ખગોળશાસ્ત્રીઓએ પૃથ્વીના કદ જેવડો નવો ગ્રહ ખોળી કાઢ્યોઃ નામ આપ્યું પાઇ પ્લેનેટ
- આ ગ્રહ તેના પિતૃ તારા ફરતે ફક્ત 3.14 દિવસમાં એક પ્રદક્ષિણા પૂરી કરે છે
કેમ્બ્રીજ, તા. 23 સપ્ટેમ્બર 2020 ગુરૂવાર
અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી(એમ.આઇ .ટી.)ના ખગોળશાસ્ત્રીઓએ અન્ય ખગોળવિજ્ઞાાનીઓના સહકારથી અંતરીક્ષમાં પૃથ્વી જેવડો(પૃથ્વી જેટલું કદ ધરાવતો) ગ્રહ શોધ્યો છે. ખગોળશાસ્ત્રીઓએ આ નવા ગ્રહને પાઇ પ્લેનેટ એવું વિશિષ્ટ નામ આપ્યું છે.
ખગોળશાસ્ત્રીઓના કહેવા મુજબ પૃથ્વી જેવડો લાગતો આ નવો ગ્રહ તેના પિતૃ તારા ફરતે ફક્ત 3.14 દિવસમાં જ એક પ્રદક્ષિણા પૂરી કરે છે. એટલે કે આ નવો ગ્રહ તેના પિતૃ તારાથી ઘણો નજીક રહીને તેની પ્રદક્ષિણા કરી રહ્યો છે.
પરિણામે તે ગ્રહનું તાપમાન લગભગ 450 કેલ્વિન (350 ફેહરનહીટ)જેટલું અતિ ધગધગતું હોઇ શકે છે.એટલે કે આ નવા ગ્રહ પર કોઇ જીવ પાંગરી શકે કે રહી શકે તે શક્ય જ નથી.આ ગ્રહનો એક દિવસ ફક્ત 3.14નો હોય તે અન્ય ગ્રહો પરના દિવસની સરખામણીએ બહુ અવાસ્તવિક લાગતું હોવાથી અમે તેનું નામ પાઇ પ્લેનેટ આપ્યું છે.
બીજા શબ્દોમાં કહીએ તો આ નવો ગ્રહ ગણિતની પાઇ સંજ્ઞાની યાદ અપાવતો હોય તેવું લાગે છે.ગણિતમાં અમુક આંકડા અવાસ્તવિક કે આતાર્કિક હોય છે.
ખગોળશાસ્ત્રીઓના આ જૂથે અમેરિકાની નાસાના કેપ્લર સ્પેસ ટેલિસ્કોપ કે 2 મિશન દ્વારા 2017માં એકઠી કરાયેલી માહિતીનો ઉપયોગ કર્યો હતો.
ઉપરાંત, તેઓએ પૃથ્વી પરના સ્પેક્યુલોસ નામના ટેલિસ્કોપ્સ જૂથ દ્વારા અકઠી કરાયેલી માહિતીનો પણ ઉપયોગ કર્યો હતો. વિજ્ઞાનીઓને જે સિગ્નલ્સ મળ્યા હતા તેના દ્વારા જાણવા મળ્યું હતું કે આ ગ્રહ કોઇ તારા ફરતે ગોળ ગોળ પ્રદક્ષિણા કરી રહ્યો છે.આ સંશોધનની વિગતો એસ્ટ્રોનોમિકલ જર્નલમાં પ્રસિદ્ધ થઇ છે.
એમ.આઇ.ટી.ના ડિપાર્ટમેન્ટ ઓફ અર્થ, એટમોસફિયરિક એન્ડ પ્લેનેટરી સાયન્સ(ઇ.એ.પી.એસ.) વિભાગમાં અભ્યાસ કરતા પ્રજ્વલ નિરાઉલાએ એવી માહિતી આપી હતી કે આ નવો ગ્રહ તેના પિતૃ તારા ફરતે ઘડિયાળના કાંટાની જેમ (જમણેથી ડાબે) ગોળ ગોળ ફરે છે.