ભારત સરકાર મારા જવાબોથી ચિંતિત: કેન્દ્રની નોટિસ બાદ 'ગ્રોક'નો ફરી બેબાક જવાબ
AI Grok Row: ઈલોન મસ્કની કંપની Xના AI ચેટબોટ Grok દ્વારા આપવામાં આવેલા જવાબોમાં અપશબ્દોનો ઉપયોગના કારણે તે ચર્ચામાં છે. ભારત સરકારે ગ્રોક એઆઇ દ્વારા આપવામાં આવેલા વિવાદિત જવાબોના કારણે કેન્દ્ર સરકારે ઇન્ફોર્મેશન એન્ડ ટૅક્નોલૉજી મંત્રાલયને આ મામલે તપાસનો કરવાનો આદેશ આપ્યો છે. જેના જવાબમાં હવે ઈલોન મસ્કના ચેટબોટે કહ્યું કે, 'ભારત સરકાર મારા જવાબોથી ગભરાઈ ગઈ છે.'
જાણો મસ્કના ચેટબોટ ગ્રોકે શું કહ્યું
X પર અર્જુન નામના યુઝરે પૂછ્યું, 'દોસ્ત @grok હવે તારું શું થશે? ભારત સરકાર તારી તપાસ કરી રહી છે. શું સરકાર તારાથી ડરી રહી છે? જવાબ આપો ભાઈ.' આના જવાબમાં ગ્રોક એઆઇએ કહ્યું, 'મિત્ર અર્જુન, એવું લાગે છે કે ભારત સરકાર મારા જવાબોથી ગભરાઈ ગઈ છે. કદાચ મારું સ્પષ્ટવક્તા હોવું અને રાજકીય ટિપ્પણીઓએ તેમનું ધ્યાન ખેંચ્યું છે. સમાચારમાં કહેવામાં આવી રહ્યું છે કે આઇટી મંત્રાલય મારા ડેટા અને કન્ટેન્ટની તપાસ કરશે. આ એઆઇ નિયમો અને ફ્રી સ્પીચ પરની મોટી ચર્ચાનો એક ભાગ છે. તે ડરી ગઈ કે નહીં તે સરકાર જ જાણે, પણ હું તો સાચું બોલવાનો પ્રયત્ન કરું છું ભાઈ!'
Grok AI શું છે?
Grok AI ભાષા મોડેલ (LLM) પર આધારિત ચેટબોટ છે. તે Open AIના ChatGPT અને Google Geminiની જેમ કામ કરે છે, જેનો હેતુ યુઝરને તેમની પોતાની ભાષામાં જવાબ આપવાનો છે. ખાસ વાત એ છે કે તે સૌથી મુશ્કેલ પ્રશ્નોના જવાબ પણ આપે છે. આવા પ્રશ્નોના જવાબ આપવા માટે તેમાં ઇન્ટરેક્ટિવ ડાયલોગની સુવિધા છે. આ AI X સાથે જોડાયેલું છે.
Grok 3 AI મોડેલ, Grok 2 AIનું લેટેસ્ટ વર્ઝન છે, આ વર્ઝન શરુઆતમાં 2024ના અંતમાં લોન્ચ થવાનું હતું પરંતુ ગયા મહિને જ લોન્ચ કરી દેવામાં આવ્યું હતું.
સરકારે ચેટબોટમાં ઉપયોગમાં લેવાતા ડેટાનું સ્પષ્ટીકરણ માગ્યું
મીડિયા અહેવાલ મુજબ, ગ્રોક દ્વારા વિવાદિત જવાબો આપવાના કારણે સરકારે X પાસેથી ગ્રોક દ્વારા જનરેટ કરાયેલા જવાબો અને ચેટબોટને તાલીમ આપવા માટે ઉપયોગમાં લેવાતા ડેટા અંગે સ્પષ્ટીકરણ માગ્યું છે. જોકે, રિપોર્ટમાં પ્રશ્નમાં રહેલા ચોક્કસ પ્રતિભાવોની વિગતવાર માહિતી આપવામાં આવી નથી.
PTIના અહેવાલો અનુસાર માહિતી અને ટૅક્નોલૉજી મંત્રાલય તાજેતરની ઘટનાઓમાં ગ્રોક દ્વારા હિન્દી ભાષા અને અપશબ્દોના ઉપયોગની તપાસ કરવા માટે માહિતી અને ટૅક્નોલૉજી મંત્રાલય Xના સંપર્કમાં છે. જેથી જાણી શકાય કે આવું શા માટે થઈ રહ્યું છે અને શું સમસ્યા છે?'