ChatGPT સૌથી લોકપ્રિય AI ટુલ, દર મહિને 4.7 અબજ લોકો કરે છે ઉપયોગ, કેન્વા પણ પ્રચલિત
ChatGPT is the Most Used AI Tool: ઈલોન મસ્કની કંપની દ્વારા બનાવવામાં આવેલું એઆઈ ટુલ ગ્રોક હાલમાં ચારે તરફ ચર્ચામાં છે. તેના દ્વારા આપવામાં આવતા વર્ણનો અને તેના એનાલિસિસ કેટલાકને પસંદ પડી રહ્યા છે તો ક્યાંક મોટાપાયે વિવાદ ઊભો થઈ રહ્યો છે. આ તમામ વિરોધ અને વિવાદ વચ્ચે દુનિયાના એવા એઆઈ ટુલ ઉપર નજર કરીએ જેને દુનિયાભરના લોકો પસંદ કરી રહ્યા છે.
ChatGPT સૌથી વધુ ઉપયોગમાં લેવાતું AI ટુલ
ચેટિંગ માટે, સર્ચિંગ માટે, રાઈટિંગ માટે, ગ્રામર માટે, ફોટો એડિટિંગ, વીડિયો એડિટિંગ અને બીજા ઘણા કામ માટે એઆઈ ટુલ્સનો ઉપયોગ થઈ રહ્યો છે. આ તમામ એઆઈ ટુલ્સમાં સૌથી વધારે કયા માધ્યમો જાણીતા છે તે જાણવું રસપ્રદ છે.
થોડા સમય પહેલાં જ એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં જણાવાયું હતું કે, ઓપન એઆઈ ચેટજીપીટી દુનિયામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતું એઆઈ ટુલ્સ છે.
ચેટજીપીટીની લોકપ્રિયતા આજે પણ અકબંધ
એક તરફ મસ્કનું ગ્રોક વિવાદમાં છે અને ચીનનું ડીપસિક પોતાની લોકપ્રિયતામાં વધારો કરી રહ્યું છે ત્યારે ચેટજીપીટીની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે. તેમાં થોડો ઘટાડો થયો છે છતાં દુનિયાના બીજા એઆઈ ટુલ્સ ચેટજીપીટીની નજીક પણ પહોંચી શકે તેમ નથી. દુનિયામાં 4.7 અબજ લોકો દર મહિને ચેટજીપીટીનો ઉપયોગ કરે છે. આટલી મોટી સંખ્યામાં બીજા કોઈ એઆઈ ટુલનો ઉપયોગ થતો નથી. તાજેતરમાં જ જાહેર થયેલા જાન્યુઆરીના આંકડા દર્શાવે છે કે, 1 અબજ વપરાશકર્તાના આંકડાને પણ બીજા કોઈ એઆઈ ટુલ પાર કરી શકતા નથી.
ફોટો એડિટિંગ માટે દુનિયાભરમાં કેનવાનું વળગણ
ચેટજીપીટીને બાદ કરતા લોકોને ફોટો એડિટિંગ અને ગ્રાફિક્સના કામ માટે કેનવા ઉપર સૌથી વધારે વિશ્વાસ આવે છે. દુનિયાભરના 88.7 કરોડ લોકો દ્વારા જાન્યુઆરીમાં કેનવાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડિઝાઈનિંગ અને ફોટો એડિટિંગ સેગમેન્ટમાં કેનવા હાલમાં સૌથી વધારે ચલણમાં છે. ઓપન એઆઈમાં કેનવા બીજા ક્રમે આવતું સૌથી જાણીતું ટુલ છે.
ત્યારબાદ ગુગલ ટ્રાન્સલેટનો વારો આવે છે. ગુગલનું આ ટ્રાન્સલેશન ટુલ 59.5 કરોડ લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. તેની વેબસાઈટ ઉપર જનારા લોકોનું પ્રમાણ પણ વધારે છે.
એઆઈ ટુલની વાત આવે તો ચીનનું ડીપસીક પણ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. હાલમાં વૈશ્વિક એઆઈ ટુલમાં તે ચોથા ક્રમે છે. તેના ઉપર સતત ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. હાલમાં 26.8 કરોડ લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે.
