Ask Gemini Delay: એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક દુઃખના સમાચાર છે. ગૂગલ દ્વારા આસિસ્ટન્ટની જગ્યાએ જેમિની AIનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. જોકે એ માટે યુઝર્સે રાહ જોવી પડશે કારણ કે ગૂગલ દ્વારા આ પ્રોસેસને લંબાવી દેવામાં આવી છે. ગૂગલ દ્વારા 2025માં જેમિનીને પર્સનલ આસિસ્ટન્ટ તરીકે રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે આ વિશે ગૂગલ દ્વારા સ્ટેટમેન્ટ જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે 2026માં એને ધીમે-ધીમે દરેક યુઝર્સ સુધી પહોંચાડવામાં આવશે.
કઈ કઈ ડિવાઇસમાં જોવા મળશે જેમિની?
ગૂગલ દ્વારા એન્ડ્રોઇડ મોબાઇલની સાથે, સ્માર્ટવોચ, એન્ડ્રોઇડ ઓટો, નેસ્ટ અને ગૂગલ હોમ ડિવાઇસમાં એનો સમાવેશ કરવામાં આવશે. ગૂગલ દ્વારા ધીમે-ધીમે કેટેગરીના આધારે એન્ડ્રોઇડ મોબાઇલમાં જેમિનીને રિલીઝ કરવામાં આવશે. સૌથી પહેલાં હાઇએન્ડ મોડલમાં એને રિલીઝ કરવામાં આવશે. ત્યાર બાદ જે-તે કંપની તેમના મોબાઇલમાં જેમિનીનો સમાવેશ કરશે.
આસિસ્ટન્ટને કરવામાં આવશે બાય-બાય
ગૂગલ દ્વારા જેમિનીનું ટ્રાન્સિશન પૂરું થયા બાદ ગૂગલ આસિસ્ટન્ટનો ઉપયોગ નહીં કરી શકાય. યુઝર્સ હાલમાં આસિસ્ટન્ટનો ઉપયોગ વોઇસ કમાન્ડ દ્વારા કરી રહ્યાં છે. જેમિની માટે ડિવાઇસમાં જે ઓછામાં ઓછા હાર્ડવેરની જરૂર હોય એ તમામ ડિવાઇસમાં એનો સમાવેશ કરવામાં આવશે. જેમિનીનો સમાવેશ કર્યા બાદ યુઝર્સ આસિસ્ટન્ટનો ઉપયોગ નહીં કરી શકે. આ સાથે જ એને ડાઉનલોડ પણ નહીં કરી શકે.
આ પણ વાંચો: IRCTCએ ફરી બદલ્યા નિયમ: આધાર લિંક વગરની ટિકિટ બુકિંગનો સમય કરવામાં આવ્યો ઓછો…
AI ટ્રેનિંગ વગર જેમિનીનો ઉપયોગ
ગૂગલે આ વર્ષની શરૂઆતમાં જ એન્ડ્રોઇડમાં જેમિની માટે કેટલાક ફીચર આપ્યા હતા. આ ફીચરની મદદથી યુઝર્સ AI વગર જ કેટલાક ફંક્શનનો ઉપયોગ કરી શકતા હતા. એમાં ફોન કરવો, ટાઈમર સેટ કરવા અને મેસેજ કરવા જેવી સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એ માટે ગૂગલ જેમિની એપ્લિકેશન શરૂ કરવાની જરૂર પણ નહોતી કરવી પડતી. આ માટે યુઝરના ડેટા AI ટ્રેનિંગ માટે પણ ઉપયોગમાં લેવામાં નહોતા આવતા.


