નવા ફોન ખરીદો-જૂનો ફોન એક્સચેન્જ કરો- 40 મિનિટમાં
તમારો અનુભવ હશે કે એક વાર તમારા મનમાં તમારો હાલનો સ્માર્ટફોન જૂનો થયો
હોવાનો વિચાર ઝબકે એ પછી બને તેટલી ઝડપે નવો ફોન લેવાની તાલાવેલી જાગે છે. આ કામ
આપણી આસપાસની મોબાઇલ શોપ્સમાં જઇને ફટાફટ કરી શકીએ. એ જ રીતે વિવિધ ઓનલાઇન શોપિંગ
પ્લેટફોર્મ પર થોડું રિસર્ચ કર્યા પછી મનપસંદ સ્માર્ટફોન પસંદ કરીને તેનો ઓર્ડર પણ
આપી શકાય.
પરંતુ હાલમાં ઓનલાઇન ઓર્ડર આપ્યા પછી નવો ફોન આપણા હાથમાં આવે તે માટે આપણે
ઓછામાં ઓછા એક દિવસથી લઇને બે-ચાર દિવસ સુધી રાહ જોવી પડે છે.
ફ્લિપકાર્ટ કંપનીએ આનો ઉપાય શોધ્યો છે - એ પણ જૂના મોબાઇલના ફટાફટ એક્સચેન્જ
સાથે. ફ્લિપકાર્ટ મિનિટ્સ નામના કંપનીના ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ પર એક સર્વિસ લોન્ચ કરવામાં આવી છે.
તેના પર ફક્ત ૪૦ મિનિટ જેટલા સમયમાં આપણે જૂનો ફોન એક્સચેન્જ કરીને નવો ફોન ખરીદી
શકીએ છીએ!
આપણે ફક્ત ફ્લિપકાર્ટ મિનિટ્સ પર જઈને તેમાં સ્માર્ટફોન એક્સચેન્જ પ્રોગ્રામ
માટે એલિજિબલ હોય તેવો ફોન સિલેક્ટ કરીને તેનો ઓર્ડર આપવાનો થશે. એ સાથે પોતાના
જૂના ફોનની થોડી વિગતો આપવાની રહેશે. એ પછી તરત જ આપણને જૂના ફોનની કેટલી કિંમત
મળશે તે જણાવવામાં આવશે.
આપણે સહમતિ આપીએ એટલે કંપનીનો એક્સચેન્જ એક્ઝિક્યુટિવ આપણા લોકેશન પર આવીને
આપણો જૂનો ફોન મેળવશે તથા નવા ફોનનું બોક્સ હાથમાં મૂકશે - કંપનીના દાવા મુજબ
ઓર્ડર આપ્યાના ૪૦ મિનિટની અંદર.
આ પ્રોગ્રામ હાલમાં બેંગલુરુ, દિલ્હી અને મુંબઈના અમુક
વિસ્તારોમાં લોન્ચ થઈ ગયો છે. આ મહિનાથી જ
તે અન્ય શહેરોમાં પણ એક્ટિવેટ થવા લાગશે. ભારતમાં અત્યારે ક્વિક કોમર્સ હેઠળ ૧૦-૧૫
મિનિટમાં કરિયાણાંની ચીજવસ્તુ ઘેર બેઠાં મેળવી શકાય છે. હવે લગભગ એ જ રીતે જૂનો
સ્માર્ટફોન આપીને નવો ખરીદી શકાશે.