જાણકારોના મતે ડીપસિકની જાહેરાત થઈ ત્યારથી અત્યાર સુધીમાં તેના ઉપયોગમાં 20.36 ટકાનો વધારો થયો છે. કેરેક્ટર ડોટ એઆઈ ચેટ સેગમેન્ટમાં ચલણમાં છે. વૈશ્વિક કક્ષાએ 22.6 કરોડ યુઝર્સ સાથે તે પાંચમા નંબરે રહ્યું હતું.
આ એઆઈ ટુલ્સ ખૂબ જ ચલણમાં
લોકો દ્વારા વૈશ્વિક ધોરણે ચેટજીપીટીનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેને વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ પણ કહી શકાય છે. તેને ટેક્સ્ટ દ્વારા આદેશ આપી શકાય છે. તેની પાસેથી સવાલનો જવાબો, ઈમેલનું કન્ટેન્ટ, અન્ય કન્ટેન્ટ તૈયાર કરાવી શકાય છે.
આ સિવાય તે ઈમેજ, ડેટા ટેબલ અને ચાર્ટ પણ બનાવી આપે છે. તેવી જ રીતે પર્પ્લેક્સિટી છે. આ એઆઈ ટુલ માહિતી ભેગી કરવા અને સમજવામાં મદદ કરે છે. વ્યક્તિ ઈચ્છે તેવું રિસર્ચ વર્ક આ ટુલ દ્વારા કરી શકે છે. તેનો મોટો ફાયદો એ છે કે, આ ટુલ માહિતીની સાથે સાથે ઓફિશિયલ સોર્સની વિગતો પણ આપે છે.
ત્યારબાદ ચલણમાં છે ચીનનું ડીપસીક. આ પણ એક પ્રકારનો ચેટબોટ છે. તે તમામ પ્રકારના સવાલોના જવાબ આપે છે. તેની વિશ્વસનીયતા અને કાર્યક્ષમતા સામે દુનિયાભરમાં સવાલો થઈ રહ્યા છે. કેટલાક દેશોમાં તો તેના ઉપર પ્રતિબંધ મુકી દેવાયો છે.
આ યાદીમાં ચોથા ક્રમે આવે છે ગ્રોક. ઈલોન મસ્કની કંપની એક્સ એઆઈ દ્વારા આ ચેટબોટ વિકસિત કરવામાં આવ્યો છે. તે યૂઝર્સને રિયલટાઈમ માહિતી આપે છે. ગ્રોક દ્વારા અનૌપચારિક રીતે અને બેફામ રીતે પણ ક્યારેક જવાબ આપવામાં આવે છે. તેના કારણે પણ વિવાદ થયા છે.
ચર્ચામાં રહેલા આ ચારેય એઆઇ ટુલમાં આ તફાવત છે
આ ચારેય ટુલ ભલે અત્યારે ચર્ચામાં હોય પણ તેમાં મોટો તફાવત છે અને તેના કારણે તેમની કામગીરી અને ઉપયોગીતામાં પણ મોટો ફેરફાર છે. ચેટજીપીટી મોટાભાગે સંવાદ ઉપર કામ કરે છે.
બીજી તરફ ડીપસીક અને ગ્રોક પણ સંવાદ ઉપર જ આધારિત છે. આ બધા જ ચેટબોટ છે. તેમને જે પ્રોમ્પ્ટ કમાન્ડ આપવામાં આવે તેના આધારે તેઓ જવાબ આપે છે. આ દિશામાં પર્પ્લેક્સિટી અલગ છે. તે મોટાભાગે સર્ચ એન્જિન જેવું કામ કરે છે. તે સંશોધન કરીને માહિતી ભેગી કરી આપે છે. બાકીના ત્રણ માહિતી બનાવી આપે છે.
ચેટજીપીટી, ડીપસીક અને ગ્રોક નેચરલ લેન્ગવેજ પ્રોસેસિંગ આધારિત કામ કરે છે. તેમની ડિઝાઈન અને કામગીરીમાં તફાવત છે. તેમાંય ગ્રોક અને ડીપસીક દ્વારા જે રીતે જવાબો આપવામાં આવે છે તેના કારણે વિવાદ ઊભા થાય છે.
