Check These Before Buying Secondhand Mobile : નવા સ્માર્ટફોન દરેકને જોઈતા હોય છે, પરંતુ દર વખતે નવો ખરીદવામાં આવે તો એ માટે બેન્ક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. આથી આ માટે ઘણા યુઝર્સ સેકન્ડહેન્ડ મોબાઇલ ખરીદે છે. આ માટે હવે રિફર્બિશ્ડ સ્માર્ટફોનનું માર્કેટ પણ ખૂબ જ જોરશોરમાં વધી રહ્યું છે. આથી યુઝર દ્વારા હવે રિફર્બિશ્ડ ફોન ખરીદવામાં આવે છે. જોકે આ મોબાઇલ પણ થોડા મોંઘા હોય છે. આથી એના કરતાં પણ સસ્તા મોબાઇલ ખરીદવા માટે સામાન્ય દુકાનમાંથી અથવા તો અન્ય વ્યક્તિ પાસેથી સીધું ખરીદવાનું પસંદ કરે છે. જોકે આ ખરીદી કરતી વખતે જો એક ભૂલ પર ધ્યાન આપવામાં ન આવ્યું તો થઈ શકે છે જેલની સજા. આ સાથે અન્ય બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. સેકન્ડહેન્ડ ખરીદવા માટે કઈ કઈ બાબતો પર ધ્યાન રાખવું એ વિશે જોઈએ.
ફોનની ઓળખ કરવી જરૂરી
સૌથી પહેલાં તો મોબાઇલની બિલ જોવું. જો બિલ ન હોય તો એ વ્યક્તિ પાસે કેવી રીતે મોબાઇલ આવ્યો અને એ કેમ વેચવા માગે છે એ જોવું. આ વિશે પણ જો કોઈ માહિતી ન મળે તો યુઝરે એનો IMEI નંબર ચેક કરવો. દરેક મોબાઇલનો IMEI અલગ હોય છે. આથી યુઝરે https://ceir.sancharsaathi.gov.in/Device/CeirImeiVerification.jsp પર જઈને IMEI નંબર વિશે માહિતી મેળવવી. આ માહિતી દ્વારા ખબર પડશે કે મોબાઇલ ચોરી કરવામાં આવ્યો છે કે નહીં. એ ખોવાઈ ગયો છે કે નહીં. આ માહિતી ચેક કર્યા બાદ મોબાઇલ ખરીદવો. જો મોબાઇલ ચોરીનો હશે તો યુઝરે એ ખરીદ્યા બાદ એને ચાલુ કર્યો કે તરત પોલીસને ખબર પડશે. ત્યાર બાદ પોલીસ ઘરે આવી જશે અને આ મોબાઇલને કલેક્ટ કરવાની સાથે ખરીદનારને પણ અરેસ્ટ કરી શકે છે.
સરકાર અને ટેલિકોમ રેગ્યુલેટરની ગાઇડલાઇન્સ અનુસાર મોબાઇલને નેટવર્કથી બ્લોક કરી શકાય છે. જો યુઝર દ્વારા આ IMEI ચેક કર્યા વગર ખરીદવામાં આવ્યો તો બની શકે કે સમય જતાં એના નેટવર્ક બ્લોક થઈ જાય. આથી યુઝરના પૈસાનું પાણી થઈ જશે કારણ કે એક વાર નેટવર્ક બ્લોક થયા બાદ એ ફક્ત રમકડું બની જશે.
ફિઝિકલ કન્ડીશન પર ધ્યાન આપવું
IMEI ચેક કર્યા બાદ સીધું ફોનની ફિઝિકલ કન્ડીશન પર ધ્યાન આપવું. સ્ક્રીન પર નાના-મોટા સ્ક્રેચ સામાન્ય બાબત છે. જોકે ડિસ્પ્લેમાં શેડો દેખાવો, લાઇન હોવી, ટચ સ્ક્રીન બરાબર ન ચાલવી તેમજ કલર દેખાઈ રહ્યો હોય તો એ ફોન લેવાથી દૂર રહેવું. એક લાઇન હોવી પણ સ્ક્રીન ડેમેજમાં આવે છે અને ભવિષ્યમાં સ્ક્રીનનો ખર્ચ આવવો એ ફિક્સ છે. આથી એ મોબાઇલ લેવાનું ટાળવું. મોબાઇલની બોડી પર ડેન્ટ હોવો તેમજ ફ્રેમ પર નુકસાન હોવું એ દેખાડે છે કે ફોન પડ્યો છે. કેમેરા લેન્સ, સ્પીકર અને ચાર્જિંગ પોઇન્ટને પણ ધ્યાનથી જોવું જરૂરી છે. એનાથી ખબર પડે છે કે મોબાઇલનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો છે.
