Science & Technology

ભારતમાં થતા ડિજિટલ એરેસ્ટ અને અન્ય ફોડનું કંબોડિયા ક્નેક્શન

By GS TEAM
6 Aug 20254 mins read
ભારતમાં થતા ડિજિટલ એરેસ્ટ અને અન્ય ફોડનું કંબોડિયા ક્નેક્શન

- ftçkkurzÞk yLku ËrûkýÃkqðo yurþÞkLkk yLÞ Ëuþku{kt yLkuf MkkÞçkh ¢kR{ LkuxðõMko Ä{Ä{e hÌkkt Au

હમણાં અખબારમાં તમે પણ ગાંધીનગરનાં ડૉક્ટરને ૧૦૩ દિવસ સુધી ‘઼ડિજિટલ એરેસ્ટ’ કરીને તેમની પાસેથી રૂ. ૧૯.૨૪ કરોડની રકમ સેરવવામાં આવી હોવાના સમાચાર વાંચ્યા હશે. આ લખાઈ રહ્યું છે ત્યારે પોલીસે આ કેસમાં આઠ લોકોની ધરપકડ કરી છે. આ તમામ લોકોની ગુજરાતમાંથી જ ધરપકડ કરાઈ છે, પણ આ ફ્રોડનાં મૂળ કંબોડિયામાં હોવાની પણ શંકા છે.

કંબોડિયામાં એક્શન

ગુજરાતનાં ડૉક્ટરને ડિજિટલ એરેસ્ટ કરાયાં બરાબર એ જ અરસામાં, જૂન અને  જુલાઈ મહિના દરમિયાન કંબોડિયાના વડાપ્રધાને એક નવાઇજનક પગલું લીધું. તેમના સીધા આદેશને પગલે કંબોડિયામાં ૫૮ લોકેશન્સ પર રેડ પાડવામાં આવી અને સાયબર ક્રાઇમમાં સંડોવાયેલા મનાતા ૩,૦૭૫ લોકોની ધરપકડ કરવામાં આવી. તેમાં ૬૦૬ મહિલાઓ પણ સામેલ હતી. દક્ષિણપૂર્વ એશિયામાં અગાઉ ક્યારેય આટલા મોટા પ્રમાણમાં સાયબર ક્રાઇમ સામે પગલાં લેવામાં આવ્યાં નથી.

કંબોડિયાના વડા પ્રધાનનું આ પગલું નવાઇજનક એટલા માટે મનાય છે કે  કંબોડિયામાં કેટકેટલીયે જગ્યાએ સાયબર ક્રિમિનલ સિન્ડિકેટ્સ ધમધમતી હોવા છતાં સરકારે હજી સુધી કોઈ નક્કર પગલાં લીધાં નહોતાં. કંબોડિયાનો એક બિઝનેસ ટાઇકૂન સાયબર ક્રાઇમમાં મોટા પાયે સંડોવાયેલો હોવાના અને તે કંબોડિયાની સરકારની ખૂબ નજીક હોવાના આક્ષેપો થતા રહ્યા હતા, અમેરિકન સરકારે તેની સામે વિવિધ પ્રતિબંધો મૂક્યા હતા છતાં, કંબોડિયાની સરકાર તેની સામે પણ કોઈ પગલાં લેતી નહોતી.

ફક્ત પાંચ મહિનામાં સાત હજાર કરોડના ફ્રોડ!

વાસ્તવમાં, ભારત સહિત વિશ્વના વિવિધ દેશોમાં નિર્દોષ નાગરિકોને ડિજિટલ એરેસ્ટ કે અન્ય પ્રકારના સાયબર ફ્રોડનું નિશાન બનાવવામાં આવે છે તેનાં મૂળ કંબોડિયા તથા તેના જેવા અન્ય દેશોમાં હોવાનું બહાર આવ્યું છે.

આ વર્ષે ફક્ત પહેલા પાંચ મહિનામાં એટલે કે જાન્યુઆરીથી મે મહિના સુધીમાં આપણે ભારતીયોએ અંદાજે રૂપિયા સાત હજાર કરોડ સાયબર ફ્રોડમાં ગુમાવ્યા. હજી વધુ આંચકાજનક વાત એ છે કે આમાંથી અડધોઅડધ રકમ ભારત બહાર દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં પહોંચી છે.

ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (આઇફોરસી) નામના એક યુનિટે એકઠા કરેલા ડેટાના એનાલિસિસ પરથી આ વિગતો બહાર આવી છે.

અર્થ એ થયો કે આપણે સૌ આવા ફ્રોડમાં ફસાઈને દર મહિને લગભગ રૂપિયા એક હજાર કરોડ ગુમાવીએ છીએ.

