Science & Technology

મોબાઈલના પોસ્ટપેઇડ/પ્રીપેઈડ પ્લાનમાં કન્વર્ટ થવું હવે સહેલું બનશે

By GS TEAM
18 Jun 20252 mins read
મોબાઈલના પોસ્ટપેઇડ/પ્રીપેઈડ પ્લાનમાં કન્વર્ટ થવું હવે સહેલું બનશે

આમ તો આપણને સૌને પોતપોતાના મોબાઇલ ફોનમાં પ્રીપેઇડ કે પોસ્ટપેઇડ બંનેમાંથી કોઈ એક પ્રકારના કનેકશનનો ઉપયોગ કરવાની આદત પડી ગઈ હોય છે, છતાં, કોઈને કોઈ સમયે આપણે એક પ્રકારમાંથી બીજા પ્રકારના કનેકશનમાં સ્વિચ કરવાની લાલચ રોકી શકતા નથી. જો આપણે પ્રીપેઇડ મોબાઇલ કનેકશન ધરાવતા હોઇએ તો ક્યારેક તેમાં નિયમિત રીતે રિચાર્જ કરવાની વાત ઝંઝટભરી લાગે. અથવા ક્યારેક એવું લાગે કે પ્રીપેઇડ કનેકશન પોસ્ટપેઇડ કનેકશનની સરખામણીમાં મોંઘું પડે છે. એવી જ રીતે પોસ્ટપેઇડમાંથી પ્રીપેઇડમાં સ્વિચ થવાનાં કારણો આપણને મળી જ રહે છે.

અત્યાર સુધી આ રીતે એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં સ્વિચ થવાની પ્રક્રિયા થોડી કડાકૂટભરી હતી. હવે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યૂનિકેશન (ડીઓટી)ના આદેશ મુજબ આખી પ્રક્રિયા વધુ સરળ બનશે. આ આદેશ મુજબ હવે કંપનીઓ આપણને વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી)નો ઉપયોગ કરીને પ્રીપેઇડ/પોસ્ટપેઇડમાંથી બીજા પ્રકારના કનેકશનમાં સ્વિચ થવાની સગવડ આપશે.

આ સરળતા ઉપરાંત બીજો પણ એક મહત્ત્વનો ફેરફાર થઈ રહ્યો છે. અત્યાર સુધી આપણે એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં સ્વિચ કરીએ એ પછી ૯૦ દિવસ સુધી પોતાનો નિર્ણય ફેરવી શકતા નહોતા. એટલે કે પ્રીપેઇડમાંથી પોસ્ટપેઇડ કનેકશન લઇએ તો પછી કમ સે કમ ૯૦ દિવસ સુધી આપણે પોસ્ટપેઇડ કનેકશનનો ઉપયોગ કરતા રહેવું પડે. નવા નિર્ણય અનુસાર પહેલી વારના રિકન્વર્ઝન માટે ફક્ત ૩૦ દિવસ સુધી રાહ જોવી પડશે. જોકે એ પછી ફક્ત ઓટીપીનો ઉપયોગ કરીને આપણે ફરીથી પોતાના કનેકશનનો પ્રકાર બદલવો હોય તો ૯૦ દિવસના લોકઇન પીરિયડનો નિયમ લાગુ થશે. આનો અર્થ એ થયો કે આપણે પહેલેથી પ્રીપેઇડ કે પોસ્ટપેઇડ કનેકશન ધરાવતા હોઇએ અને પહેલી વાર બીજા પ્રકારમાં જઇએ તો એ પછી ફક્ત ૩૦ દિવસમાં રિકન્વર્ટ કરી શકીશું. પરંતુ એ પછી પાછો વિચાર બદલાય તો આપણે ૯૦ દિવસ સુધી રાહ જોવી પડશે. આ નિયમ માત્ર ઓટીપી આધારિત કન્વર્ઝનને લાગુ પડશે. લોકઇન પીરિયડમાં આપણે જે તે કંપનીના સ્ટોર પર રૂબરૂ જઇને કેવાયસી પ્રોસેસ પૂરી કરીને પોતાના કનેકશનનો પ્રકાર ફેરવી શકીશું.