Get The App

''બાળકો માટે સોશિયલ મીડિયા પર બધા દેશોએ પ્રતિબંધ મૂકવો જોઇએ''

Updated: Apr 12th, 2026

GS TEAM

Google News
Google News
''બાળકો માટે સોશિયલ મીડિયા પર બધા દેશોએ પ્રતિબંધ મૂકવો જોઇએ'' 1 - image

- ík{khkt çkk¤fkuLkk MkkurþÞ÷ {erzÞk WÃkÞkuøk rðþu ík{u ®[ríkík Aku?

તમારું કાચી ઉંમરનું બાળક સોશિયલ મીડિયા એપ્સમાં શું જુએ છે એ તમે જાણો છો? એ કેવું કન્ટેન્ટ પોસ્ટ કરે છે એ તમે ક્યારેય જોયું છે? અથવા, આ એપ્સમાં કેવા લોકો તેના સીધા સંપર્કમાં આવે છે એ તમે જાણો છો? આ વાતની ચિંતા કમ સે કમ બે પક્ષે હોવી જોઈએ - એક, આપણે મા-બાપ પોતે અને બીજા, આ સોશિયલ મીડિયા બનાવનારા લોકો. દુઃખની વાત એ છે કે આ બંને પક્ષ આ બાબતે ખાસ ચિંતિંત હોય એવું લાગતું નથી. પરિણામે હવે ત્રીજા પક્ષ - સરકારોએ ચિંતા કરવાનું શરૂ કર્યું છે.

ઓસ્ટ્રેલિયાએ ૧૬ વર્ષથી નાનાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકી દીધો છે. યુરોપના જુદા જુદા દેશો તેને અનુસરવાની તૈયારીમાં છે. ભારતમાં પણ કર્ણાટકના મુખ્ય પ્રધાને આવા પ્રસ્તાવની જાહેરાત કરી છે.

એ સ્થિતિમાં, એફબી-ઇન્સ્ટાની સરખામણીમાં ઓછા પોપ્યુલર સોશિયલ પ્લેટફોર્મ ‘પિન્ટરેસ્ટ’ના સીઇઓ આ બધા વિશે શું વિચારે છે એ તરફ આપણે ધ્યાન આપવા જેવું છે. ગયા મહિને, તેમણે ‘ટાઇમ’ મેગેઝિનમાં લખેલા એક લેખનો ભાવાર્થ અહીં વાંચો - ફોનમાંથી થોડો સમય કાઢીને!

fkuý Au rÃkLxhuMxLkk yk Lkðk MkeRyku?

વર્ષ ૨૦૨૨થી પિન્ટરેસ્ટના સીઇઓ બનેલા બિલ રેડી ઇન્ટરનેશનલ કાર્ડ નેટવર્ક ‘વિસા’ના બોર્ડ મેમ્બર પણ છે. એ પહેલાં તેઓ ગૂગલના એક મહત્ત્વના ડિપાર્ટમેન્ટના પ્રેસિડેન્ટ હતા. તેઓ પેમેન્ટ કંપની પેપાલના ચીફ ઓપરેટિંગ ઓફિસર હતા અને બે નવાં સવાં સ્ટાર્ટઅપની આવક તેમણે બિલિયન્સ ડોલર્સમાં પહોંચાડી છે.

પિન્ટરેસ્ટના સીઇઓ તરીકે તેમણે પિન્ટરેસ્ટને બાળકો માટે સલામત બનાવવા કેટલાક મહત્ત્વના ફેરફારો કર્યા છે.

rÃkLxhuMx Ãkkuíku fE heíku y÷øk Au?