બેટરીની હેલ્થ ચેક કરવી
આજના જમાનામાં બેટરી હેલ્થ સૌથી મોટી બાબત છે. સેકન્ડહેન્ડ મોબાઇલમાં બધું બરાબર હોય તો પણ બેટરી સૌથી પહેલાં ખરાબ થાય છે. આથી મોબાઈલની બેટરી હેલ્થ કેટલી છે અને એની કેટલી સાઇકલ પૂરી થઈ ચૂકી છે એ ચેક કરવું જરૂરી છે. બેટરી જલદી પૂરી થઈ રહી છે, મોબાઇલ ગરમ થઈ રહ્યો છે અને ધીમે ચાલે છે તો સમજવું કે બેટરીનો ખર્ચો આવી રહ્યો છે. આથી મોબાઇલને ખરીદવા પહેલાં એક દિવસ સારી રીતે ચેક કરવું અને જો યોગ્ય ન લાગે તો ફરી પૈસા મળી શકે એની વાત પહેલીથી કરવી.
હાર્ડવેરની સાથે સોફ્ટવેર પણ જરૂરી છે. એન્ડ્રોઇડ હોય કે એપલ બન્ને મોબાઇલમાં કોઈ પણ એકાઉન્ટ પહેલેથી લોગ ઇન ન હોય એ ચેક કરી લેવું. જો હોય તો એને પહેલાં રીમૂવ કરવા કહેવું. તેમજ લોસ્ટ મોડમાં નથીને એ ચેક કરી લેવું. ફેક્ટરી રીસેટ બાદ પણ જો ઈમેલ માગે તો સમજવું કે ફોન હજી પણ જૂના એકાઉન્ટ સાથે લિંક છે અથવા તો લોસ્ટ મોડમાં છે. આથી ભવિષ્યમાં એ પણ બંધ થઈ શકે છે. તેમજ એને સિક્યોરિટી અપડેટ આગામી થોડા વર્ષ સુધી ચાલશે કે નહીં કારણ કે જો અપડેટ ન આવવાની હોય તો એ સિક્યોરિટીને લઈને ખાસ નથી. આથી એવા મોબાઇલ ખરીદવાનું ટાળવું.
રિફર્બિશ્ડની વ્યાખ્યા દરેક માટે અલગ
કંપની દ્વારા જ્યારે રિફર્બિશ્ડ મોબાઇલ વેચવામાં આવે અથવા તો મોટી-મોટી ઇ-કોમર્સ દ્વારા આ પ્રકારના મોબાઇલ વેચવામાં આવે ત્યારે એનો અર્થ હોય છે કે એમાં જે ખરાબ પાર્ટ્સ હોય એને બદલીને મોબાઇલને નવો બનાવવામાં આવ્યો છે. તેમજ આ કંપનીઓ દ્વારા વોરન્ટી પણ આપવામાં આવે છે. જોકે સામાન્ય દુકાનદાર જ્યારે રિફર્બિશ્ડ કહીને મોબાઇલ આપવામાં આવે છે ત્યારે એને ફક્ત સાફ-સફાઈ કરીને આપવામાં આવ્યો હોય છે. તેમજ એની સાથે કોઈ વોરન્ટી નથી આવતી. આથી યુઝરે જ્યારે આ પ્રકારનો મોબાઇલ ખરીદવો હોય ત્યારે એનું ખાસ ધ્યાન રાખવું.
આ પ્રકારના મોબાઇલમાં હાર્ડવેર સૌથી પહેલાં ચેક કરવા. સ્ક્રેચ ન હોય, ડેન્ટ ન હોય, ફિઝિકલ કન્ડીશન સારી હોય તો પણ બની શકે કે હાર્ડવેરમાં સમસ્યા હોય શકે છે. આથી બ્લૂટૂથ, માઇક્રોફોન, સ્પીકર, વાઇ-ફાઇ અને જીપીએસની સાથે ફેસ આઈડી સેન્સર અથવા તો ફિંગરપ્રિન્ટ સેન્સર પણ ચેક કરવું. આ સાથે જ કોલ કરીને પણ ચેક કરવું કે નેટવર્ક ઇશ્યુ તો નથીને.
આ પણ વાંચો: વોટ્સએપમાં ઘોસ્ટ પેરિંગ સ્કેમ: ચેટ્સ અને ડેટા જોખમમાં, OTP વગર હેકિંગનો નવો ખતરો
કિંમતને લઈને ખાસ ધ્યાન આપવું
મોબાઇલની કિંમતને લઈને ખાસ ધ્યાન આપવું. સેકન્ડહેન્ડ મોબાઇલની કિંમત ઓછી સાંભળી એને તરત જ ખરીદી નહીં લેવો. ઓછી કિંમત હોવાથી એને તરત ખરીદી લેવાની ભૂલ નહીં કરવી. મોબાઇલ સસ્તો હોવાથી એ શંકાસ્પદ હોઈ શકે છે. બને ત્યાં સુધી બિલ વાળો સેકન્ડહેન્ડ ફોન ખરીદવાનો આગ્રહ રાખવો. આ મોબાઇલ જાણીતી અથવા તો વિશ્વાસપાત્ર કંપની પાસેથી ખરીદવો. બને ત્યાં સુધી મોબાઇલને કેશમાં ખરીદવાનો આગ્રહ ન રાખવો. બને ત્યાં સુધી બેન્ક ટ્રાન્સફર કરવો જેથી ખરીદીનું એક પ્રૂફ રહી શકે.


