સાવધાન : તમે વોટ્સએપ ગ્રૂપમાં 'ધરાર' એડમિન બની, જેલમાં જઈ શકો છો
ગ્રૂપમાં વાંધાજનક પોસ્ટ માટે એડમિન જવાબદાર છે, પણ તમે કેટલાં ગ્રૂપના એડમિન છો એ તમે જાણો છો ખરા?
અત્યારે ફુરસદનો સમય તમે વધુમાં વધુ વોટ્સએપ પર પસાર કરતા હશો, બરાબર? ‘એક કિલો મમરામાં કેટલા મમરા હોય’ કે ‘એક કિલો રાઇમાં કેટલા દાણા હોય’ એવા સવાલો અને એના જવાબોથી માંડીને, ‘સ માથે અનુસ્વાર (મીંડું!) આવે એવા જુદા જુદા પ્રકારના શબ્દો’ પૂછતા સવાલોની ઝપટમાં તમે પણ આવ્યા હશો.
તો આપો જવાબ એવા વધુ કેટલાક, ગૂગલી સવાલોનો!
પહેલો સવાલ - તમે વોટ્સએપમાં કેટલા ગ્રૂપમાં મેમ્બર છો? તમે જાણો છો? બીજો, હજી વધુ અઘરો સવાલ - એમાંથી કેટલાં ગ્રૂપમાં તમે એડમિન છો, તમે જાણો છો? ત્રીજો, સૌથી અઘરો અને મહત્ત્વનો સવાલ - આગલા બંને સવાલના જવાબ કેવી રીતે જાણવા, એ તમે જાણો છો?
જો ન જાણતા હો, તો વોટ્સએપમાં આવેલા બીજા સવાલોને થોડી વાર પડતા મૂકીને આ સવાલોના જવાબ જાણવાની મથામણ શરૂ કરો. કેમ કે ટૂથબ્રશ, શેવિંગ બ્રશ કે કપડાં ધોવાના બ્રશમાં કેટલાક તાર હોય એ નહીં જાણીએ તો ચાલશે, પણ વોટ્સએપમાં કયા ગ્રૂપમાં આપણે એડમિન છીએ એ નહીં જાણીએ તો કદાચ આપણે જેલમાં જવાનો વારો આવી શકે છે!
વોટ્સએપ પર તમે ખાસ સક્રિય ન હો, સ્વજનો કે મિત્રો સાથે જ ચેટિંગ કરતા હો, ગણ્યાંગાંઠ્યાં ગ્રૂપમાં જ તમે એક્ટિવ હો કે પછી તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં જ ઓછા લોકોના નંબર હોય તો એવું ન માનશો કે તમે સલામત છો! તમે પહેલેથી કેટલીક કાળજી ન લીધી હોય તો તમારો ફોન નંબર જાણતી કોઈ પણ વ્યક્તિ તમને પોતાના ગ્રૂપમાં ઉમેરી શકે છે અને એમાં તમને એડમિન પણ બનાવી શકે છે. એ વ્યક્તિ તમને એડમિન ન બનાવે છતાં તમે એ ગ્રૂપના ધરાર એડમિન બનો એવું પણ બની શકે છે!
વોટ્સએપનો વ્યાપ એ જ જોખમ
ભારતમાં વોટ્સએપની પહોંચ ગજબ છે અને એટલે જ એ ખતરનાક પણ છે. આ એપ પર આવેલા દરેક મેસેજને સાચો માની લેતા લોકોનું પ્રમાણ બહુ મોટું છે (એમાં નાત-જાત, ધર્મ, ઉંમર, આવક, ભણતર વગેરેનો કોઈ ભેદભાવ નથી!) અને આવા મેસેજ ખોટા હશે એમ સમજવા છતાં તેને ફોરવર્ડ કરનારો વર્ગ પણ બહુ મોટો છે.
એટલે વોટ્સએપ પર ફેલાયેલી અફવાઓને કારણે ભારતમાં ટોળાં લોકોની હત્યા કરવા સુધી પહોંચી જાય છે. એ સમયે સરકારના દબાણથી વોટ્સએપ કંપનીએ મેસેજ ફોરવર્ડ કરવા પર અંકુશ મૂક્યા, મેસેજ ફોરવર્ડેડ છે એવું બતાવવાનું શરૂ કર્યંુ અને વોટ્સએપના જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા વિશે અખબાર-ટીવીમાં મોટી જાહેરાતો પણ ચલાવવી પડી.