માર્ચ ૨૦૧૦માં લોન્ચ થયેલ ‘પિન્ટરેસ્ટ’ને આપણે ઇન્ટરનેટનું વિઝ્યુઅલ સર્ચ એન્જિન ગણી શકીએ. તેના યૂઝર્સ તેમના પોતાના કન્ટેન્ટ તથા ઇન્ટરનેટ પર તેમને જે કંઈ ગમે તેની ઇમેજ ‘પિન્ટરેસ્ટ’ પર પિન કરી શકે, જે આ પ્લેટફોર્મ (વેબસાઇટ તથા એપ)માં જુદી જુદી કેટેગરીમાં ગોઠવાતી જાય. પિન્ટરેસ્ટના યૂઝર તરીકે આપણે પહેલેથી પોતાના ઇન્ટરેસ્ટની કેટેગરી પસંદ કરી શકીએ એટલે તેને લગતી ઇમેજિસ આપણને વધુ દેખાય. તેના પરથી આપણે સીધા એ ઇમેજ જ્યાંથી આવી હોય તે વેબસાઇટ પર પહોંચી શકીએ.

આ જ વાતે પિન્ટરેસ્ટ અન્ય સોશિયલ મીડિયા કરતાં અલગ છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ, યુટ્યૂબ વગેરે પર સતત એવો પ્રયાસ છે કે યૂઝર તેમાં વધુમાં વધુ સમય વીતાવે. ત્યાં પોસ્ટ, લાઇક્સ, કમેન્ટ ફરતે જ બધું ચાલે છે, યૂઝર એક વાર ઘૂસે પછી તેનું સ્ક્રોલિંગ અટકવું ન જોઈએ! જ્યારે પિન્ટરેસ્ટમાં કન્ટેન્ટ કોણ પોસ્ટ કરે છે એ તરફ આપણું ધ્યાન પણ જતું નથી. લાઇક્સ, કમેન્ટનું કોઈ મહત્ત્વ નથી ને જે ગમે તેના મૂળ સુધી એક ક્લિકમાં પહોંચી શકાય. તમારા ઇન્ટરેસ્ટ સ્પષ્ટ હોય તો તેને લગતી ઇન્ટરેસ્ટિંગ સાઇટ્સ શોધવી પિન્ટરેસ્ટ પર સહેલી છે - ગૂગલ કરતાં પણ વધુ સહેલી!

પિન્ટરેસ્ટનો એપ્રોચ અલગ છે એટલે તેમાં ટ્વીટર-એક્સ જેવું ટોક્સિક-ઝેરીલું વાતાવરણ નથી. અહીં યૂઝર્સ વચ્ચે સ્પર્ધા પણ નથી. કાં તો તમે ઇન્ટરનેટ પરથી પિન્ટરેસ્ટમાં ગમતાંનો ગુલાલ કરો, ઇમેજ/વીડિયો પિન કરો અથવા સીધા જ પિન્ટરેસ્ટમાં આવીને બીજાએ વહેંચેલા ગુલાલમાં રંગાતા રહો!

અહીં બાળકો માટે યોગ્ય ન હોય એવું કન્ટેન્ટ કે જોખમો પણ છે - કેમ કે આખરે બધું યૂઝર-જનરેટેડ છે, પરંતુ એટલે જ ૧૬ વર્ષથી નાની ઉંમરનાં એકાઉન્ટ ફરજિયાત પ્રાઇવેટ અને મર્યાદિત છે.

‘‘nwt Ãkkuíku xuf MkeRyku Awt, Ãký ÃkuhuLx íkhefu Mk{swt Awt fu...’’

ટાઇમ મેગેઝિનમાં પ્રકાશિત, પિન્ટરેસ્ટના સીઇઓ બિલ રેડીના લેખનો ભાવાનુવાદ...

‘‘આપણાં બાળકો આજે માનવ ઇતિહાસના એક સૌથી મોટા સામાજિક પ્રયોગમાંથી પસાર થઈ રહ્યાં છે. ઘણાં વર્ષોથી દુનિયાભરનાં બાળકોને સોશિયલ મીડિયાનાં વિવિધ પ્લેટફોર્મ્સ પર કોઈ ખાસ રોકટોક વિના પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તેનું પરિણામ શું આવશે એ વિશે આ પ્લેટફોર્મ બનાવનારી કંપનીઓએ પૂરતો વિચાર કર્યો નહોતો.

