Get The App

Explainer: હવે એરપોર્ટની અંદર સુધી Blinkitથી ડિલિવરી, મુંબઈમાં દેશની પ્રથમ 'ઇન-ટર્મિનલ' સર્વિસ શરૂ

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
Explainer: હવે એરપોર્ટની અંદર સુધી Blinkitથી ડિલિવરી, મુંબઈમાં દેશની પ્રથમ 'ઇન-ટર્મિનલ' સર્વિસ શરૂ 1 - image

Blinkit Service in Airport: દરેક ટ્રાવેલર્સ માટે એરપોર્ટ પરથી કંઈની પણ ખરીદી કરવી માથાનો દુખાવો છે. મોબાઇલ બંધ થઈ ગયો હોય, ચાર્જર ભૂલી ગયા હોય કે પાણીની બોટલ લેવાથી લઈને એક સેન્ડવિચ સુધીની કોઈ પણ વસ્તુ કેમ ન હોય. એની ખરીદી કરવી એક ડરામણા સપના સમાન છે કારણ કે દરેકની કિંમત ખૂબ જ વધુ હોય છે. 20 રૂપિયાની પાણીની બોટલના 100 રૂપિયા લેવામાં આવે છે. જોકે હવે આ તમામ સમસ્યાનું સમાધાન આવી ગયું છે. મુંબઈના ટર્મિનલ 2 એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઇટ માટે હવે કોઈ પણ યુઝર્સ Blinkit કરી શકશે. તેમને એરપોર્ટની અંદર તેમણે ઓર્ડર કરેલું પાર્સલ મળી જશે. આથી હવે ટ્રાવેલર્સ માટે કોઈ પણ વસ્તુ માટે વધુ કિંમત ચૂકવવામાંથી છૂટકારો મળ્યો છે.

પહેલી એપ્રિલથી આ સર્વિસ શરૂ થઈ ગઈ છે. Blinkitના CEO અલ્બિન્દર ધિન્ડસા દ્વારા આ વિશે જાહેરાત કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ઘણાં લોકોને એવું લાગી રહ્યું હતું કે આ એપ્રિલ ફૂલનો પ્રેન્ક છે. જોકે હવે એ હકીકત છે અને થોડી જ મિનિટોની અંદર યુઝરને એરપોર્ટ પર તેમનું પાર્સલ મળી જશે. ઘણાં લોકો એને એપ્રિલ ફૂલ માની રહ્યાં હોવાથી અલ્બિન્દર દ્વારા એ વાતની સફાઈ આપવી પડી હતી કે એ કોઈ મજાક નથી. તેમણે અદાણી એરપોર્ટ સાથે પાર્ટનરશિપ કરી છે. આથી મુંબઈનું ટર્મિનલ 2 એરપોર્ટ દુનિયાનું પહેલું એવું એરપોર્ટ બની ગયું છે જ્યાં ઇ-કોમર્સની સુવિધા મળી રહે છે.

યુઝર્સ ક્યારે ઓર્ડર કરી શકે છે?

યુઝર્સ આ માટે અત્યારથી જ ઓર્ડર કરી શકે છે. આ સર્વિસ મુંબઈના ટર્મિનલ 2 પર કાર્યરત છે. જોકે એ હાલમાં ફક્ત ડોમેસ્ટિક ડિપાર્ચર માટે છે. ટર્મિનલ 2 પરથી કોઈ પણ વ્યક્તિ ભારતના કોઈ પણ ખૂણામાં જઈ રહ્યો હશે તો તેમને આ સુવિધાનો લાભ મળશે. મુસાફરી આજે કરવાની હોય તો યુઝર આજે જ ઓર્ડર કરી શકે છે. જોકે આ માટે લેટેસ્ટ એપ્લિકેશન અપડેટ હોવી જરૂરી છે.

કેવી રીતે ઓર્ડર કરશો?

યુઝર Blinkit પરથી જે રીતે ઓર્ડર કરે છે એ જ રીતે અહીં પણ કરવાની રહેશે. જોકે આ માટે એક નિયમ બનાવવામાં આવ્યો છે. આ ઓર્ડર કરતાં પહેલાં યુઝરે સિક્યોરિટી ચેક કર્યું હોવું જરૂરી છે. સિક્યોરિટી ચેક બાદ યુઝર તરત જ ઓર્ડર આપી શકે છે અને એ માટે ચોક્કસ લોકેશન આપી ત્યાં ઓર્ડર મેળવી શકે છે.

ટિકિટ કાઉન્ટર પર કે ગેટ પાસે ક્યાં મળશે ઓર્ડર?

