કેનેડાના સમુદ્રમાં દેખાઈ કાળી હિમશીલા, તેના રંગ વિશે સોશિયલ મીડિયામાં જાતભાતની અટકળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Black Iceberg seen in Canada: કેનેડાના સમુદ્રમાં જોવા મળેલી કાળા રંગની હિમશીલા હાલમાં ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની છે. કેનેડાના પૂર્વીય પ્રાંત લેબ્રાડોરના દરિયામાં માછલી પકડવા ગયેલા હલુર એન્ટોનિયસેન નામના માછીમારે સૌપ્રથમ આ હિમશીલા જોઈ. નવાઈની વાત એ છે કે, આ હિમશીલા સફેદના બદલે કાળી છે અને દૂરથી જાણે કોઈ વિશાળ હીરો હોય એવી દેખાય છે. 64 વર્ષના માછીમારે એ દુર્લભ હિમશીલાનો ફોટો પોતાના મોબાઈલમાં પાડી લીધો હતો અને પછી એને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ત્યારથી એ ફોટો ચર્ચાને ચકડોળે ચઢ્યો છે.
એન્ટોનિયસેનનું કહેવું છે કે, ‘હું 50 વર્ષથી વધુ સમયથી માછીમારી કરું છું. મેં જીવનમાં સેંકડો હિમશીલા જોઈ છે. અમુક હિમશીલા સડેલી સમુદ્રી વનસ્પતિ જેવી ગંદકી ઢસડી લાવતી હોય છે, તેથી સહેજ કાળી લાગતી હોય છે, પણ ટોચથી તળિયા સુધી આખેઆખી હિમશીલા જ કાળી હોય, એવું તો મેં જિંદગીમાં પહેલીવાર જોયું છે.’
કાળી હિમશીલાએ દર્શન દીધા હતા, એ વિસ્તારમાં જોવા મળતી હિમશીલાઓ મોટેભાગે ઉત્તરમાં આવેલા ગ્રીનલેન્ડ તરફથી આવતી હોય છે. એ સમુદ્રમાં હાલમાં 47 હિમશીલા છે, પણ એમાંની પેલી એકમાત્ર હિમશીલા કાળી છે, જે રહસ્યમય છે. એન્ટોનિયસેને ફોટો લીધો ત્યારે તેમની બોટ હિમશીલાથી દૂર હોવાથી હિમશીલા ખરેખર કેટલી મોટી હશે, એનો ચોક્કસ અંદાજ આવે એમ નથી.
કાળી હિમશીલાથી નિષ્ણાતો પણ મૂંઝવણમાં
કેનેડાની ‘મેમોરિયલ યુનિવર્સિટી’ના ભૌતિકશાસ્ત્રી અને હિમશીલા વિષયમાં નિષ્ણાત ‘લેવ તારાસોવ’નું કહેવું છે કે, 'મેં આવી કાળી હિમશીલા કદી જોઈ નથી. મારું અનુમાન છે કે કોઈક જ્વાળામુખી ફાટવાથી એની હવામાં ઉડેલી રાખને લીધે આ હિમશીલા કાળી થઈ ગઈ હોય, એવું બની શકે. અલબત્ત, ગ્રીનલેન્ડમાં જ્વાળામુખી છે કે કેમ, એ વિશે હજુ કશું ખાતરીપૂર્વક કહી શકાય એમ નથી. ગ્રીનલેન્ડની પૂર્વમાં આવેલા બર્ફસ્તાન એવા ‘આઈસલેન્ડ’માં બરફના ઢોળાવ નીચે જ્વાળામુખી છે ખરા.'
જો કે, જ્વાળામુખી વિસ્ફોટને કારણે એ હિમશીલા કાળી થઈ ગઈ હોય, એ ફક્ત ધારણા છે.
હિમશીલાનો બરફ એક લાખ વર્ષ જૂનો!
લેવ તારાસોવે અંદાજ લગાવ્યો કે હિમશીલાનો બરફ ઓછામાં ઓછો 1,000 વર્ષ જૂનો હોઈ શકે છે. જોકે, એવી શક્યતા પણ નકારી ન શકાય કે બરફ 1,00,000 વર્ષ જૂનો હોય!
સોશિયલ મીડિયા પર અટકળોનું ઘોડાપુર
કાળી હિમશીલાની તસવીર વાઇરલ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સ જાતભાતની કમેન્ટ્સ કરવા લાગ્યા છે. કોઈક લેવ તારાસોવ દ્વારા રજૂ કરાયેલી જ્વાળામુખી ફાટવાવાળી થિયરીને સાચી ઠરાવી રહ્યા છે, તો કોઈક કહી રહ્યું છે કે, તે બરફની સપાટી પર ટકી રહેલો વિશાળ ખડક હોઈ શકે છે. તો કોઈકે આ તસવીર જ બનાવટી હોવાનું કહીને આ મુદ્દા પર પૂર્ણવિરામ મૂકી દેવાનું દીધું છે. એક જણે શક્યતા વ્યક્ત કરી હતી કે, હિમશીલા ખૂબ જૂની હોય તો સમય જતાં એનો રંગ કાળો થઈ ગયો હોય એવું બની શકે.
સમય જતાં હિમશીલા કાળી થાય કે ધોળી?
હિમશીલાઓ મોટા ભાગે સફેદ રંગની હોય છે. જેમ જેમ બરફ જૂનો થતો જાય છે, તેમ તેમ તેના જૂના સ્તર પર નવા સ્તર ચઢતાં જતાં તેની પર દબાણ વધતું જાય છે, જેને લીધે તેની અંદર કેદ હવા બહાર નીકળતી જાય છે. આમ થતાં હિમશીલાનો બરફ વધુ સ્ફટિકમય થતો જાય છે, કાચ જેવો સ્પષ્ટ (ક્લિઅર) બનતો જાય છે, જેને લીધે તેની અંદર વધુ પ્રમાણમાં પ્રકાશ દાખલ થઈ શકે છે અને પરિણામે હિમશીલા વધુ સફેદ દેખાવા લાગે છે. આ કુદરતી ઘટમાળ છે. તો પછી આ હિમશીલા સમય સાથે કાળી પડી ગઈ હોય, એવી શક્યતા જ નથી. તેથી એના રંગ બાબતનું રહસ્ય ઘેરું બન્યું છે.
ઉલ્લેખનીય છે કે, કોઈપણ હિમશીલાનો ફક્ત દસ ટકા હિસ્સો જ સમુદ્ર સપાટીની ઉપર તરતો દેખાય છે, બાકીનો નેવું ટકા હિસ્સો તો જળસપાટી નીચે હોય છે. એ હિસાબે જોઈએ તો આ કાળી હિમશીલા પણ વિશાળ કદની હોવી જોઈએ.









