Get The App

વોટ્સએપમાં એઆઈ વોઈડ મોડ

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
વોટ્સએપમાં એઆઈ વોઈડ મોડ 1 - image


અત્યારે આપણે વોટ્સએપ ઓપન કરીએ ત્યારે આપણી બધી નજર આપણા પર આવેલા નવા મેસેજ પર હોય. એટલે આપણે સ્ક્રીન પર જમણી તરફ નીચે દેખાતા મેટા એઆઇના કલર્ડ સર્કલ પર ખાસ ધ્યાન આપતા નથી. જો તમે ક્યારેક તેના પર ક્લિક કર્યું હશે તો તમે જાણતા હશો કે અત્યારે વોટ્સએપમાં આપણે મેટા એઆઇ સાથે વાતચીત કરીને જાતભાતના સવાલોના જવાબ મેળવી શકીએ છીએ. મેટા એઆઇનું પેજ ઓપન થતાં આપણે જુદા જુદા પ્રોમ્પ્ટ પણ સૂચવવામાં આવે છે.

હજી હમણાં આપણે ‘ટેકનોવર્લ્ડ’માં વાત કરી એ મુજબ મેટા એઆઇનું નવું ‘ઇમેજિન મી’ ફીચર ભારતમાં લોન્ચ થઈ ગયું છે. આથી વોટ્સએપમાં મેટા એઆઇ સાથેની વાતચીત માટે ચેટબોક્સમાં અત્યારે પહેલેથી ‘ઇમેજિન મી’ પ્રોમ્પ્ટ લખાઈને આવે છે. મેટા તેના આ નવા ફીચરને આ રીતે પ્રમોટ કરે છે.

થોડા સમયમાં વાત હજી બદલાશે - ખરા અર્થમાં. અત્યારે આપણે વોટ્સએપમાં મેટા એઆઇ સાથેની બધી વાતચીત ટેકસ્ટ ચેટિંગ સ્વરૂપે કરી શકીએ છીએ. હવે અહીં પણ વોઇસ મોડ આવી રહ્યો છે. ચેટજીપીટી, જેમિની વગેરે અન્ય જાણીતી એઆઇ સર્વિસમાં લાંબા સમયથી વોઇસ મોડ આવી ગયા છે. તેની મદદથી આપણે એઆઇ સાથે લગભગ જીવતીજાગતી વ્યક્તિ સાથે વાતચીત કરીએ એટલી સહજતાથી વાત કરી શકીએ છીએ. તમને યાદ હોય તો ‘ટેકનોવર્લ્ડ’માં આપણે ચેટજીપીટીના વોઇસ મોડની મદદથી પોતાની સ્પોકન ઇંગ્લિશ લેંગ્વેજ કેવી રીતે સુધારી શકીએ તેની વિગતવાર વાત કરી હતી.

લગભગ એવી જ સગવડ હવે આપણને થોડા સમયમાં વોટ્સએપમાં પણ મળશે. વોટ્સએપમાં મેટા એઆઇ ઓપન કરીને આપણે તેની સાથે રિઅલ ટાઇમમાં વાતચીત કરી શકીશું. એ માટે આપણે નિશ્ચિત આઇકન પર ક્લિક કરવાનું રહેશે. મેટા એઆઇ સાથે ટેકસ્ટમાં વાતચીત કરી રહ્યા હોઇએ ત્યારે પણ આપણે વોઇસ મોડમાં સ્વિચ કરી શકીશું.

કોલ્સ ટેબમાં જઇને પણ આપણે સીધેસીધા વોઇસ મોડમાં વાતચીત કરી શકીશું. જેમ અત્યારે ટેકસ્ટ મોડમાં જુદા જુદા વિષયના પ્રોમ્પ્ટ સૂચવવામાં આવે છે તેમ વોઈસ મોડમાં પણ વાતચીત શરૂ કરવા માટે જુદા જુદા વિષય સૂચવવામાં આવશે. આપણે ઇચ્છીએ ત્યારે વોઇસ મોડ બંધ કરીને ચેટમાંથી એક્ઝિટ કરી શકીશું. અત્યારે વોટ્સએપના બીટા યૂઝર્સને આ ફીચર ઉપલબ્ધ થવા લાગ્યું છે.

Tags :