ચીનમાં એઆઈ રોબોટે ઈતિહાસ રચ્યો, પીએચડીનો અભ્યાસ કરશે
- રોબોટિક ટેકનોલોજીમાં ક્રાંતિ કે પછી માનવીઓ સાથે સ્પર્ધા?
- મનુષ્ય જેવો દેખાવ અને હાવભાવ ધરાવતો રોબોટ ચીની ઓપેરા પર રિસર્ચ અને કલાના વિષયોનો અભ્યાસ કરશે
- હ્યુમનોઈડ રોબોટની સિદ્ધિ વિશે લોકોના મિશ્ર પ્રત્યાઘાત, કેટલાકના મતે એઆઈ કલાનું સ્થાન ન લઈ શકે
બેઈજિંગ : રોબોટિક્સ અને એઆઈના ક્ષેત્રમાં ચીન ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. તાજેતરમાં જ ચીનના એક હ્યુમનોઈડ રોબોટે કારનો દરવાજો ખોલવા જેવું પરાક્રમ કરી દેખાડયું હતું. હવે ચીનના એક રોબોટને ચાર વર્ષના ડોક્ટરેટ (પીએચડી) પ્રોગ્રામ માટે પસંદ કરાયો છે. આ પ્રથમ જ વાર છે જ્યારે વિશ્વમાં કોઈ રોબોટ પાસે પીએચડી કરાવવામાં આવી રહી હોય. આ ઘટના બાબતે લોકોના મિશ્ર પ્રત્યાઘાત પડી રહ્યા છે. કેટલાકના મતે ભવિષ્યમાં રોબોટ્સ વિદ્યાર્થીઓની જગ્યા તફડાવી લેશે.
વાસ્તવમાં ચીનના જે રોબોટને પીએચડી પ્રોગ્રામ માટે પસંદ કરાયો છે તેનું નામ જુઈબા ૦૧ છે. જુઈબાને વર્લ્ડ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંમેલન દરમ્યાન ડોક્ટરેટ કરવા માટે પસંદ કરાયો છે. તે હવેના ચાર વર્ષ શાંઘાઈ થિયેટર એકડમીમાં પીએચડી કરશે. રોબોટ તૈયાર કરવામાં શાંઘાઈ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ડ્રોઈડઅપ રોબોટિક્સની ભૂમિકા રહી છે. જુઈબા ચીની ઓપેરા પર રિસર્ચ કરશે. આ રોબોટને એક વર્ચ્યુઅલ વિદ્યાર્થી આઈડી પણ મળી છે. પીએચડીમાં જુઈબાના મેન્ટર પ્રસિદ્ધ કલાકાર અને પ્રોફેસર યાંગ કિંગકિંગ રહેશે.
જુઈબા એક હ્યુમનોઈડ રોબોટ છે, તે દેખાવમાં બિલકુલ માણસ જેવો જ લાગે છે. તેની ત્વચા સિલિકોનથી બનેલી છે અને તેના ચહેરા પર હાવભાવ પણ મનુષ્યો જેવા છે. રોબોટની લંબાઈ લગભગ ૧.૭૫ મીટર છે જ્યારે તેનું વજન ૩૦ કિલોની આસપાસ છે. આ રોબોટ લોકોથી વાત કરવામાં પણ સહજ છે. આ જ વર્ષે ૧૪ સપ્ટેમ્બરથી આ રોબોટ કેમ્પસમાં દાખલ થશે. પહેલા તે કોલેજમાં એડ્મિનને રિપોર્ટ કરશે, પછી બાકીના વિદ્યાર્થીઓ સાથે ક્લાસમાં હાજરી પુરાવશે.આ રોબોટ ચાર વર્ષ માટે ચીનની પારંપરિક ચીની ઓપેરા સાથે અન્ય વિષયોનો અભ્યાસ પણ કરશે. તેમાં સ્ટેજ પરફોર્મન્સ, સ્ક્રિપ્ટ લેખન અને સેટ ડિઝાઈનિંગ જેવા આર્ટ્સના વિષયનો અભ્યાસ પણ કરશે. મોશન કંટ્રોલ અને ભાષા જનરેશન જેવા ટેકનીકલ વિષયો પણ તે શીખશે. આ રોબોટ બાકીના વિદ્યાર્થીઓ સાથે ઓપેરા પણ પ્રેક્ટિસ કરશે.
રોબોટના ડોક્ટરેટ કરવા વિષેના સમાચાર જાહેર થતાં જ સોશિયલ મીડિયયા પર તેના મિશ્ર પ્રત્યાઘાત પડયા છે. એક વપરાશકારે લખ્યું કે હવે રોબોટ વિદ્યાર્થીઓનું સ્થાન પડાવી લેશે. બીજાએ કહ્યું કે કલા જેવા વિષય માટે જીવંત અનુભવ જરૂરી હોય છે. કોઈપણ રોબોટના એલ્ગોરિધમથી બનેલી વસ્તુઓ લોકોને ભાવનાત્મક અપીલ નહિ કરી શકે. કેટલાક લોકોએ તેને ટેકનોલોજીકલ પ્રગતિ તરીકે પણ જોઈ છે.