હજી હમણાં આપણે ટેકનોવર્લ્ડમાં વાત કરી હતી કે ભારત અને સમગ્ર વિશ્વ પર ગંભીર સાયબર સંકટ તોળાઈ રહ્યું
છે. અમેરિકાની એન્થ્રોપિક નામની એક કંપનીએ ક્લોડ માયથોસ નામે એઆઇ મોડેલ ડેવલપ કર્યું છે, જે વિવિધ પ્રકારના સોફ્ટવેરની
ખામી બહુ ઝડપથી શોધી શકે છે. આમ જુઓ તો આ સારી શોધ ગણાય, પરંતુ એ ખોટા હાથમાં પહોંચે તો તેનાથી ગંભીર નુકસાન પહોંચી શકે છે.
કોઈ પણ પ્રકારની ઓનલાઇન સિસ્ટમમાં કોઈને કોઈ પ્રકારની ખામી હોય જ છે, એ કોઈના ધ્યાનમાં ન આવે ત્યાં સુધી જ એ સિસ્ટમ સલામત રહે છે. સિસ્ટમના
ડેવલપર્સના ધ્યાનમાં એ ખામી આવી જાય અને તેઓ તેને સુધારી લે તો સિસ્ટમ વધુ મજબૂત
બને, પરંતુ હેકર્સ આ ખામી પહેલાં
જાણી લે તો તેઓ તેનો પૂરેપૂરો દુરુપયોગ કરી શકે.
ક્લાઉડ માયથોસ આવી ખામી અસાધારણ ઝડપે શોધી શકે છે. તેનો દુરુપયોગ થવાની
સંભાવના હોવાથી કંપનીએ બહુ મર્યાદિત પ્રમાણમાં, ક્લોડ માયથોસ પ્રીવ્યૂ નામે,લગભગ ૫૦ જેટલી સહયોગી કંપનીઓને તેનો ઉપયોગ કરવાની સવલત આપી છે.
હમણાં કંપનીએ જાહેર કર્યું કે આ મોડેલનો ઉપયોગ કરીને પહેલા જ મહિનામાં વિવિધ
પ્રકારના મહત્ત્વના સોફ્ટવેરમાં દસ હજાર પ્રકારની ગંભીર કે અતિ ગંભીર કહી શકાય
તેવી ખામીઓ શોધી શકાઈ છે. અત્યારે સમગ્ર ઇન્ટરનેટની અનેક વેબસાઇટ્સના સલામતી કવચ
તરીકે કામ કરતા ક્લાઉડફ્લેર સોફ્ટવેર, મોઝિલા, યુકેની એઆઇ સિક્યોરિટી ઇન્સ્ટિટ્યૂટ વગેરે ક્લાઉડ માયથોસની મદદથી પોતપોતાની
સિસ્ટમમાં રહેલી ખામીઓ શોધી રહી છે. લગભગ તમામ કંપની કબૂલી રહી છે કે ક્લોડ
માયથોસને કારણે તેમની સિસ્ટમમાંની ગંભીર ખામીઓ હવે તેમની નજરમાં આવી રહી છે.
અત્યારે તો ક્લાઉડ માયથોસની મદદથી ખામી શોધીને તેને સુધારી લેવામાં આવી રહી છે.
પરંતુ મોટા ભાગની ઇન્ટરનેટ સર્વિસમાં બને છે તેમ હેકર્સ આ ક્લાઉડ માયથોસ સુધી
પહોંચી જશે તો ઇન્ટરનેટની દુનિયામાં હાહાકાર મચી જવાની પૂરી સંભાવના છે.


