તમે તમારી વોટ્સએપ એપ લોક્ડ રાખો છો ?

- તમે મેસેજિસ પૂરા ખાનગી રાખવા માગતા હો તો એપને વધારાનું તાળું મારી શકાય
જો આપણે પોતાના સ્માર્ટફોનને પિન, પેટર્ન, પાસકોડ કે ફિંગરપ્રિન્ટ/ફેસ આઇડીથી લોક્ડ રાખતા હોઇએ તો સામાન્ય રીતે ફોનમાંની
તમામ એપ્સ અન્ય લોકોની નજરથી સુરક્ષિત રહે. પરંતુ ઘણી વાર એવું બને કે આપણે પોતાનો
ફોન કોઈ પરિચિત વ્યક્તિને અનલોક કરીને આપવો પડે. એ વ્યક્તિએ કદાચ ફક્ત કોઈ ફોન કોલ
કરવા માટે આપણો ફોન માગ્યો હોય પરંતુ એ કામ પૂરું થયા પછી કુતૂહલવશ એ વ્યક્તિ આપણા
ફોનમાં વોટ્સએપમાં પણ ઘૂસી શકે - જો આપણે વોટ્સએપ એપ લોક્ડ ન રાખતા હોઇએ તો.
એવું જ બને કમ્પ્યૂટરમાં. આપણે ડેસ્કટોપ પર વોટ્સએપનો ઉપયોગ કરતા હોઇએ તો થોડી
વાર માટે આપણા કમ્પ્યૂટરની એક્સેસ મેળવતી વ્યક્તિ ડેસ્કટોપમાં વોટ્સએપ ઓપન કરીને
તેમાંના આપણા બધા મેસેજિસ જોઈ શકે.
આવું થતું ટાળવાનો એક સહેલો ઉપાય ફોન કે કમ્પ્યૂટરના મુખ્ય લોક ઉપરાંત
વોટ્સએપને અલગ રીતે લોક્ડ રાખવાનો છે. આ કામ બહુ સહેલું છે.
એન્ડ્રોઇડ ફોનમાં
તમારા ફોનમાં વોટ્સએપ એપ ઓપન કરો.
તેમાં સેટિંગ્સમાં જાઓ.
તેમાં પ્રાઇવસીમાં જાઓ.
અહીં નીચેની તરફ સ્ક્રોલ કરતાં એપ લોકનો વિકલ્પ જોવા મળશે.
તેને ક્લિક કરો અને પછી ઓન કરો.
આ લોક જ્યારે ઓન હોય ત્યારે આપણે વોટ્સએપ ઓપન કરવા માટે ફિંગરપ્રિન્ટ, ફેસ આઇડી કે અન્ય રીતે પહેલાં તે અનલોક કરવી પડશે. અહીં વધુ કેટલાક વિકલ્પો પણ
જોવા મળશે અને કેટલા સમય પછી વોટ્સએપ આપોઆપ લોક થાય એ સમય આપણે પસંદ કરી શકીએ છીએ
આઇફોનમાં
એન્ડ્રોઇડની જેમ આઇફોનમાં પણ વોટ્સએપ એપ લોક કરવાનું કામ સહેલું છે.
આઇફોનમાં વોટ્સએપ ઓપન કરો.
તેમાં સેટિંગ્સમાં પ્રાઇવસીમાં જાઓ. અહીંથી એપ લોક ઓન કરી શકાશે.
આઇફોનમાં આપણે ટચ આઇડી કે ફેસ આઇડીની જ મદદથી વોટ્સએપ એપ ઓપન થાય તેવું સેટિંગ
કરી શકીએ છીએ.
આપણે ઇચ્છીએ તો ફોનમાં આવતા વોટ્સએપના નોટિફિકેશનમાં પણ મેસેજનું કન્ટેન્ટ
જોવા ન મળે એવું સેટિંગ પણ કરી શકીએ છીએ. બાકી, ફોન ટેબલ પર પડ્યો હોય ત્યારે આપણાં વોટ્સએપ મેસેજ અન્ય વ્યક્તિને દેખાઈ શકે
છે!
ડેસ્કટોપમાં
પીસી/લેપટોપ અને સ્માર્ટફોન બંને તમારા કામકાજનો મહત્ત્વનો હિસ્સો હોય તો તમે
પણ પીસીમાં વોટ્સએપનો ઉપયોગ કરતા હશો. અહીં પણ વોટ્સએપ લોક્ડ રાખી શકાય છે. જેથી
થોડા સમય માટે પણ તમારા કમ્પ્યૂટરની એક્સેસ મેળવતી વ્યક્તિ વોટ્સએપમાંના મેસેજિસ
જોઈ શકે નહીં. એ માટે ...
કમ્પ્યૂટરમાં વોટ્સએપ વેબ ઓપન કરો
ડાબી તરફના સાઇડબારમાં ગિયર આઇકન પર ક્લિક કરીને સેટિંગ્સ ઓપન કરો. અહીં
પ્રાઇવસી અને તેમાં એપ લોકમાં જાઓ.
અહીંથી એપ લોક ઇનેબલ કરી શકાશે.
જોકે અહીં આપણે નવો કોઈ પાસવર્ડ પસંદ કરવો પડશે અને યાદ રાખવો પડશે. પછી
કમ્પ્યૂટરમાં વોટ્સએપ ઓપન કરવા માટે દરેક વખતે પાસવર્ડ આપવો પડશે. એ કામ થોડું મુશ્કેલ બનશે.