હવે તેનાં પરિણામો બહુ દુઃખદ રીતે સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે - બાળકોમાં સતત ચિંતા અને હતાશામાં વધારો થઈ રહ્યો છે. તેઓ સાવ અજાણ્યા લોકોના સીધા સંપર્કમાં આવે છે અને તેમની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ધોવાઈ રહી છે. ક્લાસરૂમમાં શિક્ષણ અને મોબાઇલ વચ્ચે સ્પર્ધા શરૂ થઈ ગઈ છે.

આ પરિસ્થિતિમાં ઓસ્ટ્રેલિયાએ એક સાહસિક પગલું ભર્યું. ૧૬ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ. મને લાગે છે કે જો ટેક કંપનીઓ બાળકોની સલામતીને પ્રાથમિકતા આપવામાં નિષ્ફળ જાય તો અન્ય દેશોની સરકારોએ પણ ઓસ્ટ્રેલિયાને અનુસરવું જોઇએ.

મારા સાથીદાર સમાન મોટા ભાગની ટેક કંપનીના સીઇઓએ ઓસ્ટ્રેલિયાના પ્રતિબંધને નકારી કાઢ્યો છે. કેટલાકે તો એમ પણ કહ્યું કે આ એક ઉતાવળિયું અને દેખાડો કરવા પૂરતું પગલું છે.

પણ હું આ વાતને જુદી રીતે જોઉં છું. આપણે સોશિયલ મીડિયાની ઇકોસિસ્ટમ ઊભી કરવામાં જે નવીનતા અને સર્જનાત્મકતા દાખવી હતી એને જ કામે લગાડીને હવે બાળકોને ઓનલાઇન સલામત બનાવવાનું બહુ મહત્ત્વનું કામ કરવાની જરૂર છે. જો આપણે આ કામ અસરકારક રીતે ન કરી શકીએ તો આવા પ્રતિબંધનો વિરોધ કરવાનો આપણને કોઈ અધિકાર રહેતો નથી.

હું સમજું છું કે...

હું પોતે એક ટેક સીઇઓ છું અને પેરેન્ટ પણ છું. હું સમજું છું કે કાયદાનું પાલન કરવું અને વાસ્તવિક સુરક્ષા આપવી એ બંને અલગ બાબતો છે. હું સમજું છું કે વ્યાપક નિયંત્રણો આવે ત્યારે મુશ્કેલ સ્થિતિ સર્જાય છે. પરંતુ એટલું નક્કી છે કે આજનું સોશિયલ મીડિયા ૧૬ વર્ષથી નાનાં બાળકો માટે બિલકુલ સલામત નથી. તે ડિઝાઇન જ એ રીતે થયેલ છે કે વધુમાં વધુ વ્યૂ ટાઇમ મેળવી શકાય. બાળકોના વેલબિઇંગનો વિચાર કર્યા વિના. તેઓ સ્ક્રીન સાથે ચોંટેલાં રહે એ જ અત્યારે લક્ષ્ય છે. આપણે અદાલતોમાં કેટલાક કેસોમાં જોયું છે કે કેટલીક સોશિયલ મીડિયા કંપનીઓએ બાળકોની સલામતી કરતાં નફા તરફ વધુ ધ્યાન આપ્યું છે અને કેટલીક વાર તેના બહુ દુઃખદ પરિણામો આવ્યાં છે.

હવે સોશિયલ મીડિયામાં એઆઇ ચેટબોટ્સ પણ ઉમેરાઈ રહ્યા છે. આ એઆઇ ચેટબોટ્સ સૌના વર્તન, લાગણી અને ઓળખ પર પ્રભાવ કરી શકે છે. તેમ છતાં આ બહુ અસરકારક અને શક્તિશાળી સાધનો એવાં બાળકોના હાથમાં આપી દેવાય છે જેમનામાં તેને હેન્ડલ કરવાની પરિપકવતા હજી આવી જ નથી.

