Get The App

કોડિંગ ટૂલમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ ?

Updated: May 18th, 2025

GS TEAM


Google News
Google News
કોડિંગ ટૂલમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ ? 1 - image


વિવિધ ઓનલાઇન સર્વિસ સ્કૂલ કે કોલેજના સ્ટુડન્ટ્સને પોતાનાં પ્રીમિયમ વર્ઝન બિલકુલ ફ્રી અથવા ભારે ડિસ્કાઉન્ટ સાથે ઓફર કરતી હોય છે. આવી સર્વિસિસમાં હવે વધુ એક નામ ઉમેરાયું છે ‘કર્સર’(https://www.cursor.com/), પરંતુ આપણને ન ગમે એવા એક ટ્વિસ્ટ સાથે.

કર્સર શું છે?

કર્સર એક કોડ એડિટર છે, જેને અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઇટી)ના ચાર વિદ્યાર્થીઓએ શરૂઆત કરી. ડેવલપર્સ તેની મદદથી વિવિધ પ્રકારના પ્રોગ્રામ માટે કોડ ડેવલપ કરી શકે છે. આજના સમય મુજબ કર્સર એઆઇ પાવર્ડ છે અને તેમાં જુદાં જુદાં એઆઇ ફીચર્સ ડાયરેક્ટ કોડિંગ પ્રોસેસમાં જ ઉમેરી દેવામાં આવ્યા છે. એની પોપ્યુલારિટી એટલી વધી કે ચેટજીપીટીની માલિક કંપની ઓપનએઆઇ પણ તેને ખરીદી લેવા માગતી હતી.

આમ જુઓ તો કર્સર એ એ માઇક્રોસોફ્ટ કંપનીએ ડેવલપ કરેલ ફ્રી, ઓપનસોર્સ અને પાવરફુલ કોડ એડિટર વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ (વીએસ કોડ)નો એક ‘ફોર્ક’ છે. જો તમે કમ્પ્યૂટર સાયન્સ કે એન્જિનીયરિંગના સ્ટુડન્ટ હો તો આ ‘ફોર્ક’ શબ્દ તમારે માટે અજાણ્યો નહીં હોય. સોફ્વટવેર ડેવલપમેન્ટમાં કોઈ એક સોફ્ટવેર (ખાસ કરીને ઓપનસોર્સ એટલે કે જે સૌને ઉપલબ્ધ હોય) પેકેજ મેળવીને તેમાં સ્વતંત્ર રીતે નવું ડેવલપમેન્ટ કરવાની પ્રક્રિયા ‘ફોર્ક’ તરીકે ઓળખાય છે.

કર્સર કોડ એડિટર માટે વીએસ કોડને ફોર્ક કરીને તેમાં એઆઇ ફીચર્સ ઉમેરવામાં આવ્યાં છે. તેમાં કોડ જનરેશન, સ્માર્ટ રીરાઇટ, ક્વેરી વગેરે પ્રક્રિયાઓ  એઆઇની મદદથી કરી શકાય છે. આ બધાં કામ માટે ડેવલપરે કોડ એડિટરની બહાર જઇને બીજા કોઈ એઆઇ ચેટબોટની મદદ લેવા જવું પડતું નથી. બધું કામ કર્સર કોડ એડિટરમાં જ થઈ જાય છે.

પ્રો વર્ઝન ફ્રી થયું ને ન થયું

કંપનીના કહેવા અનુસાર એઆઇ કોડિંગમાં જેનો ઉપયોગ થાય છે તે લાર્જ લેંગ્વેજ મોડેલ રન કરવાની પ્રક્રિયા બહુ ખર્ચાળ હોય છે. આથી તે ખર્ચને પહોંચી વળવા માટે કર્સર સર્વિસ  ઘણી મર્યાદાઓ સાથે ફ્રી અને ખાસ્સાં વધુ ફીચર સાથે પેઇડ પ્રો વર્ઝનમાં ઓફર કરવામાં આવે છે. પેઇડ વર્ઝન માટે મહિને ૨૦ ડોલર જેવી ફી ચૂકવવી પડે છે. પરંતુ કર્સરની ઉપયોગિતતા ધ્યાનમાં લઇને આ સર્વિસનું પ્રો વર્ઝન શરૂઆતમાં અમુક દેશોના અને થોડા સમયથી વિશ્વની તમામ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ માટે ફ્રી કરી દેવામાં આવ્યું છે. એ માટે સ્ટુડન્ટ્સે તેમની યુનિવર્સિટી તરફથી મળેલા સ્ટુડન્ટ ઇમેઇલ આઇડીની મદદથી લોગઇન કરવાનું રહે છે.

