માત્ર પૃથ્વી જ નહી બુધ ગ્રહ પર પણ ભુકંપ આવે છે
બુધની પણ સપાટીની નીચે પૃથ્વીની જેમ ટેકટોનિક પ્લેટસ છે
બુધ સ્પેસમાં સૌથી ઝડપથી ભ્રમણ કરતો ગ્રહ છે
ન્યૂયોર્ક, ૩૦ જાન્યુઆરી,૨૦૨૦ ગુરુવાર
બુધ ગ્રહ વિશે વૈજ્ઞાાનિકોને જાણવા મળ્યું છે કે પૃથ્વીની જેમ આ ગ્રહ પર પણ ભુકંપ આવે છે. સૂર્યથી સૌથી નજીક રહેનારો બુધ ગ્રહ મરર્કયુરી પ્લેનેટ તરીકે પણ ઓળખાય છે. બુધની પણ સપાટીની નીચે પૃથ્વીની જેમ ટેકટોનિક પ્લેટસ છે જેનાથી જેમાં હલન ચલન થવાથી ધરતીકંપના નાના મોટા આંચકા આવતા રહે છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના મેસેન્જરે ૨૦૧૧ થી ૨૦૧૫ સુધી સૂર્યની સૌથી નજીકના ગ્રહ પરથી ભ્રમણ કર્યુ હતું. તેના ડેટાના આધારે બુધ ગ્રહ પર ટેકટોનિક પ્રકારની સિસ્ટમ હોવાનું પ્રથમ વાર ધ્યાનમાં આવ્યું હતું.
બુધનો દેખાવ પૃથ્વીને મળતો આવે છે. જો કે આ ગ્રહ પરનું વાયુ મંડળ ઋતુઓ વગરનું રહેતું હોવાથી જીવન સૃષ્ટિ શકય નથી. બુધ સ્પેસમાં સૌથી ઝડપથી ભ્રમણ કરતો ગ્રહ છે. તે માત્ર ૮૮ દિવસમાં જ પોતાનું ભ્રમણ પુરુ કરી નાખે છે. જયારે પૃથ્વી પરથી જોતા પોતાની કક્ષાની આસપાસ ૧૧૬ દિવસ જેટલો સમય લે છે. ખૂબજ ઝડપથી ઉડતા રોમન દેવતા બુધના નામ પરથી આ ગ્રહનું નામ બુધ પડયું છે.
આ ગ્રહ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી આકાશમાં દેખાતો હોવાથી તેને સવાર સાંજનો તારો કહેવામાં આવે છે જયારે તે અડધી રાત્રિએ દેખાતો નથી. બુધ એ પાંચ ગ્રહો માંનો એક છે જેને આકાશમાં નરી આંખે જોઇ શકાય છે. અવકાશ સંશોધનોમાં જાણવા મળ્યું છે કે ચાર અબજ વર્ષથી બુધ ગ્રહમાં ફેરફાર જોવા મળી રહયા છે તે સંકોચાતો જાય છે. બુધની સપાટી તેના મૂળ આકારથી ૭ કિમી જેટલી નાની થઇ છે. બુધની સપાટી પર વિશાળ ખાડા જોવા મળે છે જે લઘુગ્રહો અને ધૂમકેતુ ટકરાવાથી બનેલા છે. તેની સપાટી પરની કેલોરિસ ઘાટી ૧૩૦૦ કિમી વ્યાસની છે જે ચંદ્રમાંની મારિયાઘાટી જેવી છે. બુધ પર સપાટ મેદાન પણ છે જે સંભવત જવાળામુખી ફાટવાથી બનેલા છે.આ ગ્રહના ઉત્તરી ધુવોના કેટર્સમાં બરફનું હોવાનું પણ રડાર દ્વારા પ્રમાણ મળ્યું છે.