6 તબક્કામાં પ્રોસેસ થયા પછી એઆઈ જવાબ આપે છે
આઈટુલને જ્યારે સવાલ કરવામાં આવે છે કે પછી કોઈ પ્રોમ્પ્ટ આપવામાં આવે છે ત્યારે વિવિધ તબક્કામાં પ્રોસેસ થતી હોય છે. ત્યારબાદ એઆઈ ટુલ જવાબ આપતું હોય છે. યુઝર દ્વારા સૌથી પહેલાં તો સવાલ કરવામાં આવે છે. આ સવાલ ટેક્સ્ટ સ્વરૂપે હોય છે. એઆઈ તેને સમજવાનો પ્રયાસ કરે છે.
ત્યારબાદ ટેસ્ક્ટ એનકોડિંગ થઈને ઈનપુટને અપાય છે. એઆઈ તેને સમજે છે અને બીજી પ્રોસેસ કરે છે. એઆઈ સિસ્ટમ એક વિશેષ મશીન લર્નિંગ મોડલ છે. તે ડેટાનો ઉપયોગ કરે છે અને પુછવામાં આવેલા સવાલોના આધારે પોતાની સાથે રહેલા ડેટાનો ઉપયોગ કરે છે, વિવિધ સ્રોતનો ઉપયોગ કરે છે. ત્યારબાદ તે પુછવામાં આવેલા સવાલોના આધારે સંભવિત જવાબો તૈયાર કરે છે.
એક અલગોરિધમના આધારે શબ્દો અને વાક્યો સમજીને જવાબ તૈયાર કરવામાં આવે છે. જવાબ સવાલની સાથે પ્રાસંગિક હોય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ત્યારબાદ વિવિધ માપદંડોના આધારે નક્કર જવાબ નક્કી કરવામાં આવે છે. તેમાં સ્પષ્ટતા, સચોટતા અને સંદર્ભને ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે.
ખાસ કરીને યૂઝરને કેટલી ઉપયોગીતા રહેશે તેની ગણતરી કરવામાં આવે છે. આઉટપૂટ આપવા માટે ટેસ્ક્ટને ડિકોડિંગ કરવામાં આવે છે. ત્યારબાદ એઆઈ દ્વારા જવાબ તૈયાર કરીને રજૂ કરવામાં આવે છે. તેના આધારે આગળ વાતચીત પણ કરવામાં આવે છે. આ પ્રક્રિયા પૂરી કર્યા બાદ ફીડબેક પણ મેળવવામાં આવે છે. આ ફીડબેકના આધારે ભાવી ઈન્ટરેક્શનની દિશા અને સ્થિતિ નક્કી કરવામાં આવે છે. આ પ્રક્રિયા નિરંતર થતી હોય છે અને કામ આગળ ચાલતું હોય છે.
આ પણ વાંચો: ‘માઇક્રોસોફ્ટના 30% કોડ AI લખે છે’, માર્ક ઝકરબર્ગને આવું કહ્યું સત્યા નડેલાએ
10,500 થી વધારે એઆઈ ટુલ્સ ઉપર અભ્યાસ કરાયો
સંશોધકોએ જણાવ્યું કે, દુનિયાભરમાં વિવિધ એઆઈ ટુલ્સ ઉપર આવી રહેલા ડિજિટલ ટ્રાફિકને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ માટે વિવિધ સેવાઓ આપતી એઆઈ ટુલ્સની 171 કેટેગરી નક્કી કરવામાં આવી હતી. આ તમામ કેટેગરીમાં 10,500 થી વધુ એઆઈ ટુલ્સના ડેટાબેઝનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
સંશોધકો દ્વારા એઆઈ ટુલ્સની સેવાઓ આપતી તમામ વેબસાઈટ ઉપર લોકોની ટોટલ વિઝિટ, યુનિક વિઝટ, જેન્ડર ડિસ્ટ્રિબ્યુશન, ડિવાઈસ ડિસ્ટ્રિબ્યુશન (ડેસ્કટોપ અને મોબાઈલ), યુસેજ ડયુરેશન, બાઉન્સ રેટ, ટ્રાફિક સોર્સ અને વિવિધ દેશમાંથી થયેલા સર્ચ જેવી તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરવામાં આવ્યો હતો.
