Get The App

આઇફોન, આઇપેડ અને મેક યુઝર્સ સાવધાન: ડિવાઇસ પર સાયબર હુમલાનો ખતરો, CERT-Inની મોટી ચેતવણી

Updated: May 15th, 2026

GS TEAM

Google News
Google News
આઇફોન, આઇપેડ અને મેક યુઝર્સ સાવધાન: ડિવાઇસ પર સાયબર હુમલાનો ખતરો, CERT-Inની મોટી ચેતવણી 1 - image

Apple Device At Risk: ભારતની રાષ્ટ્રીય સાયબર સુરક્ષા એજન્સી CERT-Inએ Apple ડિવાઇસનો ઉપયોગ કરતા યુઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે. આ એડવાઇઝરીમાં આઇફોન, આઇપેડ, મેક કમ્પ્યુટર્સ અને Apple ઇકોસિસ્ટમના અન્ય પ્રોડક્ટ્સમાં મળી આવેલી કેટલીક નવી સુરક્ષા ખામીઓ વિશે માહિતી આપવામાં આવી છે. જો સમયસર આ ખામીઓને ઠીક કરવામાં નહીં આવે તો હુમલાખોરો તેનો લાભ લઈને સંવેદનશીલ ડેટા સુધી ગેરકાયદેસર ઍક્સેસ મેળવી શકે છે અથવા ડિવાઇસની સામાન્ય કામગીરીમાં ખલેલ પહોંચાડી શકે છે.

અનેક Apple સોફ્ટવેર પ્લેટફોર્મ પર અસર

CERT-In દ્વારા દર્શાવવામાં આવેલી આ સુરક્ષા ખામીઓ Appleના અનેક સોફ્ટવેર પ્લેટફોર્મને અસર કરે છે. તેમાં iOS, iPadOS, macOS, tvOS, visionOS અને Safari બ્રાઉઝરના જૂના વર્ઝન્સનો સમાવેશ થાય છે. આ ખામીઓનો ઉપયોગ કરીને હુમલાખોરો સિસ્ટમમાં વધુ અધિકારો મેળવી શકે છે અથવા ગોપનીય માહિતી સુધી પહોંચી શકે છે. સાથે જ તેઓ સુરક્ષા નિયંત્રણોને બાયપાસ કરી શકે છે અથવા ડિવાઇસની સામાન્ય કામગીરીને અસર કરતી Denial-of-Service જેવી પરિસ્થિતિ ઊભી કરી શકે છે.

CERT-Inએ જોખમી સોફ્ટવેર વર્ઝન્સની યાદી જાહેર કરી

CERT-Inએ કેટલીક ખાસ જોખમી સોફ્ટવેર વર્ઝન્સની યાદી પણ જાહેર કરી છે, જેમાં કેટલાક iPad મોડલ્સમાં ચાલતા જૂના iPadOS વર્ઝન્સનો સમાવેશ થાય છે. એજન્સીએ આ ખામીઓ સાથે જોડાયેલા અનેક Common Vulnerabilities and Exposures (CVE) આઈડેન્ટિફાયર્સની પણ ઓળખ કરી છે. તેમાં માહિતી લીક થવી અને સુરક્ષા પ્રતિબંધોને બાયપાસ કરવાની સમસ્યાઓનો સમાવેશ થાય છે. જો Mac ડિવાઇસમાં જૂના macOS વર્ઝનનો ઉપયોગ થઈ રહ્યો હોય અને તેમાં તાજેતરના સુરક્ષા પેચ ઇન્સ્ટોલ ન કરવામાં આવ્યા હોય તો આવા યુઝર્સ પણ જોખમ હેઠળ રહી શકે છે.

યુઝર્સને તરત ડિવાઇસ અપડેટ કરવાની સલાહ

CERT-Inએ અસરગ્રસ્ત Apple ડિવાઇસના તમામ યુઝર્સને સલાહ આપી છે કે તેઓ તરત જ પોતાના ડિવાઇસને કંપની દ્વારા જાહેર કરાયેલા નવા સોફ્ટવેર વર્ઝનમાં અપડેટ કરે. આ નવા અપડેટ્સમાં સુરક્ષા પેચ સામેલ છે, જે ઓળખાયેલી ખામીઓને દૂર કરવા અને ડિવાઇસની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. એજન્સીએ યુઝર્સને Safari અને Appleના અન્ય સોફ્ટવેર કોમ્પોનેન્ટ્સને પણ નિયમિત રીતે અપડેટ રાખવાની સલાહ આપી છે, કારણ કે જૂના અને સુરક્ષા ખામીઓ ધરાવતા એપ્લિકેશન્સ હેકર્સ માટે સરળ નિશાન બની શકે છે.

અનેક Apple પ્રોડક્ટ્સ પર અસર

CERT-Inની આ ચેતવણી આઇફોન, આઇપેડ, મેક અને એપલ વોચ સહિત Appleના અનેક પ્રોડક્ટ્સને આવરી લે છે. આ અસર નવા તેમજ જૂના બંને પ્રકારના ડિવાઇસ પર જોવા મળી શકે છે. તેમાં નવી iPhone 17 સિરીઝ ઉપરાંત iPhone 11, iPhone X, iPhone 8 અને iPhone 7 જેવા જૂના મોડલ્સનો પણ સમાવેશ થાય છે. તાજેતરના iPad અને Mac ડિવાઇસ પણ આ સુરક્ષા ખામીઓથી સંપૂર્ણપણે સુરક્ષિત નથી.