વોટ્સએપમાં પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીનશોટ લેવા પર પ્રતિબંધ
લાંબા સમયથી વોટ્સએપમાં કોઈ પણ વ્યક્તિના પ્રોફાઇલ પિકચર્સનો સ્ક્રીનશોટ લઈ
શકાતો હતો. એ કારણે કોઈ પણ વ્યક્તિ તેના કોન્ટેક્ટમાંની અન્ય કોઈ પણ વ્યક્તિનું
વોટ્સએપમાંનું પ્રોફાઇલ પિક્ચર ઓપન કરી તેનો સ્ક્રીનશોટ લઇને ગમે ત્યાં ઉપયોગ કરી શકતી
હતી.
૧૫મી ઓગસ્ટ કે અન્ય કોઈ તહેવાર દરમિયાન કે અન્ય કોઈ ખાસ નિમિત્તે, કોઈ વ્યક્તિ જે તે બાબતને સંબંધિત કંઈક ખાસ પ્રકારનું, મજાનું પ્રોફાઇલ પિકચર ક્રિએટ કરે અને અન્ય વ્યક્તિઓ તેનો સ્ક્રીનશોટ લઇને
તેને પોતાના પ્રોફાઇલ પિકચર તરીકે સેટ કરે એ ચલાવી લઈ શકાય, પરંતુ વ્યક્તિગત કે સંસ્થાઓના લોગો જ્યારે પ્રોફાઇલ પિકચર તરીકે સેટ હોય
ત્યારે તેનો સ્ક્રીનશોટ લેવામાં આવે તો તેનો દુરૂપયોગ થઈ શકે છે.
આ વાત ધ્યાનમાં રાખીને હવે વોટ્સએપમાં વ્યક્તિગત એકાઉન્ટના પ્રોફાઇલ પિકચરના
સ્ક્રીનશોટ લેવાની સુવિધા બંધ કરી દેવામાં આવી છે. આપણે ઇચ્છીએ તો પણ તેને ફરી ઓન
કરી શકતા નથી. સ્ક્રીનશોટ બ્લોકિંગનું ફીચર શરૂઆતમાં માત્ર એન્ડ્રોઇડ એપમાં આવ્યું
અને હવે આઇફોનમાં આવી રહ્યું છે.
જોકે આ બાબતે રાહતનો શ્વાસ લેતા પહેલાં એક વાત ખાસ ધ્યાને લેવા જેવી છે. એક, વોટ્સએપમાં બનાવેલા ગ્રૂપના પ્રોફાઇલ પિકચરનો હજુ પણ સ્ક્રીનશોટ લઈ શકાય છે.
આમ તો ઇન્ટરનેટ પર વ્યક્તિઓના ફોટોગ્રાફ કે સંસ્થાઓના લોગો ખાસ્સી સહેલાઈથી
મળી આવતા હોય છે. પરંતુ કોઈ વ્યક્તિ ઇન્ટરનેટ પર બહુ જાણીતી ન હોય તો તેનો ફોટો
સહેલાઈથી મળે નહીં. એ કારણે વોટ્સએપમાં પ્રોફાઇલ પિક્ચરનો સ્ક્રીનશોટ લેવાની
સુવિધા બ્લોક થવી જરૂરી હતી. બીજી યાદ રાખવા જેવી વાત એ પણ છે કે ઇન્ટરનેટ પર
ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિ કે કંપની કે સંસ્થાનો લોગો દેખાય તો તે અસલી, અધિકૃત જ હશે તેવું માની લેવું નહીં.