સ્માર્ટફોન બનાવતી આ ચાઈનીઝ કંપની લાવી રહી છે EV કાર, શાનદાર લૂક અને ફીચર્સ આવ્યા સામે
નવી મુંબઇ,તા. 28 ડિસેમ્બર 2023,ગુરુવાર
ભારત સહિત દુનિયાભરમાં ચાઈનીઝ પ્રોડક્ટોની બોલબાલા છે. ચાઈનીઝ કંપનીઓ પણ ઈનોવેશન, એન્ટિક લુક અને કોસ્ટ પર નોંધપાત્ર ધ્યાન આપે છે. દુનિયાની માંગ હવે ઈલેક્ટ્રિક વ્હિકલ છે તેથી ચીનની કંપનીઓ હવે આ તરફ હરણફાળ ભરી રહી છે. ચાઈનીઝ કંપની BYD ડિસેમ્બર મહિનામાં એલન મસ્કની ટેસ્લાને ધોબી પછાડ આપીને વિશ્વની વધુ ઈવી કાર વેચતી કંપની બનવા જઈ રહી છે ત્યારે હવે વધુ એક ચાઈનીઝ કંપની ઈલેટ્રિક વ્હિકલ સેગમેન્ટ ક્ષેત્રે પ્રવેશવા જઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે, આ કંપની પાસે સ્માર્ટફોન બનાવવામાં મહારથ હાંસલ છે પરંતુ હવે ટેક્નો ગેજેટ્સ અને સ્માર્ટફોનની સાથે ઈવી ક્ષેત્રે પણ ઝંપલાવશે અને આ ચાઈનીઝ કંપનીનું નામ છે શાઓમી.
દિગ્ગજ સ્માર્ટફોન નિર્માતા Xiaomiએ આજે તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર SU7નું અનાવરણ કર્યું છે. કંપનીએ Xiaomi SU7નો સત્તાવાર ફોટો બહાર પાડ્યો છે. Xiaomiએ તેની પ્રથમ EVની મહત્વપૂર્ણ વિગતો પણ જાહેર કરી છે. જોકે આ કાર અન્ય ઇલેક્ટ્રિક કારથી કેવી રીતે અલગ હશે તેની પણ કંપનીએ માહિતી આપી છે.
Xiaomi SU7ની ડિઝાઇન અને ફીચર્સ –
Xiaomi SU7 ચાર દરવાજાવાળી ઇલેક્ટ્રિક સેડાન કાર છે. તેની લંબાઈ 4997 mm, પહોળાઈ 1963 mm અને ઊંચાઈ 1455 mm છે. નવીનતમ ઇલેક્ટ્રિક કાર 3,000 mmના વ્હીલબેઝ સાથે આવશે. Xiaomi SU7નો લુક પોર્શેની ટેક્ક્ન સમકક્ષ જ છે. તેના વ્હીલબેઝની વાત કરીએ તો તેમાં એક્વા બ્લુ એક્સટીરીયર કલર થીમ સાથે સ્પોર્ટી એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે.
ફુલ ચાર્જમાં કેટલી ચાલશે કાર ?
EV ઉત્પાદક શાઓમીના જણાવ્યા અનુસાર SU7 સિંગલ ફુલ ચાર્જ પર 800 કિલોમીટર સુધીની રેન્જ ઓફર કરશે. કંપનીના જણાવ્યા અનુસાર 2025માં V8 વેરિઅન્ટ પણ જોવા મળશે, જે 1200 કિમીની રેન્જ સાથે મોટા 150 kWh બેટરી પેક સાથે આવશે. તેના એન્ટ્રી લેવલ વેરિઅન્ટ Xiaomi SU7માં 73.6 kWhની બેટરી પેક છે અને ટોપ વેરિઅન્ટમાં 101 kWhની બેટરી પેક હશે. ખાસ વાત એ છે કે Xiaomi કંપનીએ પોતાની CTB (સેલ-ટુ-બોડી) ટેક્નોલોજી વિકસાવી છે.
Porsche અને Tesla Model Sને આપશે ટક્કર :
Xiaomi SU7 and Xiaomi SU7 Max.#Xiaomi #XiaomiSU7 #XiaomiSU7Max pic.twitter.com/AUZ7Hp6HSJ
— Mukul Sharma (@stufflistings) December 28, 2023
Xiaomiના ચેરમેન અને CEO લેઈના જણાવ્યા અનુસાર Xiaomi SU7નો હેતુ બજારમાં સ્પર્ધાનો નથી પરંતુ SU7 EV તેના લુક અને પરફોર્મન્સના સંદર્ભમાં ટેસ્લા મોડલ એસને ટક્કર આપવા માટે તૈયાર છે. Xiaomiની આ કારનું ઉત્પાદન કાર ઉત્પાદક BAIC ગ્રુપની માલિકીના એક બેઈજિંગ એકમમાં કરવામાં આવશે. આ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 2 લાખ વાહનોની છે.
જોકે સૌથી મહત્વની માહિતી એટલેકે કિંમત અને લોન્ચિંગ ડેટ અંગેના સવાલ પર જઈએ તો હાલમાં કંપનીએ માત્ર પ્રથમ SU7 ઇલેક્ટ્રિક કારના ફિચર્સ અને લુક જ અનવિલ કર્યા છે. તેની કિંમત અને લોન્ચિંગની વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. જોકે 2024ના મધ્યમાં જ તેના લોન્ચિંગની સંભાવના છે.