Blinkitની આ સેવા ટિકિટ કાઉન્ટર પાસે ઉપલબ્ધ નથી. તેમજ સિક્યોરિટી ચેક પહેલાં એક પણ જગ્યાએ આ ઓર્ડર નહીં મળી શકે. એક વાર સિક્યોરિટી ચેક કર્યા બાદ એને કોઈ પણ શોપ, રેસ્ટોરાં, લાઉન્જ, વેઇટિંગ એરિયા અથવા તો ગેટ પાસે ઓર્ડર મળી શકશે. સિક્યોરિટી ચેક પહેલાં અને ગેટ એક્ઝિટ બાદ આ ઓર્ડર નહીં મળી શકે. એરપોર્ટની એક્ઝિટ પર આ સુવિધા ઉપલબ્ધ નથી. આથી આ સુવિધાનો ઉપયોગ કરવા માટે યુઝરે એરપોર્ટમાં રહેવું ફરજિયાત છે. ચેક-ઇન કર્યા બાદ સિક્યોરિટી ક્લિયર કરી દીધી હશે એવા યુઝર્સ તરત જ ઓર્ડર કરી અને મેળવી શકશે.

Blinkit કેવી રીતે સર્વિસ પૂરી પાડશે?

Blinkit અત્યાર સુધી તેમના સ્ટોર અથવા તો ગોડાઉનમાંથી યુઝરના ઓર્ડરની ડિલિવરી આપે છે. આથી Blinkitનું ગોડાઉન કહો કે સ્ટોર મુંબઈના ટર્મિનલ 2 ડોમેસ્ટિક ડિપાર્ચર પર જોવા મળશે. આ સાથે જ Blinkitનું વધુ એક ગોડાઉન એરપોર્ટની નજીક હશે જેને ડાર્ક સ્ટોર તરીકે કહેવામાં આવે છે. આ ગોડાઉનમાં નોન-લિક્વિડ આઇટમને સ્ટોર કરવામાં આવશે. આથી એરપોર્ટના સ્ટોરમાં જે આઇટમ પૂરી થઈ જાય તેને તરત જ ફરી રીસ્ટોક કરી શકાય. લિક્વિડ ડિલિવરી માટે એટલે કે પાણી, ઠંડા પીણા અને જ્યુસ જેવી આઇટમ માટે તેઓ એરપોર્ટ દ્વારા અપ્રૂવ કરવામાં આવેલી ઇન-ટર્મિનલ ઇન્વેન્ટરીનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ એરપોર્ટની સિક્યોરિટી પ્રોટોકોલનું પાલન કરી રહ્યા હોવાથી સિક્યોરિટીનો પણ કોઈ ભય નથી અને એરપોર્ટ ઓથોરિટી પણ એનાથી ખુશ છે.

એરપોર્ટ પર ડિલિવરી માટે કેટલા પૈસા ચાર્જ કરવામાં આવશે?

આ ખૂબ જ મોટો સવાલ છે અને એનાથી મોટાભાગના મુસાફરોને ખુશી થશે. Blinkit પર જે સ્ટાન્ડર્ડ ડિલિવરી સર્વિસ ફી છે એ જ અહીં ચૂકવવી પડશે. એટલે કે એરપોર્ટ પર સર્વિસ આપી રહ્યા હોવાથી વધુ ફી હશે એવું નથી. શહેરોમાં કે ઘરે ડિલિવરી માટે જે પૈસા ચૂકવવામાં આવે છે એ જ પૈસા અહીં પણ ચૂકવવાના રહેશે. એરપોર્ટ ચાર્જિસ અથવા તો સ્પેશિયલ હેન્ડલિંગ ફી જેવા કોઈ વધારાના ચાર્જ ચૂકવવા નહીં પડે. Blinkit દ્વારા અત્યાર સુધી એરપોર્ટ માટે કોઈ પ્રીમિયમ પ્રાઇસ રાખવામાં નથી આવી. blinkit.com/terms માં જે પણ સર્વિસ ફી રાખવામાં આવી છે એ જ અનુસાર એરપોર્ટ પર પણ ચાર્જ કરવામાં આવશે. જોકે આમ છતાં યુઝર કોઈ પણ ઓર્ડર ફાઇનલ કરવા પહેલાં કાર્ટમાં કેટલો વધુ ચાર્જ ચૂકવવો પડશે એ જોઈ શકે છે. આથી તેમણે ઓર્ડર કરવો કે નહીં એ યુઝરની મરજીની વાત છે.

ઓછામાં ઓછો કેટલો ઓર્ડર કરવો પડશે?

