યુસી બ્રાઉઝરે ભારતની ઓફિસ સમેટી લીધી
ચાઇનીઝ યુસી બ્રાઉઝર એપની મૂળ કંપની યુસી વેબ કંપનીએ ભારતમાં તેની કામગીરી સમેટી લીધી છે. ભારતમાં યુસી બ્રાઉઝર્સ પર અગાઉ પણ પ્રતિબંધ મૂકાયા હતા અને તેને પ્લે સ્ટોરમાંથી દૂર કરી દેવામાં આવ્યું હતું, પણ ત્યારે ટૂંક સમયમાં પ્રતિબંધ દૂર થતાં કંપનીએ તેની કામગીરી ચાલુ રાખી હતી.
આ વખતે ભારત સરકારે એક સાથે 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યા પછી યુસી વેબ કંપનીએ આ વખતનો પ્રતિબંધ દૂર થવાની આશા ગુમાવી દીધી લાગે છે. કંપનીની નવી દિલ્હી નજીકના ગુરુગ્રામમાંની ઓફિસમાં 100 જેટલા કર્મચારીઓ કામ કરતા હતા.
આ કર્મચારીઓમાંથી અમુક મૂળ ચાઇનીઝ કંપની અલીબાબાના પે-રોલ પર હતા જ્યારે અન્ય કર્મચારીઓ અન્ય એક ભારતીય ટેક કંપનીના પે-રોલ પર હતા. અલીબાબાના પે-રોલ પરના કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે જ્યારે ભારતીય કંપનીના કર્મચારીઓને આ કંપનીના અન્ય ઓપરેશન્સમાં શિફ્ટ કરવામાં આવે તેવી શક્યતા છે.
દરમિયાન ભારત સરકારે પ્રતિબંધિત કરેલી તમામ ચાઇનીઝ એપને વિવિધ મુદ્દાઓને લગતા કુલ 77 સવાલો પૂછીને ત્રણ અઠવાડિયામાં તેના જવાબ આપવા જણાવ્યું છે.