Amazon Rain Forest: એમેઝોનનું જંગલ હવે ધીમે-ધીમે હાઇપરટ્રોપિકલ ક્લાઇમેટ તરફ જઈ રહ્યું છે. ત્યાં ધીમે ધીમે દિવસ દરમ્યાનનું તાપમાન વધી રહ્યું છે. તેમ જ કોઈ જગ્યાએ દુકાળ પડતો હોય તો એ પહેલાં કરતાં વધુ સમય માટે રહે છે. ગ્રીનહાઉસ ગેસમાં વધારો થઈ રહ્યો હોવાથી આ અસર જોવા મળી રહી છે. ગ્રીનહાઉસ ગેસ એટલે કે વાતાવરણમાં કેટલાક ગેસ એવા છે જે ગરમીને પકડી રાખે છે અને એને કારણે પૃથ્વી ગરમ થતી રહે છે. હાલમાં 2025 ચાલે છે, પરંતુ 2100 સુધીમાં એમેઝોનના જંગલમાં લગભગ પાંચ મહિના સુધી દુકાળ જોવા મળશે. એના કારણે ઝાડ અને એમાં રહેલી વાઇલ્ડલાઇફ પર જોખમ રહેશે.
દુકાળની અસર થઈ રહી છે ઝાડ પર
30 વર્ષના એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે દુકાળ પડે છે એના કારણે ઝાડ પર અસર થાય છે. ઝાડ જે રીતે પાણીનું શોષણ કરે છે અને જમીનની અંદરથી એને આગળ ધકેલે છે એમાં પણ અસર પડી રહી છે. આ સાથે જ ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા પણ ધીમી થઈ રહી છે. એના કારણે ઝાડ કાર્બનનું શોષણ કરે છે એ પણ હવે ઓછું થઈ રહ્યું છે. આ દુકાળને કારણે જે ઝાડ ખૂબ જ જલદી વિકાસિત થઈ રહ્યું હોય એના પર ખૂબ જ વધુ અસર પડે છે. ઝાડ જે ધીમે-ધીમે મોટું થઈ રહ્યું હોય એનું લકડું થોડું સખત બનતું જાય છે અને પરિસ્થિતિ સાથે વધુ સારી રીતે ટેવાતું જાય છે. આ પ્રકારના ઝાડના જીવિત રહેવાના ચાન્સ ખૂબ જ વધુ રહે છે. એમેઝોન જંગલમાં આવેલા ઝાડનો મૃત્યુઆંક 50 ટકા વધી ગયો છે. આથી દુનિયાભરની ઇકોસિસ્ટમ પર ખતરો છે. એમેઝોનના જંગલ પર અસર થાય તો એની આડઅસર દુનિયાભર પર પડે છે.
દરેક માટે ખતરાની ઘંટી
જંગલમાં જેટલા ઝાડના મૃત્યુ થાય એટલો કાર્બન ઓછો સ્ટોર થાય છે. કાર્બન સ્ટોર ઓછો થાય તો ઑક્સિજન પણ ઓછો રિલીઝ થાય છે. ઑક્સિજનનું પ્રમાણ ઓછું થતા દુનિયાભરમાં ક્લાઇમેટ ચેન્જ થાય છે. વિજ્ઞાનીઓ દ્વારા અન્ય જંગલોને લઈને પણ ચેતવવામાં આવ્યા છે. આ જંગલોમાં પણ ઝાડ મરી રહ્યા છે અને દુકાળ પડી રહ્યો છે. પરિણામે ઑક્સિજનનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે. માનવજાત માટે આ ખૂબ જ મોટી ખતરાની ઘંટી છે. એમેઝોનનું જંગલ સાચવવું એ નેચરને સાચવવું એવું નથી, પરંતુ માનવજાતને સાચવવું અને પૃથ્વીને સાચવવું છે.


