Get The App

2.5 કરોડ રૂપિયામાં આવી ગઈ ફ્લાઇંગ કાર, ટ્રાફિકની મારા-મારીથી હવે બચી શકાશે…

Updated: Feb 24th, 2025

GS TEAM


Google News
Google News
2.5 કરોડ રૂપિયામાં આવી ગઈ ફ્લાઇંગ કાર, ટ્રાફિકની મારા-મારીથી હવે બચી શકાશે… 1 - image


Flying Cars: દુનિયાભરના દેશોના ઘણાં શહેરો ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દિવસે-દિવસે કાર્સ અને બાઇકની સંખ્યા વધી રહી છે અને દરેક જગ્યા પર ટ્રાફિક વધી રહ્યું છે. બાઇક ચલક સાઇડ પરથી નીકળી શકે છે કારણ કે તેમને ઓછી જગ્યા જોઈતી હોય છે, પરંતુ કાર માટે ખૂબ જ મોટી સમસ્યા છે. પ્રયાગરાજમાં હાલમાં 300 કિલોમીટર સુધીનું ટ્રાફિક થયું હતું જે દુનિયાનું સૌથી લાંબું ટ્રાફિક જામ કહેવાય છે. આ સમયે હવે એક એવી કારની શોધ થઈ છે જે હવામાં ઉડી પણ શકે અને જમીન પર ચાલી પણ શકે.

એલેફ એરોનોટિક્સે બનાવી ફ્લાઇંગ કાર

કેલિફોર્નિયાના સેન મેટેઓમાં આવેલી કંપની એલેફ એરોનોટિક્સ દ્વારા ફ્લાઇંગ કાર બનાવવામાં આવી છે. આ કંપનીની સ્થાપના 2015માં થઈ હતી. આ કંપનીએ રોડ-લીગલ ફ્લાઇંગ કાર બનાવી છે. એટલે કે એ રોડ પર ચાલવા માટે લીગલ છે અને આકાશમાં વર્ટિકલ ટેકઓફ કરી શકે છે અને ફોર્વર્ડ ફ્લાઇટ પણ ભરી શકે છે. તેમણે હાલમાં જ તેમની પ્રોટોટાઇપ કાર મોડલ ઝીરોની ટેસ્ટ ફ્લાઇટમાં સફળતા મેળવી છે. આ વ્હીકલ દ્વારા કેલિફોર્નિયાના રોડ પર ચલાવવામાં આવી હતી અને ત્યાર બાદ એને હવામાં ઉડાડવામાં આવી હતી. અગાઉ આ કંપની દ્વારા જે કાર બનાવવામાં આવી હતી તે પ્લેનની જેમ ટેકઓફ કરતી હતી એટલે કે એને રનવેની જરૂર પડતી હતી. જોકે આ કાર હવે હેલિકોપ્ટરની જેમ જગ્યા પરથી ટેકઓફ કરે છે. આથી એ શહેરના ગમે એટલા ગીચ રસ્તા પરથી હવે સીધું ટેકઓફ કરી શકશે.

2.5 કરોડ રૂપિયામાં આવી ગઈ ફ્લાઇંગ કાર, ટ્રાફિકની મારા-મારીથી હવે બચી શકાશે… 2 - image

પ્રોટોટાઇપ પરથી બનાવવામાં આવશે કાર

એલેફની પ્રોટોટાઇપ મોડલ ઝીરો કારને રિસર્ચ અને ડેવલપમેન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવશે. તેઓ હવે એના પરથી વેચવા માટે જે કાર બનાવશે એને મોડલ A નામ આપવામાં આવ્યું છે. આ એક ઇલેક્ટ્રિક કાર હશે અને એને રસ્તા પર દોડાવવામાં આવી તો એ 322 કિલોમીટરનું અંતર કાપી શકશે જ્યારે એને ઉડાવવામાં આવી તો એ 177 કિલોમીટરનું અંતર કાપી શકશે. આ કારની કેબીનને એ રીતે બનાવવામાં આવી છે કે રોડ પર હોય કે હવામાં એનું બેલેન્સ જળવાઈ રહે. આ કારની કિંમત અંદાજે 2.5 કરોડ રૂપિયાની આસપાસ આંકવામાં આવી રહી છે.

સુરક્ષાને પ્રાધાન્ય

એલેફ એરોનોટિક્સ દ્વારા તેમની કારમાં સેફ્ટીને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. મોડલ ઝીરોમાં ડિસ્ટ્રીબ્યુટેડ ઇલેક્ટ્રિક પ્રોપ્યુલ્શન, રિયલ-ટાઇમ ડાયગ્નોસ્ટિક્સ, ઓબ્સટેકલ ડિટેક્શન, ગ્લાઇડ લેન્ડિંગ કેપેબિલિટીઝ અને ફુલ-વ્હિકલ બેલિસ્ટિક પેરાશુટનો સમાવેશ કરવામાં આવ્યો છે. 2023માં કંપનીને સ્પેશ્યલ એરવર્ધિનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. આ સર્ટિફિકેટ તેમને અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા મળ્યું હતું. આ પહેલી એવી વર્ટિકલ ટેકઓફ કરતી કાર છે જેને અમેરિકામાં મંજુરી મળી છે.

ફ્લાઇંગ કારનું ભવિષ્ય

એલેફ એરોનોટિક્સ દ્વારા મોડલ A કાર ટૂ-સિટર બનાવી રહી છે. 2026 સુધીમાં એ તૈયાર થઈ જશે અને એમાં ઓટોપાઇલટ મોડ પણ હશે. અત્યાર સુધીમાં આ કારના 3300 પ્રી-ઓર્ડર આવી ગયા છે. આ માટે 150 અમેરિકન ડોલર ચૂકવી કારને બૂક કરી શકાય છે.

આ પણ વાંચો: ટ્રમ્પની નારાજગી છતાં ટેસ્લાને ભારતમાં લાવવું કેમ જરૂરી છે ઇલોન મસ્ક માટે? જાણો વિગત...

ફોર-સિટર કાર પણ કરવામાં આવશે લોન્ચ

એલેફ એરોનોટિક્સ 2035 સુધીમાં ફોર-સિટર કાર મોડલ Zને લોન્ચ કરશે. આ કાર 644 કિલોમીટર જમીન પર અને 322 કિલોમીટર હવામાં ઉડી શકશે. આ કારને વધુ એડ્વાન્સ અને કોમ્પેક્ટ બનાવવામાં આવશે એવી શક્યતા છે.

Tags :