Get The App

Explainer: પૃથ્વીના પરિભ્રમણની ગતિ વધી રહી છે, અમુક દિવસ 24 કલાક કરતા ટૂંકા થઈ રહ્યા હોવાથી વિજ્ઞાનીઓ ચિંતિત

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
Explainer: પૃથ્વીના પરિભ્રમણની ગતિ વધી રહી છે, અમુક દિવસ 24 કલાક કરતા ટૂંકા થઈ રહ્યા હોવાથી વિજ્ઞાનીઓ ચિંતિત 1 - image


Earth is Spinning Faster: પૃથ્વીની ઝડપ બાબતે હેરતઅંગેજ પરિવર્તન જોવા મળી રહ્યું છે. હાલના દિવસોમાં પૃથ્વી સામાન્ય કરતા થોડી વધુ ઝડપથી ફરી રહી છે. પરિણામે અમુક દિવસ 24 કલાક કરતા ટૂંકા સાબિત થઈ રહ્યા છે. આ બદલાવ માત્ર વિજ્ઞાનીઓ જ નહીં, પણ વૈશ્વિક ટેક્નોલોજી સિસ્ટમ્સ માટે પણ ચિંતાનો વિષય બની રહ્યો છે.

પૃથ્વી પરનો દિવસ ટૂંકો થઈ રહ્યો છે

'ઈન્ટરનેશનલ અર્થ રોટેશન એન્ડ રેફરન્સ સિસ્ટમ્સ સર્વિસ' તથા 'યુએસ નેવલ ઓબ્ઝર્વેટરી' દ્વારા મેળવવામાં આવેલા તાજેતરના ડેટા એવો સંકેત આપે છે કે, 10 જુલાઈનો દિવસ અત્યાર સુધીનો આ વર્ષનો સૌથી ટૂંકો દિવસ હતો. તે દિવસ 24 કલાક કરતાં 1.36 મિલિ સેકન્ડ ટૂંકો રહ્યો હતો. ત્યાર પછી 22 જુલાઈનો દિવસ પણ સૌથી ટૂંકો રહ્યો અને હવે 5 ઓગસ્ટનો દિવસ પણ આમ જ ટૂંકો રહેવાની શક્યતા છે. આ દિવસો અનુક્રમે 1.34 મિલિ સેકન્ડ અને 1.25 મિલિ સેકન્ડ ટૂંકા હોવાનું વિજ્ઞાનીઓનું માનવું છે. 

પૃથ્વીનું પરિભ્રમણ અનેક પરિબળોથી પ્રભાવિત 

પૃથ્વીએ પોતાની ધરી પર સંપૂર્ણ ફરવા માટે કેટલો સમય લીધો, તેના આધારે એક દિવસનું માપન નક્કી થાય છે, જે સામાન્ય રીતે 24 કલાક અથવા 86,400 સેકન્ડ ગણાય છે. વાસ્તવમાં પૃથ્વીના ગતિચક્ર પર અનેક કુદરતી પરિબળો અસર કરતા હોય છે. એમાં ચંદ્રનું આકર્ષણ, હવામાનમાં મોસમી ફેરફાર અને પૃથ્વીના અંદર પ્રવાહી કોરની ગતિ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવા પરિબળોને કારણે દરેક દિવસ મિલિ સેકન્ડમાં લાંબો કે ટૂંકો રહે છે.

મિલિ સેકન્ડમાં શું ફરક પડી જાય?

ફક્ત એકાદ-બે મિલિસેકન્ડની વધઘટ આપણા રોજિંદા જીવન પર ખાસ અસર કરતી નથી, પરંતુ ઉપગ્રહ સંચાર, ટેલિકોમ્યુનિકેશન અને કમ્પ્યુટર ટેક્નોલોજી જેવી અત્યંત સંવેદનશીલ પ્રવૃત્તિ માટે સમયની સચોટતા ખૂબ જ મહત્ત્વની છે. આ કારણસર 1955થી અણુ ઘડિયાળ એટલે કે એટોમિક ક્લોક દ્વારા સમયના બારીકમાં બારીક ફેરફાર પર દેખરેખ રખાય છે.

અણુ ઘડિયાળ કઈ રીતે સમય માપન કરે છે?

અણુ ઘડિયાળની અંદર બનાવાયેલી વેક્યૂમ ચેમ્બરમાં અણુઓના ઓસિલેશન (દોલન)ને ગણીને અત્યંત ચોકસાઈપૂર્વક સમય માપન કરાય છે. દુનિયાભરનાં વિવિધ સ્થળે સ્થાપિત કરાયેલી 450 જેટલી અણુ ઘડિયાળના માપદંડોને આધારે 'કોર્ડિનેટેડ યુનિવર્સલ ટાઈમ' (UTC) નિશ્ચિત કરાય છે, જે સમયનું વૈશ્વિક ધોરણ છે. આપણા સ્માર્ટફોનથી લઈને એવિયેશન, બેંકિંગ અને સેટેલાઈટ્સ સુધીનું બધું UTC ને આધારે જ 'ગોઠવાય' છે.

