- લિથિયમ તેમજ જટિલ ઉપકરણો વિના બનેલી
- પર્યાવરણને હાનિ ન પહોંચાડતી તેમજ સરળતાથી બનતી રેતીની બેટરી પ્રદુષણકારી ઈંધણો પરનો મદાર ઘટાડશે
નવી દિલ્હી : ફિનલેન્ડે વિશ્વને ચોંકાવીને બે હજાર ટન રેતીમાંથી એક અનોખી બેટરી બનાવી છે. આ પારંપરિક લિથિયમ બેટરીઓથી બિલકુલ અલગ છે અને મુખ્ય રીતે ગરમીના રૂપમાં ઊર્જાને લાંબો સમય સુધી સ્ટોર કરવા માટે બનાવવામાં આવી છે. ૧૩ મીટર ઊંચા ટાવરમાં ભરેલી રેતીને અતિરિક્ત રિન્યુએબલ ઊર્જા (પવન અથવા સૌર)થી ૬૦૦ ડીગ્રી સેલ્સિયસ સુધી તપાવવામાં આવે છે. આ ગરમી મહિનાઓ સુધી સુરક્ષિત રહે છે અને જરૂર પડે ત્યારે ઘરો અને ઉદ્યોગોને ગરમી આપવામાં ઉપયોગમાં લઈ શકાય છે.
આ ટેકનીકની સૌથી મોટી વિશેષતા છે તેની સસ્તી અને ટકાઉ પ્રકૃતિ. તેમાં મોંઘા લિથિયમ અથવા જટિલ ઉપકરણોની જરૂર નથી પડતી. રેતી સસ્તી, સરળતાથી ઉપલબ્ધ અને લાંબો સમય સુધી કાર્યક્ષમ રહે છે. કંપનીનો દાવો છે કે આ બેટરી ફોનથી વધુ સમય ચાલી શકે છે તેમજ પર્યાવરણ પણ સુરક્ષિત રહે છે.
રેતીની બેટરીનો ઉપયોગ ઠંડીની સીઝનમાં ઊર્જા સંકટના સમાધાન માટે મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. જ્યારે સૌર અને પવન ઊર્જાનું ઉત્પાદન ઓછું હોય છે ત્યારે આ સંગ્રહિત ગરમીનો ઉપયોગ કોલસા અને તેલ જેવા પ્રદુષણકારી ઈંધણો પરની નિર્ભરતા ઘટાડે છે. આ ટેકનીક કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો લાવીને ફિનલેન્ડના ૨૦૩૫ સુધીમાં ક્લાઈમેટ ન્યુટ્રલ બનવાના લક્ષ્યને શક્ય બનાવશે.
આ ટાવર ફિનલેન્ડના પોનાઈનેન શહેરમાં પોલર નાઈટ એનર્જી કંપનીએ તૈયાર કર્યું છે. ભવિષ્યમાં આ ટેકનીકનો ઉપયોગ ગરમી મેળવવા તેમજ વીજ ઉત્પાદન માટે પણ કરી શકાશે. વિશેષજ્ઞાોના મતે, આ શોધ લાંબો સમય શિયાળો ચાલતો હોય તેવા દેશો માટે આદર્શ છે તેમજ વૈશ્વિક સ્તરે રિન્યુએબલ ઊર્જાના પ્રસારમાં એક મોટું પરિવર્તન લાવી શકે છે.


