મેપમાયઇન્ડિયાની મેપલ્સ એપમાં ડિજિપિનનો ઉપયોગ થઈ શકશે
હજી હમણાં આપણે ટેકનોવર્લ્ડમાં ઇન્ડિયા પોસ્ટ તરફથી લોન્ચ થયેલી ડિજિપિન વ્યવસ્થા વિશે વિગતવાર વાત કરી હતી. આ વ્યવસ્થામાં સમગ્ર ભારતના તમામ
વિસ્તારોને લગભગ ચાર બાય ચાર મીટર એટલે કે એક નાની કાર પાર્ક થઈ શકે એટલા
વિસ્તારના ખાનાઓમાં વહેંચી નાખવામાં આવ્યા છે અને આ દરેક ખાનાને ૧૦ આલ્ફાન્યૂમરિક
કોડ (એટલે લેટર્સ અને ડિજિટ્સ)થી બનેલું એક કાયમી સરનામું આપવામાં આવ્યું છે. આ
વ્યવસ્થાને કારણે આપણે સમગ્ર દેશની કોઈ પણ જગ્યાનું ડિજિટલ એડ્રેસ જાણી શકીએ છીએ.
હવે સમાચાર છે કે ભારતમાં ગૂગલની મેપ્સ એપમાં મજબૂત હરીફ તરીકે ઊભરી રહેલી મેપમાયઇન્ડિયા કંપનીએ ઇન્ડિયા પોસ્ટની
ડિજિપિન સિસ્ટમને પોતાની મેપલ્સ એપમાં ઉમેરી દીધી છે. ડિજિટલ મેપ્સમાં િડજિપિનને
સાંકળનારું આ પહેલું પ્લેટફોર્મ બન્યું છે.
આ કારણે હવે આપણે ઇન્ડિયાપોસ્ટના પોર્ટલ ઉપરાંત મેપલ્સ એપમાંથી પણ કોઈ પણ
જગ્યા માટે ડિજિપિન ક્રિએટ કરી શકીશું કે કોઈ પણ જગ્યાનો ડિજિપિન જોઈ શકીશું.
ઇન્ડિયા પોસ્ટ ડિપાર્ટમેન્ટે પણ પોતાના પોર્ટલમાં મેપ માય ઇન્ડિયાની સર્વિસ સાંકળી
લીધી છે.
જે રીતે ગૂગલ મેપ્સ એપમાં પ્લેસમાર્કનો ઉપયોગ થાય છે તેમ મેપલ્સ એપમાં મેપલ્સ પિનનો ઉપયોગ થાય છે. તેમાં જે તે
જગ્યાનું નામ અને તેને સંબંધિત વધુ માહિતી જોઈ શકાય છે. આ મેપલ્સ પિનમાં હવે જે તે
લોકેશનનો ડિજિપન પણ જોઈ શકાશે.
ભારતમાં ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક્સ, ઇમર્જન્સી સર્વિસ વગેરે માટે મેપલ્સ એપનો ખાસ્સો ઉપયોગ થાય છે. તેમાં ડિજિપિન
સર્વિસ ઉમેરાવાથી લાસ્ટ માઇલ કનેક્ટિવિટીમાં ઘણી સુવિધા ઊભી થશે.
મેપમાયઇન્ડિયા કંપનીની મેપલ્સ એપ ભારતની સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ નાવિક પર આધારિત છે.