પૃથ્વીની સ્થિતિનું આકલન કરવા તારાઓનો સંદર્ભ

પૃથ્વીના પરિભ્રમણનું ચોક્કસ માપ કાઢવા માટે વિજ્ઞાનીઓ ઉપગ્રહોની મદદથી તારાઓના સંદર્ભે પૃથ્વીની સ્થિતિનું આકલન કરે છે. 5 જુલાઈ, 2024નો દિવસ છેલ્લા 65 વર્ષમાં સૌથી ટૂંકો દિવસ ગણાયો છે. એ દિવસ 24 કલાક કરતાં 1.66 મિલિ સેકન્ડ ટૂંકો રહ્યો હતો.

ધીમી ગતિને લીધે 'લીપ સેકન્ડ' ઉમેરાતી

એક સમય હતો જ્યારે પૃથ્વીના પરિભ્રમણની ગતિ ધીમી હોવાથી 'લીપ સેકન્ડ' (Leap Second) ઉમેરવામાં આવતી હતી. 1972માં આંતરરાષ્ટ્રીય સંસ્થાએ પહેલીવાર 'લીપ સેકન્ડ' ઉમેરવાનો નિર્ણય કર્યો હતો, જેથી અણુ ઘડિયાળ અને પૃથ્વીના વાસ્તવિક પરિભ્રમણ વચ્ચેનો તફાવત સંતુલિત કરી શકાય. ગ્રેગોરિયન કેલેન્ડરનાં ઉમેરાતા લીપ વર્ષ જેવી જ આ સિસ્ટમ છે. 1972 થી 2016 સુધીમાં કુલ 27 લીપ સેકન્ડ ઉમેરાઈ હતી, પણ છેલ્લાં ઘણાં વર્ષોથી પૃથ્વી વધુ ઝડપથી ફરવા લાગી હોવાથી લીપ સેકન્ડ ઉમેરવાની જરૂર ઘટી ગઈ છે. 2016 પછી લીપ સેકન્ડ ઉમેરવી નથી પડી.

લીપ સેકન્ડ ઉમેરવાને બદલે કાપવાની નોબત આવશે?

વર્ષ 2022માં વૈશ્વિક સ્ટાન્ડર્ડ એજન્સી CGPM (General Conference on Weights and Measures) એ નક્કી કર્યું હતું કે, વર્ષ 2035 પછી લીપ સેકન્ડ ઉમેરવાનું બંધ કરી દેવાશે. પરંતુ જો પૃથ્વી સતત ઝડપથી ફરતી રહેશે તો ઈતિહાસમાં પ્રથમવાર એવું બનશે કે લીપ સેકન્ડ કાપીને સમયને 'વ્યવસ્થિત' કરવો પડે! આમ કરવું પડશે તો એને 'નેગેટિવ લીપ સેકન્ડ' (Negative Leap Second) કહેવાશે. આમ થવાની સંભાવના 40 ટકા જેટલી છે.

નેગેટિવ લીપ સેકન્ડના કેવા જોખમ છે?

'નેગેટિવ લીપ સેકન્ડ' અમલમાં મૂકવું સરળ નથી, કેમ કે એના આગવા જોખમો છે. તકલીફો લીપ સેકન્ડ ઉમેરતી વખતે પણ આવે છે, એટલે ઘટાડતી વખતે પણ આવવાની જ છે. સેકન્ડ ઘટાડવામાં વૈશ્વિક નાણાકીય વ્યવહારો, ઈલેક્ટ્રિક ગ્રિડ, ટેલિકોમ્યુનિકેશન અને GPS જેવી અનેક સિસ્ટમ્સમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે. 

પૃથ્વીની ઝડપ કઈ-કઈ રીતે પ્રભાવિત થાય છે?

• ચંદ્રનું આકર્ષણ, દરિયાઈ પ્રવાહો, ઋતુ પરિવર્તન અને પૃથ્વીના અંદર પ્રવાહી કોરની ગતિ વગેરે પરિબળો પૃથ્વીની ગતિને ધીમી કે ઝડપી કરે છે. 

• દરિયાઈ પ્રવાહોની ગતિ વધતા પૃથ્વીની પરિભ્રમણ ઝડપ પણ વધી જતી હોય છે. 

• છેલ્લા પચાસ વર્ષથી પૃથ્વીના પ્રવાહી કોરની ગતિ ધીમી થઈ રહી છે, એ પરિબળ પણ પૃથ્વીની ગતિ પર અસર કરે છે.

• ગ્લોબલ વોર્મિંગને કારણે ધ્રુવીય બરફ પીગળી રહ્યો છે. પરિણામે મહાસાગરનું જળસ્તર વધી રહ્યું છે. તેને લીધે પણ પૃથ્વીનું પરિભ્રમણ ધીમું પડે છે. જો બરફ પીગળતો ન હોત તો કદાચ આપણે ઘણા વર્ષો અગાઉ જ 'નેગેટિવ લીપ સેકન્ડ' સુધી પહોંચી ગયા હોત.

Tags :