Science & Technology

વેનેઝુએલામાં ભૂકંપ આવ્યો તેની અમુક સેકન્ડ પહેલા જ ગૂગલે મોકલ્યું હતું ઍલર્ટ, જાણો કેવી રીતે

By GS TEAM
25 Jun 20263 mins read
TukuTouch Logo
વેનેઝુએલામાં 2 મોટા ભૂકંપ પહેલાં, ગૂગલે સ્માર્ટફોન યુઝર્સને 341 કિમી દૂર આવનારા 6.2ની તીવ્રતાના ભૂકંપની ચેતવણી સેકન્ડો પહેલાં મોકલી હતી. સ્માર્ટફોનના એક્સેલરોમીટર સેન્સર ધ્રુજારી શોધીને ડેટા ગૂગલ સર્વરને મોકલે છે. 200 કરોડથી વધુ એન્ડ્રોઇડ ફોનનું નેટવર્ક ભૂકંપના વિનાશક તરંગો પહેલાં જ એલર્ટ મોકલી લોકોને સુરક્ષિત થવાનો સમય આપે છે. ભારતમાં પણ આ સિસ્ટમ સક્રિય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વેનેઝુએલામાં ભૂકંપ આવ્યો તેની અમુક સેકન્ડ પહેલા જ ગૂગલે મોકલ્યું હતું ઍલર્ટ, જાણો કેવી રીતે

Google Alert On Earthquake: વેનેઝુએલામાં તાજેતરમાં એક સદીના સૌથી શક્તિશાળી ગણી શકાય તેવા બે બેક-ટુ-બેક ભૂકંપ આવ્યા, જેમાં અનેક ઈમારતો ધરાશાયી થઈ અને મોટા પાયે નુકસાન થયું છે. જોકે આ કુદરતી આફત વચ્ચે એક ચોંકાવનારી બાબત સામે આવી છે. ત્યાંના ઘણા સ્માર્ટફોન યુઝર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્ક્રીનશોટ શેર કરીને દાવો કર્યો છે કે, ભૂકંપના આંચકા ખરેખર અનુભવાય તે પહેલાં જ ગૂગલે તેમને એલર્ટ મોકલી દીધી હતી! યુઝરના જણાવ્યા મુજબ, ગૂગલની આ સિસ્ટમે 212.3 માઈલ (આશરે 341 કિમી) દૂર આવી રહેલા 6.2ની તીવ્રતાના ભૂકંપની ચેતવણી સેકન્ડો પહેલાં જ આપી દીધી હતી.
જોકે સવાલ એ થાય છે કે ગૂગલને ભૂકંપ આવવાની અગાઉથી ખબર કેવી રીતે પડી? આ સવાલનો જવાબ તમારા ખિસ્સામાં રહેલા સ્માર્ટફોન સાથે જોડાયેલો છે.
સ્માર્ટફોનનું સેન્સર અને ગૂગલનું વિશાળ નેટવર્ક
દરેક આધુનિક સ્માર્ટફોનમાં 'એક્સેલરોમીટર' નામનું એક સેન્સર હોય છે. સામાન્ય રીતે આ એ જ સેન્સર છે જે તમારા ફોનને લેન્ડસ્કેપ કરતી વખતે સ્ક્રીનને ઓટો-રોટેટ કરે છે. જોકે આ સેન્સરનું બીજું એક મોટું કામ વાઇબ્રેશન એટલે કે ધ્રુજારીને માપવાનું પણ છે.
જ્યારે કોઈ વિસ્તારમાં જમીન ધ્રુજે છે, ત્યારે ત્યાંના સ્માર્ટફોનનું એક્સેલરોમીટર તેને તરત જ ડિટેક્ટ કરી લે છે અને તેનો રફ લોકેશન ડેટા ગૂગલના 'Android Earthquake Alerts System' સર્વર પર મોકલી દે છે. ગૂગલના સર્વર્સ આ ડેટાને તે વિસ્તારના અન્ય સેંકડો ફોન્સના ડેટા સાથે ક્રોસ-વેરિફાય કરે છે. જો એક જ સમયે ઘણા બધા ફોનમાંથી સરખો વાઇબ્રેશન ડેટા મળે, તો ગૂગલ સમજી જાય છે કે ભૂકંપ આવી રહ્યો છે અને તે તત્કાલ પ્રભાવથી આસપાસના યુઝર્સને એલર્ટ મોકલી દે છે. વિશ્વભરમાં 2 બિલિયન (200 કરોડ)થી વધુ એન્ડ્રોઇડ ફોન્સ આ નેટવર્ક સાથે જોડાયેલા હોવાથી તે દુનિયાનું સૌથી મોટું ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્મોગ્રાફ નેટવર્ક બને છે.
ભૂકંપના તરંગો કરતાં તમારો ફોન વધુ ફાસ્ટ છે
ગૂગલ ભૂકંપ વહેલા કેવી રીતે પકડી પાડે છે, તે સમજવા માટે ભૂકંપના વિજ્ઞાનને સમજવું જરૂરી છે. ભૂકંપ ક્યારેય એક સિંગલ ઝટકો નથી હોતો, પરંતુ તે તરંગો સ્વરૂપે આગળ વધે છે.

