Get The App

બાળકોના મામલે એપલ, ગૂગલ અને મેટા બાળકોની જેમ બાખડ્યાં

Updated: Jun 25th, 2025

GS TEAM

Google News
Google News
બાળકોના મામલે એપલ, ગૂગલ અને મેટા બાળકોની જેમ બાખડ્યાં 1 - image


તમને તમારું કાચી ઉંમરનું બાળક સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ હોવાની ચિંતા છે? (આવી ચિંતા ન હોય તો એ જ ચિંતાની વાત છે!). ભારત સહિત સમગ્ર વિશ્વમાં સોશિયલ મીડિયાના બાળકો પર સતત વધતા પ્રભાવ વિશે પેરેન્ટ્સમાં વ્યાપક ચિંતા ફેલાઈ રહી છે. લગભગ તમામ સોશિયલ મીડિયા સાઇટ્સમાં એકાઉન્ટ ઓપન કરાવવા માટે ૧૩ વર્ષથી વધુ ઉંમર હોવી જરૂરી છે. ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં ટીનેજર્સ એટલે કે ૧૬ વર્ષથી ઉંમરના બાળકો સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ખોલાવી ન શકે તેવો કાયદો અમલમાં આવી ગયો છે.

પરંતુ હકીકત એ છે કે સોશિયલ સાઇટ્સ પર એકાઉન્ટ ખોલાવતી વખતે યૂઝરની ઉંમરની ગંભીર રીતે ચકાસણી કે ખાતરી કરવામાં આવતી ન હોવાથી નાની ઉંમરના બાળકો ખોટી ઉંમર બતાવીને એકાઉન્ટ ખોલાવી છે અને પછી માબાપની કોઈ દેખરેખ વિના સોશિયલ મીડિયાનો બેરોકટોક ઉપયોગ કરે છે અને એમ કરવા જતાં તેમને માટે જોખમી લોકો કે કન્ટેન્ટના સીધા સંપર્કમાં આવી જાય છે.  આ સ્થિતિનો સામનો કરવા માટે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ‘ટીનેજર્સ એકાઉન્ટ’ની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં એઆઇની મદદથી યૂઝરની ઉંમરનો અંદાજ મેળવીને એકાઉન્ટને આપોઆપ ટીનેજર એકાઉન્ટમાં ફેરવી નાખીને તેના પર કેટલાંક નિયંત્રણો મૂકવામાં આવે છે.

હવે આ મુદ્દે એક નવી ખેંચતાણ શરૂ થઈ છે. મેટા કંપનીનું કહેવું છે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવી એપ એન્ડ્રોઇડ માટે ગૂગલના પ્લે સ્ટોર અને એપલના એપ સ્ટોરમાંથી ડાઉનલોડ થતી હોવાથી યૂઝરની ઉંમરની ખાતરી કરવાની જવાબદારી એન્ડ્રોઇડ અને આઇઓએસ જેવી ઓપરેટિંગ સિસ્ટમના માથે નાખવી જોઇએ. મેટાનું કહેવું છે કે એપ ડાઉનલોડ થતી હોય ત્યારે જ યૂઝરની ઉંમરની ચકાસણી કરી લેવામાં આવે તો બાળકોને ઓનલાઇન જોખમો સામે સલામતી આપી શકાય.

પરંતુ ગૂગલ અને એપલ બંનેએ આ સૂચનને સદંતર નકારી દીધું છે. ગૂગલના કહેવા મુજબ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરેનો ફોનમાંની એપ ઉપરાંત ડેસ્કટોપ પર પણ ઉપયોગ થઈ શકે છે. આથી ફક્ત ફોનના પ્લે સ્ટોરમાં એપ ડાઉનલોડ થાય ત્યારે ઉંમરની ખાતરી કરવાનો કોઈ અર્થ રહેતો નથી.  એપલનું પણ કહેવું છે કે યૂઝરની ઉંમરની ખાતરી કરવાની જવાબદારી જે તે વેબસાઇટ કે એપ્સની જ હોવી જોઇએ, ઓપરેટિંગ સિસ્ટમની નહીં.

Tags :