અન્ય બિઝનેસમાં આવી સ્થિતિ આપણે અગાઉ જોઈ છે. આપણે ડ્રાઇવિંગ, સ્મોકિંગ, આલ્કોહોલનું સેવન વગેરેમાં વય સંબંધિત મર્યાદાઓ મૂકી છે. કાયદાઓ અધૂરા છે અને તેનો સહેલાઈથી ભંગ કરી શકાય છે એવું સમજતાં હોવાં છતાં આપણે તેને અમલમાં તો મૂક્યા છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આવા કાયદાઓ સમય જતાં સુધરશે, આખરે તેનાથી જિંદગી બચી શકે છે.

હવે એ જ રીતે આપણે બાળકોને મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેતાં પહેલાં પૂરતાં વિકસવાની તક આપવી જોઈએ. ભલે સુરક્ષા અધૂરી હોય, પરંતુ કોઈ સુરક્ષા ન હોવા કરતાં એ સારી છે.

અત્યારે ટેક કંપનીઓના સીઇઓ ૨૦મી સદીની તમાકુ કંપનીઓ જેવા લાગે છે. તમાકુ કંપનીઓ પણ લોકોની સુરક્ષા પ્રત્યે બેપરવા બની ત્યારે તેમને યોગ્ય પગલાં લેવાની ફરજ પાડવી પડી હતી. એટલે જ મારા સહિત ઘણા લોકો સોશિયલ મીડિયાને ‘ન્યુ બિગ ટોબેકો’ ગણાવે છે.

લોકો પણ સમસ્યા જાણે છે...

આ સમસ્યા લોકો સારી રીતે સમજે છે અને તેનો ઉકેલ માગે છે. કેટલાક સર્વે મુજબ બાળકોમાં  સોશિયલ મીડિયા પર પ્રતિબંધને વ્યાપક ટેકો મળ્યો છે. લગભગ ૭૦ ટકા માબાપને બાળકો જે પ્રકારનું કન્ટેન્ટ જોઈ રહ્યાં છે અને વધુ પડતો સમય ઓનલાઇન વીતાવી રહ્યાં છે તેની ચિંતા છે. લગભગ ૬૬ ટકા લોકો કહે છે કે ૨૦ વર્ષ પહેલાં જે સ્થિતિ હતી તેના કરતાં અત્યારે પેરેન્ટિંગ મુશ્કેલ બન્યું છે અને તેના માટે મોટા ભાગે સોશિયલ મીડિયા જવાબદાર છે. એક સર્વે અનુસાર, એક જાણીતા સાયકોલોજિસ્ટે કહ્યું છે કે જેન ઝીના લગભગ અડધાથી વધુ લોકોએ કબૂલ્યું છે કે કેટલાંક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ન હોત તો તેમની દુનિયા વધુ સારી હોત.

આપણે કશું કરી રહ્યા છીએ ખરા?

આજે મહત્ત્વનો સવાલ ઊભો થયો છે. સ્થિતિ જેમની તેમ જાળવી રાખીને આપણે બાળકોને સલામત બનાવી રહ્યા છીએ કે પછી સોશિયલ મીડિયાના અત્યારના બિઝનેસ મોડેલને સુરક્ષિત રાખીએ છીએ?

આપણી ઇન્ડસ્ટ્રીને આ નુકસાન ઘટાડવા માટે ઘણાં વર્ષો મળ્યાં. પરંતુ સૌ કોઈ સતત એમ કરવામાં નિષ્ફળ રહ્યા છે. હવે સ્વ-નિયંત્રણનો સમય વીતી ગયો છે. જો ટેક કંપનીઓ પોતે બદલાશે નહીં તો દેખીતી રીતે કાયદા ઘડનારા લોકોએ વાત પોતાના હાથમાં લેવી પડશે. આપણને સ્પષ્ટ ધોરણોની જરૂર છે - ૧૬ વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, તેનું પૂરેપૂરું અસરકારક પાલન અને આ કાયદાના પાલન માટે એપ્સ અને મોબાઇલ ફોન ઓપરેટિંગ સિસ્ટમ્સને જવાબદાર બનાવવી.

પ્રતિબંધ ભલે કઠોર લાગે...

