અમેરિકામાં એમેઝોનના ડેટા સેન્ટરથી વધી રહી છે કેન્સર અને મિસકેરેજની ટકાવારી, જાણો સમગ્ર મામલો

Amazon Data Center: અમેરિકાના ઓરેગોનમાં એમેઝોન કંપનીએ એક ડેટા સેન્ટર બનાવ્યું છે. આ ડેટા સેન્ટરને કારણે ત્યાં કેન્સર અને મિસકેરેજની ટકાવારી વધી રહી હોય એવો આરોપ મૂકવામાં આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર આ ડેટા સેન્ટરને કારણે ઓરેગોનમાં પીવાના પાણીમાં નાઇટ્રેટ્સનું પ્રમાણ વધી રહ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એના કારણે ત્યાંના રહેવાસીઓના હેલ્થમાં સમસ્યાઓ આવી રહી છે. કેન્સર અને મિસકેરેજના ઘણાં કેસ સામે આવી રહ્યા છે.
પાણીમાં નાઇટ્રેટ્સના લેવલે સેફ્ટી લિમિટને કરી ક્રોસ
અહીં સ્થાનિક લોકો માટે પીવાના પાણી માટેનો મુખ્ય સ્ત્રોત લોઅર ઉમાટિલા બેસિન છે. આ પાણીમાં ગંદા પાણીના નિકાલ માટેની બેજવાબદારી, રેતાળ જમીન અને બેસિક ફિઝિક્સના કારણે દૂષિત થઈ રહ્યું છે. કેટલાક કૂવામાં નાઇટ્રેટ્સનું લેવલ 73 પાર્ટ્સ પર મિલિયન છે. ઓરેગોનની સેફ્ટી લિમિટ 7 પાર્ટ્સ પર મિલિયન છે. એટલે પાણીમાં દસ ઘણું નાઇટ્રેટ્સ જોવા મળી રહ્યું છે.
એમેઝોનના ડેટા સેન્ટર કેવી રીતે પાણી ખરાબ કરી રહ્યા છે?
એમેઝોનના ડેટા સેન્ટર ઓરેગોનના જળભંડારમાંથી વર્ષે લાખો ગેલન પાણી લે છે જેના દ્વારા સર્વરને ઠંડા રાખવામાં આવે છે. આ પાણીમાં નાઇટ્રેટ્સનું પ્રમાણ વધી જાય છે અને આ પાણીને ત્યાંના બંદરની વેસ્ટવોટર સિસ્ટમમાં ઠાલવવામાં આવે છે. કંપની દ્વારા આ પાણી ફરી સર્વરને ઠંડુ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કંપનીમાંથી આવેલું પાણી ગરમ હોય છે અને તે જ્યારે વેસ્ટવોટર સિસ્ટમમાં ઠાલવવામાં આવે ત્યારે એ ઠંડુ થવા માંડે છે, પરંતુ એમાં નાઇટ્રેટ્સ રહી જાય છે. આ પાણીનો ફરી ઉપયોગ કરવાથી એમાં નાઇટ્રેટ્સનું પ્રમાણ ધીમે ધીમે વધતું જાય છે. ત્યાર બાદ એ તમામ સેફ્ટી લેવલ ક્રોસ કરી જાય છે અને ધીમે ધીમે એનાથી બીમારી ફેલાવવા માંડે છે.
એમેઝોને આ આરોપને ઠુકરાવ્યો
એમેઝોન કંપની પર આરોપ લાગતાં કંપનીની પ્રવક્તા લિસા લેવેન્ડોવસ્કીએ કહ્યું કે આ માહિતી ખોટી અને ગેરમાર્ગે દોરતી છે. કંપનીનું કહેવું છે કે તેમની જે વોટર સિસ્ટમ છે એમાં જે પાણીનો ઉપયોગ ઓરેગોનમાંથી લેવામાં આવે છે એ ખૂબ જ ઓછો છે અને એથી જ એમાંથી પાણી પણ ખૂબ જ ઓછું છોડવામાં આવે છે. કંપનીનો દાવો છે કે આ પાણીની માત્રા એટલી ઓછી છે કે એનાથી પાણીની ગુણવત્તા પર કોઈ અસર નથી પહોંચતી.
આ પણ વાંચો: વોટ્સએપ વેબ પરથી એકાઉન્ટ દર છ કલાકે થઈ જશે લોગ આઉટ, જાણો કેમ સરકારે નવો આદેશ આપ્યો...
નાઇટ્રેટ્સના લેવલ સાથે જોડાયેલી છે બીમારીઓ
પાણીમાં નાઇટ્રેટ્સનું પ્રમાણ વધુ હોવાથી એના કારણે કેટલાક ભાગ્યે જ જોવા મળતાં કેન્સર અને મિસકેરેજ થઈ રહ્યા છે. આ નાઇટ્રેટ્સનું પ્રમાણ ઓછું કરવું અને લોકોને પીવા માટેનું સુરક્ષિત પાણી આપવું એ માટેના પ્રયાસો ખૂબ જ ધીમા છે. અહીંના 40 ટકા લોકો ગરીબી રેખા નીચે જીવે છે અને એથી જ ત્યાં જલદી કામ ન થઈ રહ્યું હોવાનો આરોપ છે. મિશિગનમાં ભૂતકાળમાં એક ઘટના બની હતી જ્યાં પાણીના પાઇપ જૂના થઈ જતાં શહેરના પીવાનું પાણી દૂષિત થયું હતું. હજારો લોકોને ઝેરીલું પાણી પી રહ્યા હતા.

