ભારતમાં ઇસરોએ વિકસાવેલી સ્વદેશી ટેકનોલોજીની એટમિક ક્લોકનું અત્યાધુનિક માળખું ગોઠવાશે
- હવે સાયન્સ-ટેકનોલોજી સાથે વન નેશન વન ટાઇમ
- દેશનાં તમામ કમ્પ્યુટર, લેપટોપ, સ્માર્ટ વોચ વગેરે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ મુજબ કાર્ય કરશે: હાલ આ બધી ટેકનોલોજી સિસ્ટમ અમેરિકાના નેટવર્ક ટાઇમ પ્રોટોકોલ સાથે જોડાયેલી છે
બેંગલુરુ/મુંબઇ : ભારત સરકાર સમગ્ર દેશમાં એટમિક ક્લોક(પરમાણુ ઘડિયાળ)નું બહોળું માળખું ગોઠવવા આયોજન કરી રહી છે. આખા ભારતમાં એટમિક ક્લોકનુંમાળખું ગોઠવવાનો હેતુ છે વન નેશન, વન ટાઇમ(એક રાષ્ટ્ર,એક સમય)નો.
એટમિક ક્લોકની સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના પ્રતિભાશાળી વિજ્ઞાાનીઓએ વિકસાવી છે. આ અત્યાધુનિક વ્યવસ્થા સાથે ભારત દેશ અમેરિકા,બ્રિટન,જાપાન, દક્ષિણ કોરિયા સાથે જોડાઇ જશે.
ઇસરોનાં સૂત્રોએ એવી વિશિષ્ટ માહિતી આપી છે કે એટમિક ક્લોકનનું નામ છે રૂબિડિયમ પરમાણુ ઘડીયાળ. એક વખત ભારત સરકાર આખા દેશમાં-વન નેશન,વન ટાઇમ-નો અમલ કરવાનો મહત્વનો નિર્ણય લેશે ત્યારે સમગ્ર ભારતમાંનાં તમામ કમ્પ્યુટર્સ, લેપટોપ્સ, સ્માર્ટ વોચ, મોબાઇલ ફોન્સ વગેરે આ જ રૂબિડિયમ પરમાણુ ઘડિયાળ સાથે જોડાઇ જશે.
હાલ ઇન્ટરનેટ પર ભારતની બધી સિસ્ટમ અમેરિકાના નેટવર્ક ટાઇમ પ્રોટોકોલ સાથે જોડાયેલી છે. અમેરિકાના આ જ નેટવર્ક ટાઇમ પ્રોટોકોલ મુજબ ભારતમાં કમ્પ્યુટર નેટવર્ક પર સમય નક્કી થાય છે.જોકે ભારતમાં રૂબિડિયમ પરમાણુ ઘડિયાળનું દેશ વ્યાપી ટેકનિકલ માળખું ગોઠવાઇ જશે એટલે દેશનાં તમામ કમ્પ્યુટર્સ, મોબાઇલ ફોન્સ,લેપટોપ, સ્માર્ટ વોચ વગેરે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ (આઇ.એસ.ટી.) મુજબ કાર્ય કરશે.
પાકિસ્તાન સામે થયેલા કારગીલ યુદ્ધ (૩,મેથી ૨૬,જુલાઇ-૧૯૯૯)સમયે ભારતે અમેરિકા પાસે ગ્લોબલ પોઝીશનિંગ સિસ્ટમ (જી.પી.એસ.)ની ટેકનિકલ સહાય આપવા રજૂઆત કરી હતી.જોકે તે વખતે અમેરિકાએ આપણને જી.પી.એસ. ટેકનોલોજીની સહાય આપવાની ના કહી દીધી હતી. કારગીલ યુદ્ધમાં તો ભારતનો ઝળહળતો વિજય થયો હતો. બસ,ત્યારબાદ ભારતે પોતાની રુબિડિયમ પરમાણુ ઘડિયાળ બનાવવાનો મહત્વનો નિર્ણય કર્યો. આજે ઇસરોના વિજ્ઞાાનીઓએ સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી સાથેની રુબિડિયમ પરમાણુ ઘડિયાળ બનાવી છે.
ઇસરોની સહયોગી સંસ્થા સ્પેસ એપ્લિકેશન સેન્ટર(એસ.એ.સી.- સેક -અમદાવાદ)ના ડાયરેક્ટર નીલેશ કુમાર દેસાઇએ એવી માહિતી આપી હતી કે હા, ભારતની પ્રથમ અને સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજીવાળી રુબિડિયમ પરમાણુ ઘડિયાળ અમારા કુશળ-પ્રતિભાશાળી વિજ્ઞાાનીઓએ બનાવી છે. ઇસરોના ૨૦૧૩થી ૨૦૨૩ દરમિયાન તરતા મૂકાયેલા સેટેલાઇટ્સમાં વિદેશી બનાવટની રુબિડિયમ પરમાણુ ઘડિયાળનો ઉપયોગ થયો છે. જોકે ૨૦૨૩માં તરતા મૂકાયેલા નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (નાવિક)ની ૧૦મી શ્રેણીના સેટેલાઇટમાં પહેલી જ વખત ભારતની પોતાની ટેકનોલોજીવાળી રુબિડિયમ પરમાણુ ઘડિયાળ ગોઠવવામાં આવી છે.સેટેલાઇટમાં રુબિડિયમ પરમાણુ ઘડિયાળ ગોઠવાથી સેટેલાઇટ જે ભ્રમણકક્ષામાં ફરતો હોય ત્યાંથી તે પોઝીશનિંગની જાણકારી આપે છે.