ચૂંટણી સમયે દરેક પક્ષ વોટ્સએપ પર આખી ફોજ કામે લગાડી દે છે એ પણ આપણે જાણીએ છીએ. આ ફોજના જવાનોએ ફક્ત કેટલાંક ઉંબાડિયાં રમતાં કરવાનાં હોય છે, એને આગ બનાવી દેવા માટે બાકીના લોકો તત્પર જ હોય છે. આવે સમયે અનેક ગ્રૂપ ઊભાં કરવામાં આવે છે.
એમ હમણાં કોરોનાના હાહાકારને પગલે વોટ્સએપ પર એટલી અફવાઓ ચાલી કે વોટ્સએપ પર ફરી મેસેજ ફોરવર્ડ કરવા પર અંકુશો આવ્યા. એ સાથે, વોટ્સએપના સરેરાશ યૂઝર્સ અને ખાસ કરીને વિવિધ ગ્રૂપ્સના એડમિનને ચિંતા કરાવે એવા મેસેજ પણ વોટ્સએપમાં ફરતા થયા. એમાં - વોટ્સએપમાં હંમેશ બને છે તેમ - સત્ય ને અસત્યની ભેળસેળ હોય છે.
‘‘પોલીસ ને સરકાર આપણા મેસેજીસ વાંચે છે’’, વોટ્સએપમાં હંમેશ જોવા મળતા, નિશ્ચિત સંકેત આપતા ટિક્સ ઉપરાંત, ‘‘વધારાના ટિક જોવા મળે તો તમારો મેસેજ વાંધાજનક તરીકે નોંધાઈ ગયો છે... ગમે ત્યારે તમારી ધરપકડ થઈ શકે છે...’’ વગેરે મેસેજની ભરમાર વચ્ચે, સંપૂર્ણ અને નક્કર સત્ય એ જ કે આપણે વોટ્સએપનો જવાબદારીપૂર્વક ઉપયોગ નહીં કરીએ તો ખરેખર મુશ્કેલીમાં મુકાઈ શકીએ છીએ.
જોખમ કઈ રીતે છે?
હાલના સંજોગમાં વિવિધ રાજ્યોની પોલીસ વોટ્સએપ અને અન્ય તમામ સોશિયલ મીડિયાના યૂઝર્સ તથા એડમિન માટે ‘એડવાઇઝરી’ (સલાહ-સૂચનાઓ)જાહેર કરવા લાગી છે. તેમાં સોશિયલ મીડિયાનો કેવી રીતે સમજપૂર્વક ઉપયોગ કરવો તેની વાત છે.
સાથોસાથ, ખાસ કરીને વોટ્સએપના એડમિનને ઉદ્દેશીને સ્પષ્ટતા છે કે કોઈ પણ રીતે વાંધાજનક, ઉશ્કેરણીજનક, બદઇરાદાવાળી પોસ્ટ શેર કરવામાં આવશે તો એ યૂઝર અને એડમિન બંને સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવી શકે છે. આવા લોકો સામે કયા કયા કાયદા હેઠળ પગલાં લેવામાં આવી શકે છે તેનું લિસ્ટ તેમાં હોય છે. આ લિસ્ટ લાંબું છે એટલે તેની વિગતમાં અહીં પડતા નથી, પણ લિસ્ટ લાંબું છે એ જ મહત્ત્વનું છે! મહારાષ્ટ્ર પોલીસના એક આઇપીએસ અધિકારી, વોટ્સએપના યૂઝર્સને પોતે બનાવેલાં ગ્રૂપ્સને ‘એડમિન ઓન્લી કેન પોસ્ટ’ પ્રકારનાં ગ્રૂપમાં ફેરવી નાખવાનું સૂચવે છે એવો વીડિયો પણ વાઇરલ થયો છે. હવે સમજાયું કે આપણે કયા કયા ગ્રૂપમાં મેમ્બર અને ખાસ તો એડમિન છીએ તે જાણવું કેમ જરૂરી છે?
આવા કિસ્સા બની ચૂક્યા છે
થોડા સમય પહેલાં, અખબારોમાં ચમકેલા એક સમાચાર અનુસાર મધ્યપ્રદેશના એક યુવાને પાંચ-છ મહિના જેલમાં રહેવું પડ્યું, કેમ કે તે ‘બાય ડિફોલ્ટ’ વોટ્સએપના એક ગ્રૂપનો એડમિન બની ગયો હતો, જેમાં વાંધાજનક સામગ્રી શેર કરાઈ હતી.
