘટ્યો છે તે બતાવતો ચાર્ટ પણ જોઈ શકાય છે.
ગૂગલે પોતાની ડિક્શનરી વિક્સાવી છે અને તેમાં અલાયદું સર્ચ પણ આપ્યું છે
ઇંગ્લિશના જે તે શબ્દનો ઉપયોગ સમય સાથે વધે છે કે ઘટે છે, તે ચાર્ટ સ્વરૂપે જોઈ શકાય છે
બ્રાઉઝરમાં ખાસ એક્સ્ટેન્શન ઉમેરો
પીસીમાં, ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં, ક્રોમ વેબ સ્ટોર (chrome.google.com/webstore) માં જઈને ક્રોમમાં આપણે જુદાં જુદાં એક્સ્ટેન્શન્સ ઉમેરી શકીએ છીએ, એ વિશે આપણી અગાઉ વાત કરી છે.
આવાં એક્સ્ટેન્શન્સથી, ક્રોમમાં મૂળભૂત રીતે જે સુવિધા ન હોય તે આપણે ઉમેરી શકીએ છીએ. એક રીતે જોઈએ, તો સ્માર્ટફોનમાં મનગમતી એપ્સ ઉમેરવા જેવી જ આ વાત છે.
વેબ સ્ટોરમાં તમને રસ પડે એવાં અનેક એક્સ્ટેન્શન્સ મળી શકે છે, પણ આજના સમયમાં સૌ કોઈ માટે ‘ઇન્ડિસ્પેન્સીબલ’ એક્સ્ટેન્શન કોઈ હોય તો તે છે Google Dictionary (by Google)!
‘‘ઇન્ડિસ્પેન્સીબલ’’ શબ્દ આગળ અટક્યા? એનો અર્થ એકદમ સ્પષ્ટ નથી?
તમે આ લેખ કાગળ પર વાંચી રહ્યા હો તો ડિક્શનરીનું થોથું હાથમાં લઈને અર્થ શોધ્યા વિના છૂટકો નહીં, પણ જો ક્રોમમાં કોઈ વેબસાઇટમાં આ જ શબ્દ ઇંગ્લિશમાં વાંચ્યો હોય અને તમારા ક્રોમમાં ગૂગલ ડિક્શનરીનું એક્સ્ટેન્શન હોય તો તમે માઉસથી એ શબ્દ પર ડબલ ક્લિક કરીને પલકવારમાં એનો અર્થ જાણી-સમજી શકો!
કોઈ પણ શબ્દ પર ડબલ ક્લિક કરતાં એક નાનું બોક્સ પોપ-અપ થાય અને તેમાં એ શબ્દનો ઉચ્ચાર તથા તેનો અર્થ જણાવવામાં આવે. આ પોપ-અપ બોક્સમાં છેડે આપેલી મોર લિંક પર ક્લિક કરીએ એટલે ગૂગલમાં એ જ શબ્દ આગળ ડિફાઇન (define indispensable) લખીને સર્ચ કરવાથી જે રીઝલ્ટ મળે એ પેજ પર પહોંચી જઈએ!
એટલે કે આ લેખમાં આગળ જેની વાત કરી તે ગૂગલ ડિક્શનરીમાં આપણે સર્ચ કરેલા શબ્દના પેજ પર પહોંચીએ છીએ.
મજા, જે તે વેબસાઇટના પેજ પરથી બીજે ક્યાંય ગયા વિના, આપણો સંદર્ભ ગુમાવ્યા વિના ફટાફટ અર્થ જાણી લેવામાં જ છે, જે કામ આ એક્સ્ટેન્શન પરફેક્ટલી કરી આપે છે.
ક્રોમમાંનાં બીજાં એક્સ્ટેન્શનની જેમ, આ ડિક્શનરી એક્સ્ટેશનનો પણ એક આઇકન, મથાળે એડ્રેસ બારની જમણી બાજુ ઉમેરાય છે. એટલે શબ્દ પર ડબલ ક્લિક કરવાને બદલે તેને સિલેક્ટ કરીને એડ્રેસ બારની બાજુમાં ડિક્શનરી આઇકન પર ક્લિક કરશો તો પણ ત્યાં વિગતવાર અર્થ જાણવા મળશે.
એક્સ્ટેન્શનના ઓપ્શનમાં જઈને, આપણે સર્ચ કરેલા શબ્દોની હિસ્ટ્રી જાણી શકાય છે, જેથી ક્યારેક ફુરસદે એ શબ્દો પર ફરી નજર ફેરવીને આપણી સમજ પાકી કરી શકાય. ભણીગણીને કારકિર્દીમાં આગળ વધીએ ત્યારે આપણી ઓફિસમાં ઇન્ડિસ્પેન્સેબલ બનવું હોય તો આવાં એક્સ્ટેન્શનની મદદ લેવાની ટેવ કેળવવી રહી!