- માનવજાત માટેનું અંતરિક્ષ આશ્ચર્ય પૃથ્વી નજીક આવી રહ્યું છે
- ધૂમકેતુની પૂંછડી લીલા - ભૂરા રંગની છે : આજથી 1,70,000 વર્ષ પહેલાં પૃથ્વી પર હીમ યુગ હતો : માનવી ગુફામાં રહેતો હતો
(પ્રતિનિધિ દ્વારા)વોશિંગ્ટન/ મુંબઇ : સમગ્ર માનવજાત ભાગ્યે જ અનુભવી શકે અને માણી શકે તેવું અંતરિક્ષનું અનોખું આશ્ચર્ય પૃથ્વી નજીક આવી રહ્યું છે. બ્રહ્માંડના આ અદભુત આશ્ચર્યનું નામ છે : સી/ ૨૦૨૫ આર ૩ (પાનસ્ટાર્સ): સંજ્ઞા ધરાવતો ધૂમકેતુ. માનવજાત માટે આ વિશિષ્ટ ધૂમકેતુનું મહા આશ્ચર્ય એ છે કે આ આકાશીપીંડ ૧,૭૦,૦૦૦ વર્ષ બાદ પૃથ્વી નજીક આવી રહ્યો છે.
બીજા શબ્દોમાં કહીએ તો માનવજાતને ભાગ્યેજ જોવા મળે તેવો રંગીન ધૂમકેતુ સી/૨૦૨૫ આર ૩ (પાનસ્ટાર્સ) હવે ફરીથી પૃથ્વી નજીક ૧,૭૦,૦૦૦ વર્ષ બાદ આવશે.
અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનસ્ટ્રેશન(નાસા)નાં સૂત્રોએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું છે કે સી/ ૨૦૨૫ આર ૩ (પાનસ્ટાર્સ) ધૂમકેતુ હાલ સૂર્યમંડળના અંદરના વર્તુળમાં પ્રવાસ કરી રહ્યો છે. સી/૨૦૨૫ આર ૩ (પાનસ્ટાર્સ) ની શોધ ૨૦૨૫ની ૮, સપ્ટેમ્બરે હવાઇ ટાપુ પરના પાન -સ્ટાર્સ - ૨ ટેલિસ્કોપ દ્વારા થઇ છે. ખરેખર તો આ ધૂમકેતુ પ્લુટો અને કુઇપર બેલ્ટથી પણ આગળના વિસ્તારમાં આવેલા ઉર્ટ ક્લાઉડ નામના વિસ્તારમાંથી આવ્યો છે. ઉર્ટ ક્લાઉડ બ્રહ્માંડના તમામ ધૂમકેતુનું જન્મ સ્થાન છે. બધા ધૂમકેતુ ઉર્ટ ક્લાઉડમાંથી બહાર આવીને સૂર્યની પ્રદક્ષિણા કરતા રહે છે.
સી/૨૦૨૫ આર ૩ ધૂમકેતુ ૨૦૨૬ની ૨૦, એપ્રિલે સૂર્યથી સૌથી નજીકના અંતરે હતો. હવે આ ધૂમકેતુ ૨૦૨૬ની૨૭, એપ્રિલે પૃથ્વીના સૌથી નજીકના એટલે કે ૭૦, ૮૦૦, ૦૦૦ કિલોમીટરના અંતરે હશે. સાથોસાથ ધૂમકેતુ આટલા અંતરે સૌથી ઝળહળતો પણ હશે. આ તબક્કે ધૂમકેતુ પૃથ્વી અને સૂર્ય બંને વચ્ચેથી પ્રવાસ કરતો હશે એટલે તેની અતિ લાંબી પૂંછડી પર સૂર્યનાં તેજસ્વી કિરણો પડશે એટલે તે ચમકતો દેખાશે.આ ધૂમકેતુ પૂર્વ દિશામાં બ્રાહ્મ મુહૂર્તમાં ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાશે.
સી/૨૦૨૫ આર૩ (પાનસ્ટાર્સ) ધૂમકતુનો રંગ લીલો - ભૂરો છે. ધૂમકેતુની ટેઇલ(પૂંછડી) અતિ અતિ લાંબી અને સાંકડી છે , જે અફાટ અંતરિક્ષમાં લગભગ ૧૦ લાખ કિલોમીટર જેટલી હોવાનો અંદાજ છે.
નિષ્ણાત ખગોળશાસ્ત્રીઓના સંશોધનાત્મક અભ્યાસ મુજબ આજથી ૧,૭૦,૦૦૦ વર્ષ અગાઉ પૃથ્વી પર માનવજાત વિકાસના તબક્કામાંથી પસાર થઇ રહી હતી. એ તબક્કે પૃથ્વી પર હીમ યુગ હોવાથી હવામાન ભારે તોફાની હતું. માનવી પોતાના આહાર માટે શિકાર કરતો અને રક્ષણ માટે વિશાળ ગુફામાં રહેતો હોવાના પુરાવા મળે છે.