આ ‘બાય ડિફોલ્ટ’ શબ્દની ગંભીરતા બરાબર સમજવા જેવી છે
અહેવાલો અનુસાર એ ગ્રૂપમાં વાંધાજનક પોસ્ટ શેર થઈ ત્યારે એ યુવાન તેનો એડમિન નહોતો. જે વ્યક્તિ એડમિન હતી તેણે ગ્રૂપ છોડી દીધું એટલે તેના પછી બીજી કોઈ વ્યક્તિ ગ્રૂપ એડમિન બની. તેણે પણ ગ્રૂપ છોડ્યું, તેના પરિણામે પેલો યુવાન ‘બાય ડિફોલ્ટ’ એ ગ્રૂપનો એડમિન બની ગયો. તેનો ગુનો એટલો ખરો કે તેણે પોતે એ ગ્રૂપમાં એડમિન બન્યો એ વાતને ગંભીરતાથી લીધી નહીં અને અનુકૂળ ન હોય તો એ ગ્રૂપ છોડવાનું તેણે મુનાસિબ માન્યું નહીં.
હવે આ આખી વાતને તમારા પોતાના દૃષ્ટિકોણથી તપાસી જુઓ. તમને ખાતરીબદ્ધ રીતે ખબર છે કે તમે અત્યારે વોટ્સએપ પર કેટલાં ગ્રૂપ્સમાં મેમ્બર છો અને કેટલાં ગ્રૂપ્સના એડમિન પણ છો?
તમે પોતે શરૂ કરેલા ગ્રૂપના તમે એડમિન હો એ સમજી શકાય પરંતુ વોટ્સએપની તકલીફ એ છે કે તેમાં કોઈ પણ વ્યક્તિ પોતાના મોબાઇલમાં તમારો નંબર સેવ કરીને તમને એ ગ્રૂપના મેમ્બર અને ઇચ્છે તો એડમિન પણ બનાવી શકે છે. તમને મેમ્બર બનાવવામાં આવે ત્યારે તેનો મેસેજ તમને મળે છે. એ સમયે તરત નિર્ણય લઈને એ ગ્રૂપમાંથી નીકળી ન જાવ તો ભવિષ્યમાં મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
ઉપરાંત, વોટ્સએપમાં ગ્રૂપ્સ અને વ્યક્તિઓ સાથેના ચેટિંગને અલગ અલગ બતાવવાની કોઈ વ્યવસ્થા નથી. નામ કે પ્રોફાઇલ પિક્ચર પરથી આપણે એ ગ્રૂપ હોવાનું અનુમાન કરી લઈએ એ જુદી વાત, પણ વોટ્સએપ પોતે વ્યક્તિગત ચેટ અને ગ્રૂપ ચેટને સ્પષ્ટ રીતે અલગ બતાવતી નથી.
આથી તમને કોઈ ગ્રૂપમાં એડમિન બનાવી દેવામાં આવે તો તમે જ્યાં સુધી એ ગ્રૂપની ચેટ ઓપન કરીને તેના નોટિફિકેશન્સ કે ગ્રૂપ ઇન્ફો તપાસો નહીં ત્યાં સુધી તમને કદાચ ખબર પણ ન પડે કે તમે એ ગ્રૂપમાં હવે એડમિન બની ગયા છો!
કોઈ પણ વ્યક્તિ માટે વોટ્સએપ પર દરેક ગ્રૂપ ચેટનું ચોકસાઈભરી રીતે ટ્રેકિંગ કરવું બહુ મુશ્કેલ છે. અલબત્ત, વોટ્સએપે હવે એવી વ્યવસ્થા આપી છે કે તમે કોઈ ગ્રૂપમાંથી નીકળી જાવ તો તમને ધરાર એ ગ્રૂપમાં ફરી જોડવાનું એ ગ્રૂપના એડમિન માટે મુશ્કેલ બને. ફરી મૂળ વાત. તમે વોટ્સએપમાં જઈને જોશો તો એવી કોઈ વ્યવસ્થા નહીં મળે જેને કારણે તમે જે જે ગ્રૂપમાં મેમ્બર હો તેની યાદી સહેલાઈથી જોઈ શકો. તો શું કરશો?
સલામતી માટે શું કરશો?