એરપોર્ટ ચેનલ દ્વારા અથવા તો Blinkit દ્વારા આ વિશે કોઈ માહિતી આપવામાં નથી આવી. અદાણી દ્વારા પણ આ વિશે કોઈ માહિતી આપવામાં નથી આવી કે મિનિમમ કાર્ટ વેલ્યુ જરૂરી છે. આથી શહેરમાં Blinkitની જે કાર્ટ માટેની શરતો છે એ અહીં પણ લાગુ પડશે. મુંબઈમાં જો મિનિમમ વેલ્યુ કાર્ટની હશે તો એ એરપોર્ટ પર પણ હશે. જો મુંબઈમાં ન હોય તો એ એરપોર્ટ પર પણ નહીં હોય.

શું ઓર્ડર કરી શકાશે?

એરપોર્ટ પર ઇ-કોમર્સની સેવા તો શરૂ થઈ ગઈ છે, પરંતુ શું ઓર્ડર કરી શકાય એ પણ એટલું જ મહત્ત્વનું છે. આ માટે Blinkit પર ટ્રાવેલ એસેસરીઝ, ઇલેક્ટ્રોનિક્સ, નાસ્તો, બૂક્સ, બેબી કેર અને પર્સનલ જરૂરિયાત માટેની વસ્તુઓ ઓર્ડર કરી શકાશે. પરવાનગી હોય એવી લિક્વિડ આઇટમ એટલે કે પાણી, ઠંડા પીણા અને જ્યૂસને ઇન-ટર્મિનલ ઇન્વેન્ટરીમાંથી મેળવી શકાશે. એટલે કે મુસાફર અંદાજે 2500થી વધુ પ્રોડક્ટને ઓર્ડર કરી શકશે. એક વાર બોર્ડિંગ કરવા પહેલા છેલ્લી ઘડીએ કોઈ વસ્તુની જરૂર પડી તો એ માટે Blinkit ખૂબ જ સારો વિકલ્પ છે. આથી લોકેશન સેટ કર્યા બાદ કેટલી પ્રોડક્ટ ઉપલબ્ધ થઈ શકશે એનું લિસ્ટ યુઝર એપ્લિકેશનમાં જોઈ શકશે.

અન્ય જરૂરી માહિતી

આ સેવા અત્યારે ફક્ત ડોમેસ્ટિક ટ્રાવેલર્સ માટે જ ઉપલબ્ધ છે અને એ પણ ટર્મિનલ 2નો ઉપયોગ કરનાર મુસાફરો માટે. વધુ ટર્મિનલ અને એરપોર્ટ્સનો સમાવેશ ધીમે-ધીમે કરવામાં આવશે. ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ અને ટર્મિનલ 1નો ઉપયોગ કરનારા મુસાફરોને હાલમાં આ સેવાનો ઉપયોગ કરવા માટે રાહ જોવી પડશે. આ સાથે જ બીજી એક મહત્ત્વની વાત એ છે કે એરપોર્ટ પર કેશ પેમેન્ટ નહીં કરી શકાય. યુઝરે UPI, નેટબેન્કિંગ અથવા તો કાર્ડનો ઉપયોગ કરવો પડશે. જો યુઝરને કોઈ પણ આઇટમ ડેમેજ અથવા તો મિસિંગ મળી હોય તો એને રિટર્ન પણ કરી શકાશે. OTP શેર કરવા પહેલાં યુઝર એપ્લિકેશનમાં જઈને રિટર્નની પ્રોસેસ શરૂ કરી શકે છે.

આ પણ વાંચો: એપલના 50 વર્ષ: એક સમયે દેવાળિયું ફૂંકવાની હતી આ કંપની, માઇક્રોસોફ્ટે બચાવી હતી, જાણો રસપ્રદ કિસ્સો

એરપોર્ટના બિઝનેસને જોરદાર ઝટકો

એરપોર્ટ પર હાલમાં જે પણ બિઝનેસ અને ડ્યુટી-ફ્રી શોપ ચાલી રહી છે તેમને આ એક જોરદાર તમાચો છે. અત્યાર સુધી મુસાફરોને ઘણાં લૂંટવામાં આવ્યા હતા. 20 રૂપિયાની પાણીની બોટલ 100 રૂપિયા અને એરપોર્ટ એડિશન ચાર્જરના નામે 800 રૂપિયા ચાર્જ કરવામાં આવતા હતા. જો Blinkit દ્વારા કિંમતમાં કોઈ વધારો કરવામાં ન આવ્યો તો આ તમામ બિઝનેસ અને શોપ બંધ થવાના દિવસ આવી શકે છે. જો તેમને પણ બિઝનેસમાં ટકી રહેવું હશે તો તેમણે કિંમત ઓછી કરવી પડશે. આથી હવે એરપોર્ટ પર પણ કેવી રીતે શોપિંગ કરવી એ Blinkitની આ પહેલથી બદલાવા જઈ રહ્યું છે.