આકાશમાં જોવા મળ્યો ચંદ્ર અને શુક્રનો અદ્ભુત સંયોગ, NASA એ શેર કરી માહિતી
નવી દિલ્હી,તા. 27 માર્ચ 2023, સોમવાર
આકાશમાં જોવા મળેલા એક દૃશ્યે ઘણા લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. અંધારી રાતના આકાશમાં દેખાતો આ નજારો એટલો સુંદર હતો કે, તેના પરથી નજર હટાવવાનું મુશ્કેલ હતું. રાત્રિના આકાશમાં ચમકતો ચંદ્ર પણ ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો.
સોશિયલ મીડિયામાં આ ફોટો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ચંદ્ર અર્ધચંદ્રાકાર જોવા મળ્યો અને તેની ઠીક નીચે એક તારો જોવા મળ્યો હતો.
આ દ્રશ્યે લોકોને 'ચાંદ જૈસે મુખડે પર બિંદિયા સિતારા' ગીતની યાદ અપાવી. આ તારો પણ એટલો ચમકતો હતો કે તેને ઘણી વખત જોતા તેની સામે ચંદ્રનું તેજ પણ ઓછું દેખાતું હતું. લોકોએ આ દ્રશ્યને આધ્યાત્મિકતા સાથે પણ જોડ્યો હતો.
કેટલાક લોકો તેને એક સુંદર ખગોળીય ઘટના માનતા હતા. અર્ધ ચંદ્રની નજીકનો ચમકતો તારો પણ ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહ્યો છે કારણ કે, ઘણીવાર સ્ત્રીઓ આ પ્રકારની બિંદી પહેરે છે, જેની ટોચ પર અડધો ચંદ્ર હોય છે અને તેની નીચે એક નાનું બિંદુ હોય છે. કેટલીક બિંદીઓમાં અર્ધ ચંદ્ર પર એક ટપકું પણ હોય છે.
નાસાએ પણ આ સુંદર નજારાની તસવીર શેર કરીને આખું વિજ્ઞાન સમજાવ્યું છે. નાસાના ટ્વિટર હેન્ડલ પરથી માહિતી આપવામાં આવી હતી કે, અર્ધચંદ્રાકાર આકારના ચંદ્રની નજીક દેખાતો આ ચમકતો તારો વાસ્તવમાં શુક્ર ગ્રહ છે. શુક્રવારની રાત્રે સૂર્યાસ્ત પછી ચંદ્રની નજીક દેખાયો હતો. પશ્ચિમ તરફ આકાશમાં જોવા મળેલો શુક્ર ચંદ્રની આસપાસ તેનું સ્થાન બદલતો જોવા મળ્યો.