For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ધ્યાન આપજો, તમારાં જૂનાં ગુગલ એકાઉન્ટ ડિલીટ થઈ શકે છે !

Updated: May 24th, 2023


હમણાં હમણાં ગૂગલે જાહેર કર્યું છે કે તે લાંબા સમયથી ઇનએક્ટિવ રહેલાં ગૂગલ એકાઉન્ટ્સ ડિલીટ કરવાનું શરૂ કરશે. હજી ગયા અઠવાડિયે આ જાહેરાત કરતાં ગૂગલે સ્પષ્ટતા કરી છે કે પાછલાં ઓછામાં ઓછા બે વર્ષથી જે ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ ન થયો હોય કે તેમાં લોગઇન જ ન કરવામાં આવ્યું હોય તે એકાઉન્ટ ગૂગલ ડિલીટ કરી શકે છે. ગૂગલે આ સાથે એવી પણ ચેતવણી આપી છે કે ગૂગલ એકાઉન્ટ ડિલીટ થતાં તેમાંનો બધો જ ડેટા પણ ડિલીટ થશે. મતલબ કે આ એકાઉન્ટમાં જીમેઇલમાંના બધા મેઇલ્સ, ગૂગલ ડ્રાઇવમાંની બધી ફાઇલ્સ, કેલેન્ડરમાંની વિગતો તથા ગૂગલ ફોટોઝમાં સ્ટોર કરેલા ફોટોઝ વગેરે સહિત બધું જ ડિલીટ થશે.

કંપનીના જણાવ્યા અનુસાર જૂના એકાઉન્ટને કારણે સિક્યોરિટી સંબંધિત સમસ્યાઓ ઊભી થતી હોવાને કારણે જૂના એકાઉન્ટ ડિલીટ કરવાનો નિર્ણય કર્યો છે. ગૂગલના મત અનુસાર બે વર્ષથી જે એકાઉન્ટનો ઉપયોગ ન થયો હોય તેમાં મોટા ભાગે ટુ-સ્ટેપ વેરિફિકેશન કે અન્ય સિક્યોરિટી સેટિંગ ન હોવાની સંભાવના છે અને તેને કારણે આવા એકાઉન્ટ કોમ્પ્રોમાઇઝ થયા હોય કે તેમને માટે સેટ થયેલા પાસવર્ડનો અન્ય જગ્યાએ ઉપયોગ થતો હોવાની પૂરી શક્યતા છે.

જોકે હજી આ વર્ષના ડિસેમ્બર મહિના સુધી ગૂગલ જૂના એકાઉન્ટ ડિલીટ કરવાની પ્રક્રિયા શરૂ કરશે નહીં. ઉપરાંત એકાઉન્ટ ડિલીટ કરતાં પહેલાં તે યૂઝર્સને વારંવાર ચેતવણી પણ આપશે. અલબત્ત આપણે જે આવા કોઈ જૂના એકાઉન્ટનો ઉપયોગ કરતા જ ન હોઇએ, તો તેમાં ચેતવણી આવે તો તેનો કોઈ અર્થ નથી! આથી એ એકાઉન્ટમાં રિકવરી એકાઉન્ટ તરીકે અન્ય કોઈ ઇમેઇલ એડ્રેસ આપ્યું હોય અને તેનો આપણે નિયમિત ઉપયોગ કરતા હોઇએ તો આવી ચેતવણી આપણા ધ્યાનમાં આવશે. ઉપરાંત ગૂગલ કહે છે કે તે માત્ર પર્સનલ એકાઉન્ટ્સ ડિલીટ કરશે. સ્કૂલ, કોલેજ કે ઓફિસ તરફથી મળેલા ગૂગલ એકાઉન્ટ્સનો બે વર્ષથી ઉપયોગ ન કર્યો હોય તો પણ તે સલામત રહેશે. 

હજી સારી વાત એ છે કે આપણે જૂના એકાઉન્ટમાં કોઈ ન્યૂઝલેટર સબસ્ક્રાઈબ કર્યા હોય અને તેના નિયમિત મેઇલ આવતા હોય તો એ એક્ટિવિટી ગણાશે અને એકાઉન્ટ ડિલીટ થશે નહીં.

આ બધું ધ્યાને લેતાં તમારા જૂના ગૂગલ એકાઉન્ટ પર ખાસ જોખમ નથી, તેમ છતાં તેને સાચવી રાખવા માગતા હો તો તેમાં લોગઇન થવાનો પ્રયાસ કરો. પાસવર્ડ ભૂલી ગયા હો કે યૂઝરનેમ ભૂલી ગયા હો તો પણ તેને રિકવર કરી શકાય છે. આવા જૂના એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કરીને આપણે તેને સાચવી રાખી શકીએ છીએ.

Gujarat