જોકે વાતમાં વળાંક હવે આવે છે. કર્સરનું પ્રો વર્ઝન ભારતની યુનિવર્સિટીઓના સ્ટુડન્ટ્સને પણ ફ્રી મળવા લાગ્યું હતું, પરંતુ પછી તેમાં ડખા ઊભા થયા. એવું માનવામાં આવે છે કે આ સુવિધાનો લાભ લઇને ભારતમાં બહુ મોટા પાયે લોકોએ બનાવટી ઇમેઇલ આઇડી ઊભા કરીને કે પોતે મેળવેલા ફ્રી વર્ઝનને ઓરિજિનલ કિંમત કરતાં ઓછી કિંમતે રિસેલ કરવાનો પ્રયાસ કરતાં કંપનીએ  ભારતીય વિદ્યાર્થીઓને ફ્રી વર્ઝન આપવાની સગવડ પર રોક લગાવવી પડી. આ લખાઈ રહ્યું છે ત્યારે ભારતમાંથી અમુક વિદ્યાર્થીઓ ફ્રી વર્ઝનનો લાભ લઈ શક્યા છે.  જ્યારે ઘણાને આ લાભ મળ્યો નથી. હવે જે સ્ટુડન્ટ્સને આ વર્ઝન મફતમાં મળ્યું છે તેમને ડર છે કે તેમનો લાભ પરત ખેંચાઈ જશે!

અન્ય કંપનીઓને પણ આવા અનુભવ

ભારતીય તરીકે આપણા સૌ માટે આ વાત શરમજનક કહી શકાય. કર્સર ઉપરાંત જુદા જુદા પ્રકારની સર્વિસ ઓફર કરતી કંપનીઓને ભારતમાંથી આ રીતે કડવા અનુભવ થતા રહે છે. સ્પોટિફાય, એમેઝોન, યુટ્યૂબ, નેટફ્લિક્સ વગેરે સર્વિસમાં મળતા ડિસ્કાઉન્ટનો કે ફ્રી સ્ટુડન્ટ સર્વિસનો પાસવર્ડ બીજા સાથે શેર કરીને કે અન્ય કોઈ રીતે ગેરલાભ લેવાતો હોવાનું અવારનવાર બહાર અવ્યું છે.

આ અગાઉ ગૂગલને જરા જુદી રીતે ભારતનો પરચો મળ્યો હતો. કંપનીએ ગૂગલ મેસેજિસ સર્વિસમાં વોટ્સએપ કરતાં ખાસ્સા ઓછા ભાવે બિઝનેસ મેસેજિંગની સર્વિસ ઓફર કરી હતી ત્યારે ભારતની મોટી બેંક્સ અને અન્ય જાણીતી કંપનીઓએ તેમાં સ્પામ મેસેજિસનો એવો મારો કર્યો હતો કે ગૂગલ એ સર્વિસ ફક્ત ભારત માટે સ્થગિત કરી દેવી પડી હતી.

અત્યારે કર્સરના ફ્રી એકાઉન્ટ મુદ્દે પણ વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા અને રેડિટ જેવા પ્લેટફોર્મ પર આ જ હૈયાવરાળ ઠાલવી રહ્યા છે - થોડા લોકો સારી સર્વિસમાં મળતા લાભનો દુરુપયોગ કરે અને એ કારણે અનેક જેન્યુઇન લોકો એ લાભથી વંચિત રહી જાય છે!

Tags :