તમે ઇન્સ્ટા માટે વીડિયો ક્રિએટ કરો છો ?

ઇન્સ્ટાગ્રામના યૂઝર્સ મુખ્યત્વે બે પ્રકારના હોય છે - એક પ્રકારમાં એવા લોકો, જે બીજા યૂઝર્સની રીલ્સ કે બીજું કન્ટેન્ટ જોઈને સંતોષ માને છે. બીજા પ્રકારના લોકો જાતે, પોતાનું કન્ટેન્ટ ક્રિએટ કરીને વધુ લોકો સુધી પહોંચવાનો કે કમાણી ઊભી કરવાનો સંતોષ મેળવે છે. બંનેમાંથી કશું ખોટું નથી, પણ જો તમે બીજા પ્રકારના લોકોમાં સામેલ હો તો તમારા વીડિયો ક્રિએટ કરવામાં ક્યારેક ને ક્યારેક મુશ્કેલી અનુભવતા હશો.
તમારું કામ સહેલું કરી શકે છે, આ વર્ષે એપ્રિલમાં લોન્ચ થયેલી ઇન્સ્ટાની નવી એપ ‘એડિટ્સ’. તેનો આપણે ‘ટેકનોવર્લ્ડ’માં વિગતવાર પૂરો પરિચય મેળવ્યો હતો. આ એપને કારણે ઇન્સ્ટા માટે વીડિયો ક્રિએટ કરવાનું કામ ઘણું સહેલું થઈ ગયું છે. એક સમયે માત્ર ફોટો શેરિંગ એપ માટે ઓળખાતી ઇન્સ્ટાગ્રામ આ એપ સાથે વીડિયો ક્રિએશન અને એડિટિંગમાં પણ અલગ ઓળખ ઊભી કરી રહી છે. કન્ટેન્ટ ક્રિએટરની લગભગ બધી જરૂરિયાતો પૂરી કરતી એડિટ્સ એપમાં હમણાં નવાં ફીચર્સ ઉમેરાયાં છે. તમે ઇન્સ્ટાગ્રામ માટે વીડિયો ક્રિએટ કરતા હો તો આ ફીચર તરફ નજર નાખવા જેવી છે.

વીડિયો ક્લિપ્સ પર ધારો તેમ કામ કરો
આ ટૂલની મદદથી આપણે સારી એવી ચોકસાઈથી પોતાના વીડિયો પ્રોજેક્ટમાં ઉમેરેલી વીડિયો ક્લિપ્સની પોઝિશન બદલી શકીએ છીએ, તેને રોટેટ કરી શકીએ છીએ તથા તેનો સ્કેલ બદલી શકીએ છીએ.
આ બધું કામ આપણે વીડિયો પ્રોજેક્ટની ટાઇમલાઇન પર વીડિયોની ચોક્કસ મૂવમેન્ટ પકડીને બરાબર એ ક્ષણે તેમાં જોઇતો ફેરફાર કરી શકીએ છીએ. ઇન્સ્ટાગ્રામ કહે છે કે કીફ્રેમ્સની આ સુવિધા ટૂંક સમયમાં ટેકસ્ટ, સ્ટીકર્સ, ઓવરલેઝ તથા કટઆઉટ્સમાં પણ આવી જશે.

ટેક્સ્ટ હાઇલાઇટ કરવાના નવા રસ્તા
હવેના સમયમાં ડિઝાઇનિંગ કે વીડિયો ક્રિએશનની સગવડ આપતાં ટૂલ એકદમ એન્ક્યુઇટિવ હોય છે એટલે કે આપણે ખાસ કશી મથામણ વિના પોતાના પ્રોજેક્ટમાં ધારી અસર ઊભી કરી શકીએ છીએ. ઇન્સ્ટાગ્રામની એડિટ્સ એપમાં ટેકસ્ટને જુદી જુદી ઇફેક્ટ્સ આપવાની સગવડ તો પહેલેથી હતી, હવે તેમાં હજી ઉમેરો થયો છે. હવે ફિશઆઇ, આર્ક, ક્યૂબ કે અવનવા મરોડ જેવી ૩૦થી વધુ પ્રકારની ઇફેક્ટ આપણે પોતે એન્ટર કરેલી ટેકસ્ટને આપી શકીએ છીએ. આ રીતે આપણા વીડિયોમાં સ્ક્રીન પર દેખાતી ટેકસ્ટને વધુ હાઇલાઇટ કરી શકાશે.

વોઇસ ઓવરને પણ એડિટ કરો
અત્યાર સુધી ઇન્સ્ટાગ્રામની એડિટ્સ એપમાં આપણે ઉમેરેલા ઓડિયોને ક્લિનઅપ કરવાનાં ટૂલ્સ હતાં, પરંતુ એ ઘણાં મર્યાદિત હતાં. તેમાં મોટા ભાગે સ્ટાન્ડર્ડ વીડિયો ક્લિપ પર કામ થઈ શકતું હતું.
હવે આપણે વીડિયોમાં ઉમેરેલા વોઇસઓવરને પણ સુધારી શકીશું. એ કારણે કન્ટેન્ટ ક્રિએટરનું પોતાનું નેરેશન ધરાવતા વીડિયોમાં નેરેટિવ વોઇસઓવરને પણ જુદી જુદી રીતે એડિટ કરી શકાશે. ખાસ તો આ ટૂલની મદદથી આપણે પોતાના ઓડિયોમાં ધરાર આવી ગયેલા બેકગ્રાઉન્ડ નોઇસ દૂર કરી શકીશું.

આઇડિયા સાચવી લો સહેલાઈથી
અગાઉ વાત કરી હતી તેમ અને જો તમે એડિટ્સ એપનો ઉપયોગ શરૂ કર્યો હશે તો તમે જાણતા જ હશો કે એપમાં ‘આઇડિયાઝ’ ટેબમાં આપણે પોતાના નવા વીડિયો પ્રોજેક્ટ માટે ઉપયોગી થાય તેવું અલગ અલગ કન્ટેન્ટ ઉમેરી શકીએ છીએ. નવા અપડેટમાં તેમાં હજી ઉમેરો થયો છે. હવે આપણે આ ટેબમાં ઓડિયો ટ્રેક્સ સેવ કરી શકીશું, જેને પાછળથી વીડિયો પ્રોજેક્ટમાં ઉમેરી શકાશે. એ સાથે આ ટેબમાં સેવ કરેલા કન્ટેન્ટ પર સ્ટીકીનોટ્સ ઉમેરવાની સગવડ મળી છે. જેથી વીડિયો ક્રિએશન વખતે ધ્યાનમાં લેવા જેવી બાબતો આપણે અહીં ટપકાવી રાખી શકીએ.








