Science & Technology

ધંધૂળા કે મોટા ફોટો-વીડિયો હવે ફટાફટ ડિલીટ કરી શકાશે

By GS TEAM
24 Aug 20252 mins read
ધંધૂળા કે મોટા ફોટો-વીડિયો હવે ફટાફટ ડિલીટ કરી શકાશે

જો તમે ટીંડર જેવી ડેટિંગ એપનો ઉપયોગ કરતા હશો તો તમે જાણતા હશો કે તેમાં કોઈ વ્યક્તિના પ્રોફાઇલને લાઇક કે ડિસલાઇક કરવા માટે આપણે તેને ડાબે કે જમણે સ્વાઇપ કરી શકીએ છીએ. આવા એક હળવા સ્વાઇપથી આપણી પસંદ-નાપસંદ પ્લેટફોર્મ પરના આપણા એકાઉન્ટમાં રેકોર્ડ થઈ જાય. સ્માર્ટફોનમાં જીમેઇલ તથા અન્ય ઘણી સર્વિસમાં પણ ડાબા અને જમણા સ્વાઇપથી વિવિધ એકશન લઈ શકાતાં હોય છે. આપણે પોતે જે તે સર્વિસના સેટિંગ્સમાં જઇને ડાબે કે જમણે સ્વાઇપ કરવાથી શું થાય તે નક્કી કરી શકીએ છીએ.

હવે કંઈક આવી જ સગવડ ગૂગલ ફોટોઝમાં પણ આવી રહી છે. અત્યારે આપણે આ સર્વિસમાં સ્ટોર થયેલા ફોટો કે વીડિયો ડિલીટ કરવા હોય ત્યારે તેને ઓપન કરી સિલેક્ટ કરીને પછી ડિલીટ આઇકન પર ક્લિક કરવું પડે છે. તેને બદલે હવે થોડા સમયમાં આપણને ફોટો કે વીડિયો પર ડાબા કે જમણા સ્વાઇપથી નિશ્ચિત એકશન લેવાની તક મળશે.

અત્યારે વિવિધ યૂઝર્સને  આ સગવડ મળવા લાગી છે. એ મુજબ આ સર્વિસ પોતે આપણને ધૂંધળી કે અસ્પષ્ટ ઇમેજીસ અથવા સર્વિસમાં બહુ વધુ જગ્યા રોકતા હોય તેવા ફોટો કે વીડિયો બતાવશે અને પછી આપણે તેમને ડાબી તરફ સ્વાઇપ કરીને એક ક્લિકમાં ડિલીટ કરી શકીશું. જો જમણે સ્વાઇપ કરીશું તો તેને ફેવરિટ તરીકે માર્ક કરી શકીશું.

જો તમારા ગૂગલ એકાઉન્ટમાં સ્પેસ ખૂટવા થવા લાગી હોય તો તેનું મોટું કારણ ગૂગલ ફોટોઝ હોઈ શકે છે. એકાઉન્ટમાં રોકાતી સ્પેસ ઘટાડવા માટે આપણે ધૂંધળા કે અસ્પષ્ટ અથવા વધુ પડતી મોટી સાઇઝના ફોટો-વીડિયો ડિલીટ કરી શકીએ. એ કામ આ રીતે ડાબે જમણે સ્વાઇપ કરવાથી કરી શકાય તો આખી વિધિ ઘણી સહેલી બને. આપણે ગમે ત્યારે ફોન હાથમાં લઇ તેમાં ફોટોઝ એપ ઓપન કરીને તેમાં ફટાફટ સાફસૂફી કરી શકીએ!