Get The App

એકાઉન્ટની સલામતી માટે અજાણ્યા ડિવાઈસમાંથી લોગ આઉટ થાઓ છો ?

Updated: Jun 18th, 2025

GS TEAM

Google News
Google News
એકાઉન્ટની સલામતી માટે અજાણ્યા ડિવાઈસમાંથી લોગ આઉટ થાઓ છો ? 1 - image


- ykÃkýu {kxu {n¥ðLkk ÷øk¼øk ík{k{ yufkWLx{kt, he{kux÷e yux÷u Ëqh çkuXkt ÷kuøk ykWx fhe þfkÞ Au

હવેના સમયમાં, એન્ડ્રોઇડ સ્માર્ટફોન ધરાવતા આપણે સૌ કમ સે કમ એક ડિવાઇસમાં પોતાના ગૂગલ એકાઉન્ટથી લોગ ઇન રહેતા હોઈએ છીએ. જો આપણી પાસે જૂનો સ્માર્ટફોન પડ્યો રહ્યો હોય તો કદાચ એમાં પણ આપણે ગૂગલ એકાઉન્ટથી લોગ ઇન હોઇએ. એ જ રીતે આપણી પાસે લેપટોપ હોય તો આપણે તેમાં પણ પોતાના ગૂગલ એકાઉન્ટથી લોગ ઇન હોઇએ.

અહીં સુધી તો બધું બરોબર, પરંતુ ક્યારેક એવું બને કે આપણે પોતાની કે ક્લાયન્ટની ઓફિસમાં કે હોટેલ જેવી કોઈ ત્રીજી જ જગ્યાએ અન્ય કોઈ પીસી કે લેપટોપમાં પોતાના ગૂગલ એકાઉન્ટથી લોગ ઇન કર્યું હોય, તેમાં કંઈક કામ કર્યું હોય અને પછી લોગ આઉટ થવાનું ભૂલી ગયા હોઇએ! આ સ્થિતિમાં આપણે જીમેઇલ એકાઉન્ટ, ગૂગલ કેલેન્ડર, ગૂગલ ડ્રાઇવ, ગૂગલ ફોટોઝ વગેરે ગૂગલની જે કોઈ સર્વિસનો ઉપયોગ કરતા હોઇએ એ બધું જ અન્ય કોઈ વ્યક્તિને સાવ ખુલ્લું મળી જાય. અલબત્ત, આવા જોખમ સામે હવે આપણને જુદી જુદી રીતે રક્ષણ મળે છે, છતાં જોખમ તો ઊભું રહે જ છે - કહો કે જોખમ સાવ લોગ આઉટ થતું નથી!

વાત હજી વધુ ગંભીર ત્યારે બને જ્યારે આપણે પોતે બીજા કોઈના ડિવાઇસમાં પોતાના ગૂગલ એકાઉન્ટથી લોગ ઇન થયા ન હોઇએ પરંતુ અન્ય કોઈ વ્યક્તિએ જાણી જોઇને પોતાના ડિવાઇસમાં આપણા ગૂગલ એકાઉન્ટથી લોગ ઇન કર્યું હોય અને આપણને તેની જાણ પણ ન હોય! આવા કિસ્સામાં એક જ શક્યતા રહે - એ વ્યક્તિ હેકર હોય અને તેણે કોઈક રીતે આપણા ગૂગલ એકાઉન્ટના યૂઝરનેમ-પાસવર્ડ મેળવી લીધા હોય.

આ સ્થિતિમાં આપણી ઘણી બધી બાબતો ગંભીર જોખમમાં મુકાઈ જાય.

આ બધી શક્યતાઓ આપણે અચૂકપણે ટાળવી જોઇએ. મતલબ કે આપણે નિયમિત રીતે, જેનો રોજિંદો ઉપયોગ કરતા હોઇએ ફક્ત એ સ્માર્ટફોન કે લેપટોપ-પીસીમાં જ પોતાના ગૂગલ એકાઉન્ટથી લોગ ઇન રહેવા જોઇએ, અન્ય કોઈ ડિવાઇસમાં નહીં.

આથી આપણે નિયમિત રીતે, થોડા થોડા સમયે એ તપાસવું જોઇએ કે આપણે ક્યા ડિવાઇસમાં પોતાના ગૂગલ એકાઉન્ટથી લોગ ઇન છીએ (આ વાત અન્ય મહત્ત્વનાં એકાઉન્ટને પણ લાગુ પડે છે).

ગૂગલ એકાઉન્ટની સ્થિતિ તપાસવા માટે તમારા સ્માર્ટફોન કે પીસી/લેપટોપમાં બ્રાઉઝરમાં https://myaccount.google.com/ પર જાઓ. તમે ઇચ્છો તો સ્માર્ટફોનમાં ગૂગલની કોઈ પણ સર્વિસ ઓપન કરી તેમાં તમારા પ્રોફાઇલ પિકચર પર ક્લિક કરીને ‘મેનેજ યોર ગૂગલ એકાઉન્ટ’ વેબપેજ પર જઈ શકો છો. આ બંને રીતે આપણે પોતાના ગૂગલ એકાઉન્ટનાં વિવિધ સેટિંગ્સના પેજ પર પહોંચીશું.

એ પછી તેમાં ઉપરના ટેબમાં ‘સિક્યોરિટી’ ટેબમાં જાઓ. અહીં નીચેની તરફ સ્ક્રોલ કરીને ‘યોર ડિવાઇસિસ’ સેકશનમાં જાઓ. અહીં આપણે જે તે ક્ષણે કયા કયા ડિવાઇસમાં ગૂગલ એકાઉન્ટથી લોગ ઇન છીએ તે જોવા મળશે.

‘મેનેજ ઓલ ડિવાસસિસ’ની લિંક ક્લિક કરતાં આપણે જે જે ડિવાઇસિસમાં પાછલા ૨૮ દિવસમાં લોગ ઇન હોઇએ તેની વધુ વિગતો જોવા મળશે.  અહીં આપણે જેનો રોજિંદો ઉપયોગ કરતા હોઇએ તે સ્માર્ટફોન, પીસી, સ્માર્ટ ટીવી વગેરેની યાદી જોવા મળી શકે છે. અહીં કોઈ પણ અજાણ્યું ડિવાઇસ જોવા મળે (લોકેશનમાં થોડી ભૂલ હોઈ શકે છે) તો તેના પર ક્લિક કરો અને આગળના પેજ પરથી એ ડિવાઇસમાંથી તાબડતોબ સાઇન આઉટ કરો.

આજના સમયમાં આપણું ગૂગલ એકાઉન્ટ ઘણી બધી રીતે આપણે માટે બહુ મહત્ત્વનું છે. તેને સલામત રાખવા માટે ઘણી બાબતોની કાળજી રાખવી જરૂરી છે.

ગૂગલની જેમ, આપણે માટે મહત્ત્વની લગભગ બધી સર્વિસ આ રીતે આપણે અન્ય કયા ડિવાઇસમાં લોગઇન છીએ તે તપાસવાની અને જરૂર મુજબ તેમાંથી, દૂર બેઠાં લોગ આઉટ થવાની સગવડ આપે છે - ક્યારેક ફુરસદે આ વિગતો તપાસજો.

Tags :