- માઇક્રોસોફ્ટે
તેની વિન્ડોઝ 10 સિસ્ટમને સપોર્ટ બંધ કર્યો અને સામે ઘણાં કમ્પ્યૂટર વિન્ડોઝ 11 સપોર્ટ કરી શકે તેમ નથી
તમને યાદ હોય તો
થોડા સમય પહેલાં ‘ટેકનોવર્લ્ડ’માં આપણે ગૂગલની નવી ઓપરેટિંગ સિસ્ટમ ‘ક્રોમઓએસ ફ્લેક્સ’ વિશે વાત કરી હતી. આ ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્યૂટર
માટે વિન્ડોઝની ઓપરેટિંગ સિસ્ટમનો વિકલ્પ બની શકે છે.
આપણે માટે વિન્ડોઝ ૧૦ કે ૧૧ એ કમ્પ્યૂટર માટેની સૌથી જાણીતી ઓપરેટિંગ સિસ્ટમ છે. પરંતુ માઇક્રોસોફ્ટ કંપની વિન્ડોઝ ૧૦ ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરવાનું બંધ કરી રહી છે અને યૂઝર્સને તેમના કમ્પ્યૂટરની સિસ્ટમ વિન્ડોઝ ૧૧થી અપગ્રેડ કરવાનું જણાવી રહી છે.
તકલીફ એ છે કે બધાં કમ્પ્યૂટરના હાર્ડવેર વિન્ડોઝ ૧૧ સપોર્ટ કરી શકે તેમ નથી. આથી તમારા કમ્પ્યૂટરમાં વિન્ડોઝ ૧૦ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો તમારી પાસે લગભગ બે જ વિકલ્પ રહે - કંપનીના સપોર્ટ વિના, કોઈ અપડેટ કે સિક્યોરિટી પેચ વિના, જોખમો સાથે વિન્ડોઝ ૧૦નો ઉપયોગ ચાલુ રાખવો અથવા વિન્ડોઝ ૧૧ સપોર્ટ કરતું હોય તેવું નવું કમ્પ્યૂટર ખરીદી લેવું.
દુનિયામાં લગભગ ૫૦ કરોડ લોકો અત્યારે આ દ્વિધાનો સામનો કરી રહ્યા છે.
આવું જબરૂં મોટું માર્કેટ જોઈને ગૂગલે અહીં ઝંપલાવ્યું છે. તેણે પોતાની ક્રોમઓએસ ફ્લેક્સ ઓપરેટિંગ સિસ્ટમ ‘નવા સ્વરૂપે’ લોન્ચ કરી છે. નવું સ્વરૂપ એટલે કેવું એ પણ સમજીએ.
આમ તો તમે ઇચ્છો તો તમારા લગભગ કોઈ પણ જૂના વિન્ડોઝ ૧૦ વાળા પીસી કે લેપટોપમાં આ ગૂગલની ઓપરેટિંગ સિસ્ટમ નાખી શકો છો અને તેને ‘ક્રોમબુક’માં ફેરવી શકો છો - બિલકુલ મફતમાં.
જો તારી પાસે કોઈ જૂનું લેપટોપ પડ્યું હોય તો https://chromeos.google/products/chromeos-flex/ વેબસાઇટ પર જઇને, પહેલાં તો તમારા કમ્પ્યૂટરમાં આ ઓએસ ચાલશે કે નહીં તે તપાસી લો. એ પછી એક પેનડ્રાઇવમાં ક્રોમઓએસ ફ્લેક્સ ડાઉનલોડ કરી શકો. એ પછી તેને લેપટોપમાં કનેક્ટ કરીને સ્ક્રીન પર આવતી સૂચનાઓનું પાલન કરીને તેને ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઇન્સ્ટોલ કરી શકો છો.
યાદ રાખશો કે આ પ્રોસેસમાં તમારા કમ્પ્યૂટરમાંની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ સંપૂર્ણપણે ભૂંસાઈ જશે. તમે ઇચ્છો તો પહેલાં યુએસબી ઇન્સ્ટોલરની મદદથી કમ્પ્યૂટરમાં કામચલાઉ રીતે ક્રોમઓએસ ફ્લેક્સનો ઉપયોગ કરી શકો છો.
આ બધી વાતો તમને ગૂંચવે છે? તો તમારા માટે જ ગૂગલે પોતાની ક્રોમઓએસ ફ્લેક્સ ઓપરેટિંગ સિસ્ટમ ‘નવા સ્વરૂપે’ લોન્ચ કરી છે. ગૂગલે આખી વાત એકદમ સહેલી બનાવતી એક કિટ લોન્ચ કરી છે, કિંમત છે ફક્ત ૩ ડોલર (આશરે ૩૦૦ રૂપિયા). તેની મદદથી જૂના કમ્પ્યૂટરમાં બહુ સહેલાઈથી નવી ફ્લેક્સ ઓએસ ઇન્સ્ટોલ કરી શકાશે. જોકે આપણા સુધી આ કિટ પહોંચતાં વાર લાગી શકે છે.
એ પણ યાદ રાખવા જેવું છે કે વિન્ડોઝની સરખામણીમાં ક્રોમઓએસની ઘણી મર્યાદાઓ છે. ક્રોમઓએસ ફ્લેક્સ ઓપરેટિંગ સિસ્ટમવાળા કમ્પ્યૂટરમાં માત્ર વિન્ડોઝને જ સપોર્ટ કરતા હોય તેવા પ્રોગ્રામ ચલાવી શકાતા નથી. પરંતુ જો તમારું કામ મોટા ભાગે બ્રાઉઝર આધારિત પ્રોગ્રામ્સમાં થતું હોય, તમે માઇક્રોસોફ્ટના બધા પ્રોગ્રામનો પણ બ્રાઉઝરમાં ઉપયોગ કરતા હો કે પછી ગૂગલ ડ્રાઇવના વિવિધ ઓફિસ પ્રોગ્રામ્સ તરફ વળી ગયા હો તો ક્રોમઓએસ ફ્લેક્સવાળું કમ્પ્યૂટર તમારે માટે વરદાનરૂપ બનશે.