હવે બહાર આવી રહેલી વિગતો અનુસાર મોટા ભાગે મ્યાનમાર, કંબોડિયા, વિયેટનામ, લાઓસ અને થાઇલેન્ડ જેવા દેશોમાંથી સ્કેમ નેટવર્ક્સ ઓપરેટ થાય છે. બહુ વ્યાપક રીતે ભારતીય લોકોને નિશાન બનાવતા અને કંબોડિયા જેવા દેશોમાં ધમધમતાં સાયબર ક્રાઇમ નેટવર્કસ મોટા ભાગે ચાઇનીઝ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ગ્રૂપ્સ ચલાવે છે. હાલમાં થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે જે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઇ તેના મૂળમાં એક કારણ આ સાયબર ક્રાઇમ નેટવર્ક્સ હોવાનું પણ મનાય છે. થાઇલેન્ડે ચીનના સપોર્ટથી કંબોડિયામાં ચાલતાં નેટવર્ક્સ ઠપ કરવાનો પ્રયાસ કર્યો હતો.

ભારતીયો પાસેથી જ કામ લેવામાં આવે છે

માનવ તસ્કરી હેઠળ ભારતીયોને જ આ દેશોમાં ધકેલીને તેમને નિશાન બનાવતા સ્કેમ નેટવર્ક્સમાં કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. આવા નેટવર્ક્સમાં ભારતીયો ઉપરાંત આફ્રિકા, એશિયા, તથા યુરોપ અને અમેરિકા સહિતના દેશોના લોકોને જોતરવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે.

આ ગ્રૂપ્સ ભારત સહિત વિવિધ દેશોમાંથી લોકોને સારી નોકરીની લાલચ આપીને કંબોડિયા બોલાવે છે અને પછી તેમને સાયબર ક્રાઇમ નેટવર્કમાં ગુલામની જેમ કામ કરવા ધકેલે છે. યુનાઇટેડ નેશન્સના અંદાજ મુજબ ફક્ત કંબોડિયામાં એક લાખથી વધુ લોકો આવી રીતે સાયબર ક્રાઇમના નેટવર્કમાં ફસાયેલા છે.

અત્યારે મહારાષ્ટ્ર, તમિલનાડુ, જમ્મુ અને કશ્મીર, ઉત્તર પ્રદેશ તથા દિલ્હી જેવાં રાજ્યોમાં સંખ્યાબંધ રીક્રુટિંગ એજન્ટ્સ કામ કરે છે જે ભારતીયોને લાઓસ, મ્યાનમાર કે કંબોડિયામાં સારા પગારની લાલચ આપીને આ દેશોમાં મોકલે છે. એ લોકો અંતે સ્કેમ નેટવર્કમાં કામ કરવા તરફ ધકેલાય છે. ફક્ત કંબોડિયામાં ઓછામાં ઓછા પાંચ હજાર જેટલા ભારતીયો આ ટ્રેપમાં ફસાયા હોવાના અહેવાલો છે. ભારતના જ એજન્ટ્સ ભારતીયોને દુબઈ, ચાઇના, થાઇલેન્ડ, કંબોડિયા જેવા દેશોમાં ધકેલે છે!

સ્કેમસ્ટર્સ આવા લોકોને કામે લગાડીને તેમની પાસે ફેક ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ્સ, ક્રિપ્ટો ફ્રોડ, રોમાન્સ ટ્રેપ કે સરકારી અધિકારીઓના નામે ડિજિટલ એરેસ્ટ જેવા ફ્રોડ ચલાવે છે. કંબોડિયામાં હમણાં જે લોકોની ધરપકડ કરવામાં આવી તેમાં ૧૦૫ ભારતીયો છે અને ૧૦૨૮ જેટલા ચાઇનીઝ લોકો સામેલ છે. આ નેટવર્ક્સ પાસેથી હજારોની સંખ્યામાં મોબાઇલ ફોન અને કમ્પ્યૂટર જપ્ત કરવામાં આવ્યાં છે.

ભારતના પ્રયાસો

ભારત સરકારના વિદેશ મંત્રાલયના સહયોગમાં ભારતની તપાસ સંસ્થાઓએ વિદેશોની સરકારો સાથે મળીને એ દેશોમાંથી ચાલતા સ્કેમ સેન્ટર્સના એક્ઝેક્ટ જિઓગ્રાફિકલ કોઓર્ડિનેટ્સ એટલે કે લોકેશનની વિગત મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા, જેથી તેમની સામે એકશન લઈ શકાય.

ભારત સરકારે ફક્ત કંબોડિયામાં ઓછામાં ઓછા ૪૫ લોકેશન પરથી આવા નેટવર્ક ચલાવવામાં આવતા હોવાની માહિતી મેળવી હતી અને કંબોડિયાની સરકાર સાથે તેની વિગતો શેર કરી હતી.