Auto Expo 2023 : ભારતમાં ધુમ મચાવવા આવશે એલ્યુમિનિયમથી ચાર્જ થતી ગાડી, જુઓ ખાસીયત
ઇઝરાયેલની કંપની અને ઇન્ડિયન ઓઈલ એલ્યુમિનિયમથી ચાર્જ થતી ગાડી આપશે
કાર એક વખત ચાર્જ કર્યા પછી ૨૦૦ કિ.મી. ચાલતી હોય તો આ ટેકનોલોજીથી ૪૦૦ કિ.મી. દોડશે
નવી દિલ્હી, તા.13 જાન્યુઆરી-2023, શુક્રવાર
નવી દિલ્હીમાં યોજાય રહેલા ઓટો એક્સ્પોમાં ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના બદલે પર્યાવરણને નુકસાન કરે નહી એવા અનેક વિચારો સાથે કંપનીઓએ પોતાની પરિકલ્પના સાથે પરિવહનના વિવિધ ઉકેલ રજૂ કર્યા હતા. તેમાં ઇઝરાયેલની કંપની ફીનેરજીનો ઉપાય સૌથી અલગ જોવા મળ્યો હતો.
આ કંપનીએ વર્તમાન બેટરીથી ચાલતી ગાડીઓ કેવી રીતે વધારે ચાલી શકે, એક જ ચાર્જમાં કેમ વધારે દોડી શકે તેના માટે એક અલગ આઈડિયા રજ કર્યો છે. આ પ્રોડક્ટનું અત્યારે ટેસ્ટીંગ ચાલી રહ્યું છે અને એક વર્ષમાં તે ભારતમાં ઉપલબ્ધ થઇ જશે એવો કંપનીનો દાવો છે.‘અમે જે ટેકનોલોજી અપનાવી છે તેમાં બેટરીને ચાર્જીંગ માટે વીજળી આપવા માટેનો નવો રસ્તો બનાવ્યો છે. એલ્યુમિનિયમના એનોડ થકી અમે બેટરીનું ચાર્જીંગ કરીએ છીએ. ગાડી જ્યારે ચાલુ હોય ત્યારે એલ્યુમિનિયમ હવામાંથી ઓક્સીજન મેળવે છે.
આ ઓક્સીજન એનોડ સાથે ટકરાય ત્યારે ઉર્જા પેદા થાય તેને વીજળીમાં રૂપાંતરિત કરી બેટરીની ચાર્જીંગ લાઈફ વધારી શકીએ છીએ. જો તમારી કાર એક વખત ચાર્જ કર્યા પછી ૨૦૦ કિલોમીટર ચાલતી હોય તો આ ટેકનોલોજીથી ૪૦૦ કિલોમીટર ચાલશે,’ ફીનેરજીના જ્યુડીથ યાવનીલેએ જણાવ્યું હતું.
ભારતમાં આ ટેકનોલોજી લાવવા માટે ફીનેરજી અને દેશની સૌથી મોટી ઇંધણ વેચતી કંપની ઇન્ડીયન ઓઇલે એક સંયુક્ત સાહસ કર્યું છે. એલ્યુમિનિયમ એનોડની પોતાની એક લાઈફ હોય છે એટલે તેને ફરી ચાર્જ કરવા કે બદલવા માટે ઇન્ડીયન ઓઈલના પમ્પનો ભવિષ્યમાં ઉપયોગ થશે એવું જ્યુડીથે ઉમેર્યું હતું.