ટીકાકારો કહે છે કે આ પ્રતિબંધો વધુ પડતા કઠોર પિતાનાં પગલાં જેવા છે. ઘણા માને છે કે એ કામ નહીં કરે. એમનું માનવું છે કે બાળકો કોઈને કોઈ રસ્તા શોધી કાઢશે અથવા હજી વધુ અસલામત પ્લેટફોર્મ તરફ વળશે. ઘણા એમ પણ કહે છે કે સોશિયલ મીડિયાથી સંબંધો કેળવાય છે અને સમાજ ભાવના ગાઢ બને છે.

પરંતુ આજના સોશિયલ મીડિયામાં આવા લાભ હોય તો પણ તેની સાથે ગંભીર હાનિ સંકળાયેલી છે. એનો પણ અચૂક વિચાર થવો જોઈએ.

સોશિયલ મીડિયા પર આપણે ઇચ્છીએ નહીં તેવા લોકો આપણાં બાળકોનો સીધો સંપર્ક કરી શકે છે, બાળકો એકબીજા સાથે પોતાની સતત સરખામણી કરે છે, પોતાના શારીરિક દેખાવ બાબતે સતત દબાણ અનુભવે છે. સાઇટ્સ પર એમનું બુલિંગ થાય છે અને મોટી ઉંમરના લોકોને પણ જે તકલીફદાયક લાગી શકે એવું કન્ટેન્ટ બાળકો સામે આવે છે. આ બધાં કારણો એવા છે જેને કારણે સોશિયલ મીડિયામાં વધુ કડક અને વધુ સ્માર્ટ સલામતીનાં પગલાં લેવાં જરૂરી બને છે.

કશુંય ન કરીએ એ નહીં ચાલે

પિન્ટરેસ્ટમાં ટીનેજર્સ માટેનાં સોશિયલ ફીચર્સ દૂર કરીને ૧૬ વર્ષથી નાની ઉંમરના દરેક યૂઝરના એકાઉન્ટને પ્રાઇવેટ બનાવી દેવામાં આવ્યું છે. એટલે કે એમનું એકાઉન્ટ સર્ચમાં શોધી ન શકાય કે અજાણ્યા લોકો તરફથી તેમને મેસેજ, લાઇક્સ કે કમેન્ટ્સ  મોકલી ન શકાય  એવાં પગલાં લેવામાં આવ્યાં.

ત્યારે લોકોએ કહ્યું હતું કે અમે આ પગલાંને કારણે નવી જનરેશનના યૂઝર્સ ગુમાવી દેશું. પરંતુ જેન ઝી કંઈક અલગ જ કહે છે. આજે અમારા કુલ યૂઝર્સમાંથી અડધોઅડધ જેન ઝી છે. અમારો અનુભવ કહે છે કે પ્લેટફોર્મ પર સેફ્ટી અને વેલબીઇંગને અગ્રતા આપવામાં આવે તો યંગસ્ટર્સ પ્લેટફોર્મથી દૂર થતા નથી. ઉલટાનું તેઓ વિશ્વાસ અનુભવે છે.

જો આપણે સોશિયલ મીડિયાને બાળકો માટે સલામત બનાવવા કોઈ પગલાં નહીં લઇએ તો તેઓ વધુને વધુ ચિંતા અને હતાશાનો શિકાર બનતાં જશે. અત્યારે દુનિયાભરના બાળકોની કિશોરાવસ્થા ટેક કંપનીઓ દ્વારા ચલાવાતા વૈશ્વિક, સામાજિક પ્રયોગમાં અટવાઈ ગઈ છે. પરંતુ ઓસ્ટ્રેલિયાએ સીમા આંકી લીધી છે.

હવે સમય પાકી ગયો છે કે આપણે બાળકોની સેફ્ટી અને વેલબીઇંગ માટે નક્કર પગલાં લઇએ. આપણને વધુ સ્પષ્ટ કાયદાઓની જરૂર છે. પેરેન્ટ્સના હાથમાં વધુ સારાં ટૂલ્સ હોવાં જોઇએ અને પ્લેટફોર્મ તથા સોશિયલ મીડિયા એપ્સ વધુ જવાબદાર ગણાવાં જોઇએ.