ચેટજીપીટીમાં ઉમેરાઈ બિઝનેસ મીટિંગ સંબંધિત સુવિધાઓ

હમણાં ઓપનએઆઇ કંપનીએ ચેટજીપીટીમાં વધુ એક રસપ્રદ ફીચરની જાહેરાત કરી. અલબત્ત હાલમાં આ ફીચરનો ફક્ત ચેટજીપીટી પ્રો, એન્ટરપ્રાઇસ અને એજ્યુ વર્ઝનનો ઉપયોગ કરતા એટલે કે પેઇડ યૂઝર્સ લાભ લઈ શકે છે. તેમના માટે પણ ડેસ્કટોપ અને મેકઓસમાં જ તેનો ઉપયોગ શક્ય છે, આમ છતાં એઆઇથી હવે શું શું શક્ય છે એ જાણવા માટે આ ફીચર સમજવા જેવું છે.
ચેટજીપીટીમાં ઉમેરાયેલું આ ફીચર ‘રેકોર્ડ મોડ’ તરીકે ઓળખાય છે. જે રીતે આપણે કોઈ મીટિંગ દરમિયાન પોતાના આઇફોન કે એન્ડ્રોઇડ ફોનમાં તેનું વોઇસ રેકોર્ડિંગ કરી શકીએ, એ જ રીતે ચેટજીપીટીમાં રેકોર્ડ મોડ આપણને મીટિંગ અને વોઇસ નોટ રેકોર્ડ કરવાની સગવડ આપે છે.
એ પછી ચેટજીપીટી મીટિંગ દરમિયાન ચર્ચાયેલા મુદ્દાઓનો સારાંશ તૈયાર કરી આપે છે. આ સમરી આપણી ચેટજીપીટીની હિસ્ટ્રીમાં સેવ થાય છે. એ પછી આપણે ચેટજીપીટીને આગળની સૂચના આપીને એ સારાંશમાંથી મીટિંગમાં સામેલ વ્યક્તિઓ માટે તેમણે કરવાનાં કામ સંબંધિત સૂચનાઓનો સાથે પર્સનલાઇઝ્ડ ઇમેઇલ લખાવી શકીએ છીએ. મીટિંગ દરમિયાન કોઈ કમ્પ્યૂટર કોડ વિશે ચર્ચા થઈ હોય તો તે પ્રોગ્રામનો કોડ લખી આપવાનું કે પછી બિઝનેસ પ્રમોશન માટે સ્ટ્રેટેજીની ચર્ચા થઈ હોય તો તેનાં ચોક્કસ સ્ટેપ્સ લખવાનું કામ પણ ચેટજીપીટી પાસે કરાવી શકાય છે.
આ ફીચરનો લાભ લેવા માટે આપણે મીટિંગ ચાલુ હોય ત્યારે ચેટજીપીટી ઓપન કરીને તેમાં પોતાના એકાઉન્ટથી લોગઇન થઈને રેકોર્ડ બટન પ્રેસ કરવાનું રહે છે. આ પછી મીટિંગની સમગ્ર વાતચીત ચેટજીપીટીમાં રેકોર્ડ થતી રહે છે. મીટિંગ પૂરી થતાં ‘સેન્ડ’ બટન ક્લિક કરતાં વાતચીતનો સારાંશ ચેટજીપીટીમાં હિસ્ટ્રી તરીકે સચવાઈ જાય છે. આપણે ઇચ્છીએ તો તેમાં મેન્યુઅલી ફેરફાર કરી શકીએ છીએ. ચેટજીપીટીમાં રીડિંગ મોડમાં હાલમાં બે કલાક સુધીનું રેકોર્ડિંગ થઈ શકે છે. તે પછી તે ઓટોમેટિકલી રેકોર્ડિંગ બંધ કરે છે અને વાતચીતની સમરી તૈયાર કરવા લાગે છે. હાલમાં આ ફીચર ઇંગ્લિશમાં વધુ સારી રીતે કામ કરે છે પરંતુ ટૂંક સમયમાં તે અન્ય ભાષાઓમાં પણ લોન્ચ થશે.
આ રીતે મીટિંગની બધી જ વાતચીત રેકોર્ડ કરવાની વાત હોય ત્યારે તેમાં દેખીતી રીતે પ્રાઇવસી સંબંધિત મુદ્દાઓ ઉઠે. કંપની કહે છે કે ચેટજીપીટીના બધાં ઓડ઼િયો રેકોર્ડિંગની ટ્રાન્સ્ક્રિપ્ટ એટલે કે વાતચીત ટેકસ્ટ સ્વરૂપમાં ફેરવાઈ જાય પછી ઓડિયો રેકોર્ડિંગ ડિલીટ કરવામાં આવે છે એમો આપણી વાતચીતનો એઆઇ મોડેલ ટ્રેનિંગ માટે ઉપયોગ થતો નથી. જોકે એ માટે આપણે ચેટજીપીટીના યૂઝર્સ સેટિંગમાં ‘ઇમ્પ્રૂવ ધ મોડેલ ફોર એવરીવન’નો ઓપ્શન ડિસેબલ રાખ્યો હોવો જરૂરી છે.