એક રસ્તો એ કે વોટ્સએપ ઓપન કરી, તેમાં જે તે ગ્રૂપ દેખાય તેની ચેટ ઓપન કરો. તેમાં મથાળે ગ્રૂપના નામ પર ક્લિક કરો અને તમારા ઉપરાંત બીજા કોણ કોણ એ ગ્રૂપમાં છે એ તપાસો. ગ્રૂપમાં કેવા પ્રકારની પોસ્ટ્સ મૂકાય છે એ જુઓ અને ખાસ તો, તમે તેમાં એડમિન છો કે નહીં એ જુઓ. ગ્રૂપ ભરોસાપાત્ર ન લાગે તો તેમાંથી એક્ઝિટ થાઓ અને પછી ગ્રૂપ ડિલીટ કરી દો.
આ રસ્તો સચોટ નથી કેમ કે આ રીતે, માત્ર એક્ટિવ ગ્રૂપ સુધી જ તમે પહોંચી શકશો. થોડા દિવસોથી જેમાં કોઈ પોસ્ટ મૂકાઈ ન હોય એવાં ગ્રૂપ્સ તમારી નજરમાંથી છટકી જશે.
બીજો રસ્તો એવો છે કે વોટ્સએપની એક સગવડનો આડકતરી રીતે લાભ લઈએ. વોટ્સએપ આપણા કોઈ કોન્ટેક્ટ અને આપણી કેટલાં કોમન ગ્રૂપમાં મેમ્બર છીએ તે બતાવે છે. એ માટે વોટ્સએપમાં કોઈ પણ કોન્ટેક્ટ સર્ચ કરી મથાળે તેમના નામ પર ક્લિક કરતાં, તેમની વિવિધ માહિતી ઉપરાંત, આપણે અને તેઓ કેટલાં કોમન ગ્રૂપમાં છીએ તે જાણવા મળે છે.
આ સગવડનો લાભ લેવા, તમારા ફોનની એડ્રેસબુકમાં તમારો નંબર શોધો. બની શકે કે તમને તમારો જ નંબર ન મળે! તો નંબર પહેલાં ઝીરો ઉમેરીને કે પછી દૂર કરીને ફરી સર્ચ કરો. ન મેળ પડે તો છેવટે તમારો જ નંબર ‘ટ્રાયલ’ જેવા નામથી કોન્ટેક્ટ બુકમાં ઉમેરો. હવે કોન્ટેક્ટ એપમાં જ, એ ‘ટ્રાયલ’ નંબર વોટ્સએપમાં હોવાનું જાણવા મળશે. તેમાં તે નંબરને વોટ્સએપ મેસેજ મોકલવાની લિંક ક્લિક કરો. આથી વોટ્સએપમાં એ નંબર સાથેનું ચેટપેજ ઓપન થશે. મથાળે એ નંબર પર ક્લિક કરતાં, તેનું ઇન્ફોપેજ ઓપન થશે (જે હકીકતમાં આપણું જ છે!). હવે આ ‘નંબર’ અને ‘આપણે’ કેટલા કોમન ગ્રૂપમાં છીએ એ તપાસતાં, આપણે પોતે કેટલા ગ્રૂપમાં છીએ તે ચોક્કસ રીતે જાણવા મળશે. મતલબ કે ઊંધી રીતે વોટ્સએપનો કાન પકડીને તમે જાણી શકશો કે તમે કેટલાં ગ્રૂપમાં મેમ્બર છો. હવે એ ગ્રૂપમાં તમારે રહેવું કે નહીં એ નિર્ણય તમારે કરવાનો.
એક સાદી વાત તપાસવી, વોટ્સએપમાં કેટલી મુશ્કેલ બની શકે છે એ જુઓ! વધુ અઘરું ત્યારે બનશે, જ્યારે તમે ઘણાં ગ્રૂપમાં મેમ્બર હશો અને આ દરેક ગ્રૂપ તમારે કેટલીય ક્લિક કરીને શોધવું પડશે.
વોટ્સએપ સરસ ને ઉપયોગી છે, પણ તેની વિચિત્રતાઓ (ગમે તેને રેન્ડમલી એડમિન બનાવાય) અને આપણા અવિચારી ઉપયોગથી તે જોખમી બની શકે છે! અન્ય સોશિયલ પ્લેટફોર્મના આવાં જોખમી પાસાં પણ આપણે સમજવાં જરૂરી છે.