Get The App

વોટ્સએપમાંથી કોઈ ચેટ કે ગ્રુપ ચેટ અચાનક ગાયબ થઈ ગઇ ?

Updated: Dec 17th, 2023

GS TEAM

Google News
Google News
વોટ્સએપમાંથી કોઈ ચેટ કે ગ્રુપ ચેટ અચાનક ગાયબ થઈ ગઇ ? 1 - image


આ વાત વોટ્સએપમાં આવેલા કોઈ નવા અપડેટની નથી, પણ થોડા સમય પહેલાં આવેલા એક અપડેટથી તમને કેવી અસર થઈ શકે છે તેની વાત છે. થોડા સમય પહેલાંથી વોટ્સએપમાં આપણી ચેટ્સને લોક કરવાની સુવિધા મળી છે. એ ઉપરાંત હવે તો ચેટ્સને ‘સિક્રેટ કોડ’ સ્વરૂપે હજી વધુ એક તાળું પણ મારી શકાય છે.

આ અપડેટની આડઅસર જુઓ. આપણે જ્યારે સમજી-વિચારીને કે પછી ભૂલથી કોઈ ચેટને લોક કરીએ તો તે વોટ્સએપના હોમસ્ક્રીન પરથી, જ્યાં બધી ચેટનું લિસ્ટ દેખાતું હોય ત્યાંથી દૂર થાય છે. એટલું જ નહીં, તેને વધુ સિક્રેટ રાખવા માટે આપણે અન્ય કોઈ એપમાંથી કશું પણ એ લોક્ડ ચેટમાં શેર પણ કરી શકતા નથી.

પરિણામે જો તમે સમજી-વિચારીને કે પછી જાણે-અજાણે કોઈ વ્યક્તિ કે ગ્રૂપ સાથેની ચેટને લોક કરી દીધી હોય અને પછી તેને ભૂલી ગયા હો તો પછી તેને ‘ક્યાં ગાયબ થઈ ગઈએવો સવાલ થઈ શકે છે - ખાસ કરીને, જો તમે ચેટ લોક ફીચરનો નિયમિત ઉપયોગ કરતા ન હોય તો. લોક કરેલી કે ભૂલથી લોક થયેલી ચેટ્સ શોધવાનો રસ્તો સાવ સહેલો છે - આપણે વોટ્સએપના હોમ સ્ક્રીન પર આંગળીથી હળવેથી નીચેની તરફ સ્વાઇપ કરવાનું છે. આથી આપણે ‘આર્કાઇવ’ કરેલી (રોજેરોજ તપાસવી જરૂરી ન હોય, પણ સાચવી રાખવી હોય તેવી ચેટ્સને ‘આર્કાઇવ’ કરી શકાય છે) તથા  લોક કરેલી ચેટ્સ હોમ સ્ક્રીન પર સૌથી મથાળે પ્રગટ થશે!

જો તમારે કોઈ ચોક્કસ ચેટને લોક કે અનલોક કરવી હોય તો તેને ઓપન કરો અને મથાળે, તેના નામ પર ક્લિક કરો. ચેટનાં સેટિંગ્સ ખૂલે તેમાં ચેટને લોક-હાઇડ કે અનલોક-અનહાઇડ કરવાના વિકલ્પ મળશે.

મોટા ભાગની એપ કે અન્ય બાબતમાં તમે કોઈ બાબતે ગૂંચવાતા હો, તો એવું બની શકે કે આપણે જ ભૂલથી કોઈ સેટિંગ ઓન-ઓફ કરી દીધું હોય - તેને આપણે શોધવું પડે, બસ!

Tags :