ટ્રેન્ડ કેવો છે અને ક્યાં જઈ રહ્યો છે તેનો પણ અભ્યાસ
એઆઈનું માર્કેટ જે રીતે વધી રહ્યું છે તે પ્રમાણે સંશોધકોએ વર્તમાન ટ્રેન્ડ અને ભવિષ્યની શક્યતાઓને ધ્યાનમાં રાખીને અભ્યાસ કર્યો હતો. સૌથી પહેલાં તો તમામ એઆઈ ટુલ્સ ઉપર આવેલા કુલ ટ્રાફિકનો ડેટા ભેગો કરવામાં આવ્યો. ત્યારબાદ કુલ એઆઈ વિઝિટ અને યુનિક યુઝર બિહેવિયરની નોંધ લેવામાં આવી હતી.
આ સિવાય સંશોધકો દ્વારા એઆઈ ટુલ્સમાં સૌથી વધારે વિઝિટ કયા સેગમેન્ટમાં જોવા મળી તથા તેનો માર્કેટ શેર કેવો રહે છે તેની પણ વિશેષ નોંધ લેવામાં આવી હતી. માર્કેટમાં પણ એઆઈ ટુલ્સના ગ્રોથ ઉપર ધ્યાન રાખવામાં આવ્યું અને દર મહિને તથા વર્ષે તેના વિકાસની ગતિને નોંધવામાં આવી હતી.
માર્કેટમાં થતા ઉતાર ચડાવને ધ્યાનમાં રાખીને દરક ટુલ્સમાં લોકોની વિઝિટનો સૌથી મોટો વધારો અને સૌથી મોટો ઘટાડો પણ ધ્યાને લેવામાં આવ્યો હતો. આ સિવાય દરેક દેશમાં એઆઈના યુઝર કેવા છે અને તેઓ કેવા સેગમેન્ટમાં કામ કરે છે અથવા તો સાઈટ વિઝિટ કરે છે તેની પણ નોંધ લઈને એક એનાલિસિસ તૈયાર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: OpenAI બાદ ક્રોમને ખરીદવા માટે યાહૂએ પણ દેખાડી તૈયારી…
આ ચારેય એઆઈ મોડલ મોટાભાગે આવી રીતે કામ કરે છે
જાણકારોના મતે ચેટજીપીટી એટલે કે જનરેટિવ પ્રીટ્રેઈન્ડ ટ્રાન્સફોર્મર ટુલ છે. તે આકટેક્ચર ઉપર આધારિત ટુલ છે. તે માણસની વાત સમજીને તેની પાસે રહેલા વિશાળ ડેટામાંથી એનાલિસિસ કરીને ઔપચારિક અથવા તો વિસ્તૃત રીતે જવાબ આપે છે.
ડીપસીક પણ આ જ પ્રકારનું ઓપન સોર્સ એઆઈ મોડલ છે. તે મોટાભાગે ટેકનિકલ બાબતોનું સર્ચિંગ કરીને કામ કરે છે. ડીપસીકનું મોટાભાગે ફોકસ કોડિંગ, મેથેમેટિકલ સમસ્યાઓ અને એનાલિસિસ જેવા કાર્યો પાર પાડવાનું હોય છે. પર્પ્લેક્સિટી એક એઆઈ સંચાલિત સર્ચ એન્જિન જેવું ટુલ છે. તે સચોટ અને વિશ્વસનિય સોર્સ દ્વારા માહિતી પૂરી પાડે છે. આ એઆઈટુલ હકીકતે તો ચેટબોટ કરતા સર્ચિંગ ટુલ વધારે છે. તે કેમ અને કેવી રીતે જેવી બાબતો નહીં પણ શું અને શા માટે છે તેવી બાબતો ઉપર વધારે ફોકસ કરે છે અને તેના માટે વિશ્વાસપાત્ર સોર્સ રજૂ કરીને જવાબ આપે છે.
ગ્રોક પણ એક પ્રકારનો ચેટબોટ છે. તે હકિકતે નજીકના ભવિષ્યના ઉદાહરણો ચકાસીને જવાબ આપે છે. તેન કારણે તેની માહિતી સારી હોય છે પણ ક્યારેક વિશ્વસનિયતા ઉપર સવાલ થઈ શકે છે. તેની જવાબ આપવાની પદ્ધતિ પણ ઘણી વખત માણસો જેવી આક્રમક છે તેથી તેના ઉપર લોકોને શંકા જાય છે અથવા તો તેનાથી વિવાદ થાય છે.