  1. પ્રાયમરી વેવ્સ: આ તરંગો અત્યંત ઝડપી હોય છે, જે આશરે 6 કિમી પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે, પરંતુ તે ઘણા નબળા હોય છે.
  2. સેકન્ડરી વેવ્સ: આ તરંગો 3-4 કિમી પ્રતિ સેકન્ડની ઝડપે થોડા ધીમા ચાલે છે, પરંતુ તે સૌથી વધુ વિનાશક હોય છે.
    જ્યારે ભૂકંપ આવે ત્યારે સ્માર્ટફોન સૌથી પહેલાં આવતા ઝડપી પ્રાયમરી વેવ્સને પકડી પાડે છે અને તેનો ડેટા પ્રકાશની ગતિએ (જે આશરે 299,792 કિમી પ્રતિ સેકન્ડ છે) ગૂગલના સર્વર પર મોકલે છે. ભૂકંપના વિનાશક સેકન્ડરી વેવ્સ તમારા સુધી પહોંચે તે પહેલાં, પ્રકાશની ગતિએ દોડતા ફોનના સિગ્નલ ગૂગલ સુધી પહોંચીને પ્રોસેસ થઈને તમારા મોબાઈલ સ્ક્રીન પર ચેતવણી રૂપે દેખાઈ જાય છે. વેનેઝુએલાના કિસ્સામાં પણ ભૂકંપનું કેન્દ્ર 341 કિમી દૂર હોવાથી, વિનાશક તરંગો લોકો સુધી પહોંચે તે પહેલાં જ ગૂગલની એલર્ટે લોકોને સુરક્ષિત થવાનો સમય આપી દીધો હતો.

એન્ડ્રોઇડમાં બે પ્રકારની ભૂકંપ એલર્ટ
ગૂગલ ભૂકંપની તીવ્રતાના આધારે બે પ્રકારની એલર્ટ મોકલે છે:

  • Be Aware Alert: આ એલર્ટ હળવી ધ્રુજારી વખતે યુઝર્સને સાવધ કરવા માટે મોકલવામાં આવે છે.
  • Take Action Alert: આ એલર્ટ મધ્યમથી ભારે ધ્રુજારી આવવાની હોય તેના થોડી સેકન્ડ પહેલાં ફૂલ સ્ક્રીન પર લાઉડ સાઉન્ડ સાથે મોકલવામાં આવે છે, જેથી યુઝર્સ પોતાનો જીવ બચાવવા માટે સુરક્ષિત જગ્યાએ આશરો લઈ શકે.
    આ એલર્ટ પર ટેપ કરવાથી ભૂકંપ સુરક્ષા સંબંધિત માહિતી, સરળ સ્ટેપ્સ અને ભૂકંપના કેન્દ્રનો અંદાજિત નકશો પણ જોવા મળે છે. ભારતમાં પણ વર્ષ 2023થી Android 5 અને તેનાથી ઉપરના વર્ઝન પર ચાલતા તમામ ફોન્સમાં આ સિસ્ટમ એક્ટિવ છે. જોકે આ એલર્ટ મેળવવા માટે ફોનમાં વાઇ-ફાઇ અથવા સેલ્યુલર ડેટા ચાલુ હોવું જરૂરી છે. જો યુઝર્સ ઇચ્છે તો ડિવાઇસ સેટિંગ્સમાં જઈને આ ફીચરને બંધ પણ કરી શકે છે.